Mahabharat All Episodes

સદ્‍ગુરુ: શકુનિએ કહ્યું, “જે તું તલવારથી ન કરી શકે તે કપટથી કરી શકે છે. તું મૂર્ખ ક્ષત્રિય છે જે હંમેશા યુદ્ધનો વિચાર કરે છે, ઝેર આપવાનો વિચાર કરે છે, કે મારી નાંખવાનો વિચાર કરે છે. કામ કરવાના બીજા રસ્તાઓ પણ છે.” અને તેણે પોતાના પાસા બહાર કાઢ્યા, “આ મારા પિતાનાં હાડકા છે. હું જેમ ઈચ્છીશ તેમ તે પડશે. તું કોઈ પણ અંક બોલ, હું તને તે લાવીને દેખાડીશ.” 

તે સમયે એ ધર્મ ગણાતો કે જો તમે ક્ષત્રિયને દ્વંદ્વયુદ્ધ માટે લલકારો અથવા ચોપાટની રમત માટે આમંત્રિત કરો તો તે “ના” ન કહી શકે. તેણે આવવું જ પડે. શકુનિએ કહ્યું, “ચોપાટની રમત યુધિષ્ઠિરની નબળાઈ છે પણ તેને તે રમતા   બિલકુલ આવડતી નથી. આપણે તેને દ્યૂતક્રીડા માટે આમંત્રિત કરીએ અને તારા તરફથી હું રમીશ. દ્યૂતક્રીડાની મદદથી આપણે તેની સંપત્તિ, રાજ્ય, અને બીજું બધું પડાવી લઈશું. માત્ર તેઓ અહીં આવે તેવું ગોઠવ. બાકીનું હું સંભાળી લઈશ.”

દુર્યોધનમાં અચાનક ચેતનાનો સંચાર થયો. તેણે સ્નાન કર્યું, વસ્ત્રો બદલ્યા, ભોજન કર્યું અને  જોમથી ભરપૂર તે પિતા પાસે ગયો અને બોલ્યો, “પિતાશ્રી, આપણે પાંડવોને દ્યૂતક્રીડા માટે આમંત્રિત કરવા જોઈએ.” જેવું ભીષ્મએ આ સાંભળ્યું, તેઓ તરત વચ્ચે બોલ્યા, “બિલકુલ નહીં.” દુર્યોધને પ્રથમ વખત ભીષ્મ સામે જાહેરમાં વિરોધ કર્યો અને બોલ્યો, “તમે હવે વૃદ્ધ થયા છો. તમને હાલના રાજકારણની કોઈ સમજ નથી. તમે તે મારી ઉપર છોડી દો.” અત્યાર  સુધી કોઈએ ભીષ્મનું આવું અવમૂલ્યન કર્યું ન હતું. પણ હવે દુર્યોધને તેમને બાજુએ હડસેલી દીધા હતા. હાજર રહેલા સહુ દિગ્મૂઢ હતા, પણ કોઈએ કશું બોલવાની હિંમત કરી નહીં.

ધૃતરાષ્ટ્રએ કહ્યું કે તેને તે વિચાર પસંદ નથી પડ્યો, પણ હકીકતમાં તેમને તે વાત ગમી ગઈ હતી. તેમણે પાંડવોને આમંત્રણ મોકલી દીધું. યુધિષ્ઠિર એટલી હદે સારો હતો કે તેણે કહ્યું, “આપણા ભાઈઓએ આપણને બોલાવ્યા છે. તેઓ અહીં આપણા મહેમાન બનીને આવ્યા હતા. હવે એ આપણો ધર્મ છે કે આપણે ત્યાં જઈને તેમના મહેમાન બનીએ.” ભીમે કહ્યું, “આપણે મહામૂર્ખ ગણાઈશું જો આપણે ફરી ત્યાં જઈએ અને તેમની સાથે ચોપાટ રમીએ. તેમની પાસે જરૂર કોઈ યુક્તિ હશે. તેમની પાસે ફરી એક વખત આપણને દૂર કરવાની કોઈ યોજના જરૂર હશે.” યુધિષ્ઠિરે કહ્યું, “ના, તે આપણો ધર્મ છે. જ્યારે તેઓ મને ચોપાટ રમવાનું આમંત્રણ આપે ત્યારે એક રાજા તરીકે મારાથી તે નકારી ન શકાય.” યુધિષ્ઠિરને ચોપાટ રમવું ગમતું હતું, પણ તેને સારું રમતા આવડતું ન હતું. 

રમત શરૂ થઈ

સંપૂર્ણ રાજાશાહી ઠાઠથી, પાંચ ભાઈઓ તેમની રાણી અને તેમના કાફલા સાથે હસ્તિનાપુર જવા માટે તૈયાર થયા. દુર્યોધન ચોપાટની રમત માટે એક નવું સભાગૃહ તૈયાર કરવા ઈચ્છતો હતો જે પાંડવોનાં સભાગૃહ જેટલું જ ભવ્ય હોય. તેણે એક સ્થાનિક શિલ્પકારને રોકીને એક સભાગૃહનું નિર્માણ તો કરાવ્યું પણ વટ પાડવાના વધુ પડતાં પ્રયત્નોને કારણે સભાખંડ ભયાનક કહી શકાય તેટલો ભભકાદાર બની ગયો. તેના પોતાના જ ભાઈઓ, જેમની પોતાની પણ કોઈ ખાસ પસંદગીની સમજ ન હતી, તેમને પણ તે પસંદ ન આવ્યો. અને પાંડવોની મોટી ભૂલ એ કે તેમણે કૃષ્ણ, જે દ્વારકા પાછા ફરી ગયા હતા, તેમને દ્યૂતક્રીડા માટે મળેલા આમંત્રણની માહિતી ન પહોંચાડી. પાંડવો એમ વિચારીને કે, તેઓ તો માત્ર તેમના ભાઈઓને મળવા જઈ રહ્યા છે, પોતાની મેળે જ ત્યાં પહોંચી ગયા.

પાંડવો સભાગૃહમાં આવી પહોંચ્યા. કૌરવો અને પાંડવો વચ્ચે રમાનારી ચોપાટની બાજી જોવા આખો સભાગૃહ ભરાઈ ગયો હતો. યુધિષ્ઠિરે બેઠક લીધી, રમવા માટે તૈયાર. પછી દુર્યોધન આવ્યો, પણ તે ચોપાટથી દૂર બેઠો. લોકો થોડી નવાઈથી જોઈ રહ્યા, અને દુર્યોધને જાહેરાત કરી, “મારા તરફથી મારા મામા શકુનિ રમશે.” સભાગૃહમાં  ગણગણાટ શરૂ થઈ ગયો. બધા જાણતા હતા કે ચોપાટની રમતમાં શકુનિ પાસે વિશિષ્ટ આવડત હતી અને તે મોટાભાગનો સમય ચોપાટ જ રમ્યા કરતો.  તેમજ સહુ એ પણ જાણતા હતા કે તેની પાસે જે પાસા હતા તે ગુપ્ત વિદ્યાવાળા પાસા હતા. લોકો ધીમેથી બોલ્યા, “આ અન્યાય છે. યુધિષ્ઠિર હારી જશે.” 

યુધિષ્ટિરે દુર્યોધનને કહ્યું, “મને તો એવું હતું કે હું તારી સાથે રમવાનો છું.” દુર્યોધન બોલ્યો, “ભાઈ, તમે ડરો છો કેમ? મારા મામા મારા તરફથી રમે છે. પરેશાની શું છે? અમારું લોહી એક જ છે. તમે હિંમત હારી ગયા?” યુધિષ્ઠિરે જવાબ આપ્યો, “ના, ઠીક છે. અમે રમીશું.” તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું, “તમે દાવ પર શું લગાડો છો?” યુધિષ્ઠિર પોતાના હાથી, ઘોડા - અને બીજું ઘણું દાવ પર લગાડતો ગયો. શકુનિએ જેટલી વાર પાસા ફેંક્યા, તે પોતાને જોઈતા આંકડા મેળવતો ગયો અને યુધિષ્ઠિર હારતો ગયો. 

રાજામાંથી રંક

દૃષ્ટિહીન રાજા ધૃતરાષ્ટ્રની બાજુમાં તેનો મદદનીશ સંજય બેઠો હતો જે રમતની માહિતી કહી સંભળાવતો હતો. જેટલી વખત પાસા ખખડતા, ધૃતરાષ્ટ્ર આતુરતાથી પૂછી લેતો, “કોણ જીત્યું? કોણ જીત્યું?” દરેક વખતે શકુનિ જ જીતતો હતો. યુધિષ્ઠિર પોતાનો રાજકોષ ખોઈ બેઠો, લશ્કર હારી ગયો. તે પોતાનું જર ઝવેરાત હારી ગયો. પછી તેના ભાઈઓએ પોતે પહેરેલા દાગીના તેને આપવા પડ્યા, જે પણ તે હારી ગયો. તે દાગીનાનું માત્ર નાણાકીય મૂલ્ય ન હતું, પણ તેમાં તેમની શાન હતી. તેનું હારી જવું પોતાનો મોભો ખોઈ બેસવા બરાબર હતું.

પછી યુધિષ્ઠિરે પોતાનું રાજ્ય હોડમાં મૂક્યું અને તે પણ હારી ગયો. લોકો હેબતાઇ ગયા અને મૂઢ બનીને જોતા રહ્યા. ભીષ્મ ઊભા થઇ ગયા અને બોલ્યા, “આ રમત અટકાવી દો.” દુર્યોધને તેમની ઉપર ઘાંટો પાડીને તેમને ચૂપ કરી દીધા, “તમે આ રમત બંધ ન કરાવી શકો. અમે તેને ક્ષત્રિયધર્મના નિયમ પ્રમાણે રમીએ છીએ. જો યુધિષ્ઠિરને રમવાનો ડર લાગતો હોય તો તે ઊભો થઈ જાય. બીજું કોઈ આ રમત અટકાવી ન શકે.” યુધિષ્ઠિરને કોઈ વાતનો ડર ન હતો. તેને તો આદત હતી દુનિયાભરની મુશ્કેલીઓને સામે ચાલીને પોતાના પર લેવાની. તેણે રાજ્ય ગુમાવી દીધું. પછી શકુનિએ પ્રસ્તાવ મૂક્યો, "હું તને વધુ એક તક આપુ છું. જો તું ભીમને દાવ પર લગાડે તો તું તારું રાજ્ય અને સાથે બીજુ બધુ પાછું મેળવી શકે છે."

પહેલા તેણે નકુલને દાવ પર લગાડ્યો અને હારી ગયો. પછી તે સહદેવને હારી ગયો. પછી તે અર્જુનને અને છેવટે ભીમને પણ હારી ગયો. પછી શકુનિએ કહ્યું, “હવે તારો વારો છે, યુધિષ્ઠિર. તારી જાતને હોડમાં મુક અને બધું જ પાછું મેળવી લે.” યુધિષ્ઠિરે પાસા ફેંક્યા અને પોતાને પણ હારી ગયો. કૌરવો આનંદની કિકિયારીઓ પાડી ઊઠ્યા. “પાંડવો હવે આપણા દાસ છે! તેઓએ હવે આપણા હુકમ માનવા પડશે. તમારા ઉપવસ્ત્રો ઉતારી દો!” આ દાસત્વનું પ્રતિક ગણાતું - દાસને ઉપવસ્ત્ર પહેરવાની છૂટ નહોતી અપાતી. પાંડવોએ પોતાના ઉપરના વસ્ત્રો ઉતારી દીધા અને શરમથી માથું ઝુકાવીને ઉભા રહ્યા. માત્ર પંદર મિનિટ પહેલા તેઓ રાજા હતા. હવે તેઓ પોતાના પોશાકનો એક હિસ્સો ઉતારીને ઊભા હતા, ગુલામની જેમ, તેમને કંઈ સમજાતું ન હતું કે હવે શું કરવું. 

દ્રૌપદીની માનહાની

પછી કર્ણએ સૂચન કર્યું, “તમે તમાંરી પત્નીને હોડમાં મૂકી શકો છો, તમારી રાણી.” દ્રૌપદી સભામાં હાજર ન હતી. તે તેના માસિક ચક્રમાં હતી તેથી તે પોતાના અલાયદા ખંડમાં હતી. તેઓએ યુધિષ્ઠિરને ઉશ્કેર્યો, “આ તારે માટે અંતિમ તક છે. તું તારા ભાઈઓ, તારું રાજ્ય અને બીજું સઘળું પાછું મેળવી શકે છે. તારી પત્નીની સામે બીજું બધું જ - તું જીતશે જ, તારી પાસે આ જ મોકો છે.” યુધિષ્ઠિરે પત્નીને દાવ પર લગાડી અને હારી ગયો. દુર્યોધન તરત જ આનંદની કિકિયારી પાડી ઊઠ્યો. તેણે કહ્યું, “દ્રૌપદી આપણી દાસી છે. તેને અહીં હાજર કરો.” તેમણે દૂત મોકલ્યો. સામાન્ય રીતે દૂત પણ જો પુરુષ હોય તો રાણીવાસમાં જઇ ન શકે, ખાસ કરીને માસિકના સમયે તો નહીં જ. જ્યારે દૂત પાછો ફર્યો, દુર્યોધને પોતાના ભાઈ દુ:શાસનને કહ્યું, “તે કોણ છે કહેવાવાળી કે તે આવશે કે નહીં? જા જઈને તેને લઈ આવ.”
 

દુ:શાસન ગયો, દરવાજા તોડીને ભવનની અંદર ગયો, અને કહ્યું, “ચાલ!” જ્યારે દ્રૌપદીએ પૂછ્યું, “તે મારા ઓરડામાં દાખલ થવાની હિંમત કઈ રીતે કરી!” દુઃશાશને તેને વાળ ખેંચીને ઢસડી. તેના કપડા પર લોહીના ડાઘ પડ્યા હતા. તેણે કહ્યું, “હું અત્યારે આવી સ્થિતિમાં છું અને એક વસ્ત્રમાં છું. તું મને સ્પર્શી કઈ રીતે શકે અને આ પ્રમાણે ખેંચીને કઈ રીતે લઈ જઈ શકે?” દુઃશાસને કહ્યું, “તે જે હોઈ તે. તું અમારી દાસી છે.” અને તેણે તેને વાળ પકડીને ખેંચી અને ઓસરી પસાર કરીને સભાખંડમાં લઇ આવ્યો. થોડા લોકો ઉભા થઇ ગયા અને બોલ્યા, “આ ધર્મની વિરુદ્ધ છે. આ પહેલા ક્યારેય કોઈ રાજાના દરબારમાં કોઈ સ્ત્રી સાથે આવું વર્તન કરાયું નથી.” પણ દુર્યોધને કહ્યું, “આ કાયદેસર છે. તે અમારી દાસી છે. હું તેની સાથે ઈચ્છું તેવું વર્તન કરી શકું છું.” 

ક્રોધિત થયેલી દ્રૌપદી બેઠી થઈ અને ભીષ્મને વચ્ચે પડવા માટે આજીજી કરી, પણ તેઓ નીચું જોઈ ગયા. પછી તેણે પૂછ્યું, “યુધિષ્ઠિરે પહેલા મને દાવ પર લગાડી હતી કે પોતાને?” લોકોએ જવાબ આપ્યો, “યુધિષ્ઠિરે પહેલા પોતાને દાવ પર લગાડ્યો હતો.” પછી તેણે દલીલ કરી, “તે પોતાને હારી ચૂક્યો હતો, અને જો તે દાસ બની ગયો હતો, તો તેને કોઈ હક ન હતો કે તે મને દાવ પર લગાડી શકે.” લોકોએ ભીષ્મને પૂછ્યું, કે આખરે ધર્મ શું છે, “જ્યારે યુધિષ્ઠિર પોતે હારી ગયો હતો ત્યારે તે તેની પત્નીને આ રીતે જોખમમાં મૂકી શકે?” ધર્મના નિષ્ણાત, જે ભીષ્મ હતા, તેમણે દુઃખી થઈને જવાબ આપ્યો, “ધર્મ મુજબ એક ચાકરને પણ પોતાની પત્ની પર સંપૂર્ણ અધિકાર હોય છે. તેથી એક દાસ તરીકે પણ તેને પોતાની પત્નીને હોડમાં મૂકવાનો પૂરો અધિકાર હતો.” 

માનવજાતની  ભલાઈને માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે શબ્દોની ચોકસાઈમાં એટલા ફસાય ગયા કે કાયદાનો અમલ કરવામાં માનવતા મરી પરવારી. જે થઈ રહ્યું હતું  તે અત્યંત નિર્દયી હતું અને જાણે તે અપૂરતું હોય તેમ તેમણે દ્રૌપદીને કટાક્ષ કરવા માંડ્યા. પ્રાચીન નિયમ મુજબ જો કોઈ રાજા અથવા ક્ષત્રિયને સંતાન ન હોય તો, તેની સંમતિથી, તેની પત્ની બીજા ત્રણ પુરુષો દ્વારા સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકતી હતી. પરંતુ જો તે પાંચમા પુરુષ પાસે જાય, તો તે વેશ્યા ગણાતી. કર્ણએ દ્રૌપદીને એવું સંભળાવીને શરમમાં પાડવાનો પ્રયત્ન કર્યો, “તે પાંચ પુરુષોની સાથે રહે છે, તે પત્ની નહીં, વેશ્યા છે - આપણે તેની સાથે જેવું ઇચ્છીએ તેવું વર્તન કરી શકીએ.” અને તેણે દ્રૌપદીને કહ્યું, “માત્ર પાંચ શું કામ - હવે તારી પાસે બીજા સો છે!” 

કૃષ્ણનું રક્ષાચક્ર

પછી દુર્યોધને કહ્યું, “આવ પાંચાલી, મારા ખોળામાં બેસ.” ગુસ્સે ભરાયેલા ભીમે કહ્યું, “આજે તે તારી જાંઘ તરફ નિર્દેશ કરીને પાંચાલીને તેની ઉપર બેસવા કહ્યું છે. એક દિવસ હું તારી જાંઘનો ચૂર ચૂર કરીને તને મારી નાખીશ.” કૌરવોએ કહ્યું, “આપણે મારવાની વાત પછી કરીશું. અત્યારે તો તેનું વસ્ત્ર ઉતારી દો.” દુ:શાસને તેનું એક માત્ર વસ્ત્ર ખેંચી લેવાની કોશિશ કરી. સભ્ય લોકોની સભા હેવાનોની સભામાં ફેરવાઇ ગઈ. હાજર રહેલા સહુ જનાવર બની ચૂક્યા હતા. 

દ્રૌપદી લાચાર અને ક્રોધિત હતી. પણ કૃષ્ણએ તેને વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે તેની રક્ષા કરી અને દુઃશાસન તેને નિર્વસ્ત્ર ન કરી શક્યો. જ્યારે તેમણે આ ચમત્કાર થતો જોયો - કે તેમનો ઈરાદો બધી જ હદ પાર કરી જવાનો હતો અને તેઓ નિષ્ફળ રહ્યા, ત્યારે ધૃતરાષ્ટ્રનું હૃદય ભયભીત થઈ ગયું. 

આ સમગ્ર ઘટના દરમિયાન ચૂપ રહેલો ધૃતરાષ્ટ્ર પ્રથમ વખત બોલવા ઊભો થયો અને તેણે કહ્યું, “રમત પૂરી થઈ ગઈ છે. રમત પહેલા જે જેનું હતું તે તેને પાછું આપી દેવામાં આવે. યુધિષ્ઠિર હજુ ઇન્દ્રપ્રસ્થનો રાજા છે. તેમને માનભેર વિદાઈ કરો.” દુર્યોધન, દુઃશાસન, કર્ણ અને તેમની આખી મંડળી ખૂબ ગુસ્સે ભરાઈ. દુર્યોધન સભા છોડીને જતો રહ્યો. પાંડવોને તેમનું રાજ્ય, તેમની સ્વતંત્રતા, સંપત્તિ અને બીજું બધું પાછું મળી ગયું, પણ બેઇજ્જતી અને અપમાનનો બોજો તો રહી જ ગયો. મોઢું લટકાવીને તેઓ ઇન્દ્રપ્રસ્થ જવા રવાના થયા.

શકુનિ, કર્ણ અને દુર્યોધન ઝડપથી ધૃતરાષ્ટ્રને એકાંતમાં મળ્યા અને કહ્યું, “આ યોગ્ય નથી, તમારા વચ્ચે પડવાને કારણે જે રમત યોગ્ય હતી તેનું અનુચિત પરિણામ આવી ગયું. આપણે તેમને ફરી એક આખરી બાજી માટે આમંત્રિત કરવા જોઈએ. રમતના નિયમો આ પ્રમાણે રહેશે: જો તેઓ જીતે તો અમે વનવાસ કરીશું. સમગ્ર સામ્રાજ્ય તેમનું. જો તેઓ હારે તો તેમણે બાર વર્ષ માટે જંગલમાં જવાનું અને તેરમા વર્ષમાં અજ્ઞાતવાસ કરવાનો. તેર વર્ષ પછી, ભલે તેમને તેમનું રાજ્ય પાછું મળી જાય. પરંતુ અમે જે રમત રમ્યા, તેનું કોઈક ઇનામ તો હોવું જોઈએ ને.”

ફરી એક વખત ધૃતરાષ્ટ્ર તેના પુત્રના પ્રભાવ હેઠળ આવી ગયો અને તેણે પાંડવોને પાછા બોલાવવા દૂતોને રવાના કર્યા. બીજા ચાર ભાઈઓએ શરૂઆતમાં પાછા ફરવાની ના ભણી, પણ યુધિષ્ઠિરે કહ્યું, “આ ધર્મ છે. તેઓ આપણને પાછા બોલાવે છે, આપણે જવું જ પડે” અને તે પાછો ગયો. સ્વાભાવિક રીતે જ તે હાર્યો અને પાંડવોએ તેમના રાજવી પોશાક ત્યજી દીધા, સાદા વસ્ત્રો ધારણ કર્યાં અને વનની વાટ પકડી.

ક્રમશ:...

More Mahabharat Stories