સદ્ગુરુ: તંત્રવિદ્યા માટેનો અંગ્રેજી શબ્દ 'અકલ્ટ' એ બહુ સ્પષ્ટ અને ચોક્કસ નથી. તંત્રવિદ્યાનો સરળ અર્થ છે અમુક ક્ષમતા. પણ, તંત્રવિદ્યા એટલે કશુંક નકારાત્મક એવો અર્થ બની ગયો છે કારણ કે, અમુક લોકોએ આ ક્ષમતાનો બેદરકારીપૂર્વક અને નકારાત્મક ઉપયોગ કર્યો છે. 

તંત્રવિદ્યા એટલે માત્ર ટેક્નોલૉજી. આજે તમે ભારતમાં તમારો સૅલફોન ઉઠાવીને અમેરીકામાં કોઈની સાથે વાત કરી શકો છો. તંત્રવિદ્યા બસ આવી જ છે - તમે અમેરીકામાં કોઈની સાથે વાત કરી શકો છો, સૅલફોન  વગર. આ થોડી અદ્યતન ટેક્નોલૉજી છે. થોડા સમય પછી આવું આધુનિક ટેકનૉલોજી સાથે પણ થશે જેમ જેમ એ વિકસિત થતી જશે. મારી પાસે અત્યારે એક બ્લ્યૂટૂથ ઉપકરણ છે જેમાં હું કોઈ વ્યક્તિનું નામ બોલું અને એ મારા માટે તેને ફોન લગાવી દે છે. એક દિવસ આવશે જ્યારે આની પણ જરૂર નહીં રહે. બસ એક વિચાર જ એ કરી આપશે.

કઇ વસ્તુ શું છે એની સમજણમાં નાના નાના અમુક બદલાવ આવે તો આધુનિક વિજ્ઞાન અને તંત્રવિદ્યા ક્યાંક નિશ્ચિત રૂપે મળશે જ.

તંત્રવિદ્યા એટલે જ્યારે તમે બ્લ્યૂટૂથ વિના પણ વાત કરી શકો. આ બસ એક અલગ સ્તરની ટેક્નોલૉજી છે, પણ એ ભૌતિક છે. તમે આમ કરવા માટે તમારાં શરીર, મન અને ઊર્જા વાપરી રહ્યાં છો. પછી ગમે તે ટેકનૉલોજી હોય, તમે તમારાં શરીર, મન અને ઊર્જા જ વાપરી રહ્યાં છો. સામાન્ય રીતે તમે પોતાના ઉપયોગ માટે બીજી વસ્તુઓ વાપરો છો, પણ એક સૅલફોન કે બીજી કોઈ પણ ટેક્નોલૉજી બનાવવા માટે મૂળભૂત સામગ્રી જે તમે વાપરો છો એ ફક્ત તમારા શરીર, મન અને ઊર્જા જ છે.

અગાઉ તમારે એક ફોન બનાવવા માટે ઘણી બધી સામગ્રીઓ વાપરવી પડતી પણ, હવે આપણે સતત એને ઓછું કરવાનાં પ્રયત્નો કરી રહ્યાં છીએ. એક દિવસ આવશે જ્યારે આપણને કોઈ સામગ્રીની જરૂર નહીં પડે – એ હશે તંત્રવિદ્યા. જો કઇ વસ્તુ શું છે એની સમજણમાં અમુક નાના નાના અને અમુક બદલાવ આવે તો આધુનિક વિજ્ઞાન અને તંત્રવિદ્યા ક્યાંક નિશ્ચિત રૂપે મળશે જ. 

ભૌતિક વસ્તુઓનો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે, જો તમે માહિતી-ટેક્નોલૉજી એટલે કે ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ની વાત કરો, જે એક પથ્થરની ગોળી જેટલા મોટા કદથી શરૂ થયેલું એ આજે એક સૂક્ષ્મ ચિપ સુધી આવી ગયું છે. જેન સંગ્રહવા માટે આખા પહાડને કોતરવો પડતો હતો એ હવે એક નાની ચિપમાં સમાઈ જાય છે. ભૌતિક એ સૂક્ષ્મ બની ગયું છે. જ્યારે તમે ભૌતિકતાના સૌથી સૂક્ષ્મ પરિમાણોનો ઉપયોગ કરો ત્યારે આપણે એને તંત્રવિદ્યા કહીએ છીએ. 

તંત્રવિદ્યા અને આધ્યાત્મિકતા વચ્ચેનો ભેદ

sadhguru-wisdom-article-what-is-occult-adiyogi-alayam-consecration

વિશ્વના ઘણા ભાગોમાં, તંત્રવિદ્યાને એક આધ્યાત્મિક પ્રક્રિયા ગણવામાં આવે છે, જે સારું નથી. જ્યારે આપણે આધ્યાત્મ કહીએ છીએ ત્યારે આપણે ભૌતિકતાથી પરે જવાની વાત કરીએ છીએ, જે ભૌતિક નથી એવો અનુભવ તમારી અંદર લાવવાની. તંત્રવિદ્યા એટલે ભૌતિકતાની સૂક્ષ્મતમ ઘટનાઓનો ઉપયોગ કરવો, પણ હજુ એ છે તો ભૌતિક જ.

શિવ એક તાંત્રિક છે.

જેમ જેમ આધુનિક ટેક્નોલૉજી સૂક્ષ્મ બનતી જશે તેમ તેમ તંત્રવિદ્યાની જરૂરિયાત ઓછી થતી જશે. હજાર વર્ષ પહેલા, જો હું કોયમ્બતુરમાં હોત અને તમે દિલ્હીમાં, અને મારે તમને કોઈ સૂચના આપવી હોત, એના માટે તમારું કોયમ્બતુર ચાલતા આવવું કે મારું દિલ્હી સુધી ચાલતા જવું એ અવ્યવહારુ બાબત થઈ જાત. એટલે મેં મારા તંત્રવિદ્યામાં કુશળ થવા માટે સમય ફાળવ્યો જેથી હું આ સૂચના તમારા સુધી પહોચાડી શકું. પણ હવે જ્યારે મારી પાસે એક સૅલફોન  છે, મારે તેમ કરવાની જરૂર નથી. હું હજુ પણ એ કરી શકું છું પણ એના માટે તમને પૂરતા પ્રમાણમાં ગ્રાહનાશીલ બનવા માટે તૈયાર કરવા - એને ગ્રહણ કરવા અને શંકા ના કરવા પૂરતા સ્પષ્ટ હોવા - એ બિનજરૂરી લાંબો સમય લઇ લેશે, તેના કરતાં હું તમને સીધો ફોન જ કરી લઇશ. તંત્રવિદ્યા એ દિવસે દિવસે વધુ અસંગત બની રહ્યું છે કારણ કે, આધુનિક ટેક્નોલૉજી તેજ ગતિએ પ્રગતિ કરી રહી છે.. 

લોકોએ કેટલાક ખરાબ તાંત્રિકોના નામ સાંભળ્યા છે જેમણે કોઈનું જીવન બરબાદ કરવા કે કોઈને બીમારી કે મૃત્યુ તરફ ધકેલવાના પ્રયત્નો કર્યા છે, તેથી તેઓ વિચારે છે કે તંત્રવિદ્યા એ નકારાત્મક વસ્તુ છે. સામાજિક રીતે, તમે કદાચ ફક્ત એ પ્રકારના લોકોથી જ વાકેફ થયા હશો પણ તંત્રવિદ્યા એ સર્વોચ્ચ કક્ષાની પણ છે. શિવ એક તાંત્રિક છે. દરેક વખતે તંત્રવિદ્યા નકારાત્મક હોય તે જરૂરી નથી. તંત્રવિદ્યા એક સકારાત્મક શક્તિ પણ બની શકે છે. તે કોણ વાપરી રહ્યું છે અને કયા કારણોસર વાપરી રહ્યું છે એ તેની ઉપર આધાર રાખે છે.

તંત્રવિદ્યા એ ફક્ત એક ટેક્નોલૉજી છે જે દુર્ભાગ્યપણે નકારાત્મક રીતે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. કોઈ પણ વિજ્ઞાન કે ટેક્નોલૉજી એ ખરાબ વસ્તુ નથી. પણ ધારો કે, આપણે ટેક્નોલૉજીનો ઉપયોગ કોઈને મારવા કે યાતના આપવા કરવા માંડીએ તો થોડા સમય પછી એવું લાગવા માડશે કે ટેક્નોલૉજી એ ખરાબ વસ્તુ છે. તંત્રવિદ્યા સાથે આવું જ થયું છે કારણ કે, ઘણા બધા લોકોએ કોઈ વ્યક્તિગત કારણોસર તેનો દુરુપયોગ કર્યો છે. એટલે આધ્યાત્મિક માર્ગથી તંત્રવિદ્યાને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવી છે. 

તંત્રવિદ્યા અને રહસ્યવાદ

રહસ્યવાદ અને તંત્રવિદ્યા પણ ઘણી વાર એક જ છે તેવી ગેરસમજ થાય છે. લોકો વિચારે છે કે રહસ્યવાદ એટલે કોઈ જાદુઇ ખેલ ભજવાઇ રહ્યો છે. જો તમે આ ગ્રહ ઉપરના રહસ્યવાદીને લો, આદિયોગી, તેમણે પોતે ક્યારેય કોઈ જાદુઇ પ્રદર્શન નથી કર્યું સિવાય કે જ્યારે તેમણે તેમના પ્રિય લોકો સુધી પહોચવું હોતું કે એમની સાથે વાતચીત કરવી હોતી ત્યારે જ. એ આ ગ્રહ પર બીજા લોકોની જેમ જ ચાલ્યા હતા.

તમે એવું કહી શકો કે તંત્ર એ રહસ્યવાદનો નિરંકુશ થઈ ગયેલો નાનો ભાઈ છે.

તંત્રવિદ્યા એ રહસ્યવાદનો નાનો ભાઈ છે, જે ઝડપથી વસ્તુઓ કરી નાખે છે. આ એવું છે કે તમે યુનિવર્સિટીમાં પુસ્તકોમાં મચ્યા હો, પણ તમારો નાનો ભાઈ ભરપૂર પૈસાવાળો છે અને ૧૮ વર્ષની ઉંમરથી જ એનું જીવન જીવે છે કારણ કે, તે એક સ્થાનિક ગેંગમાં જોડાઈ ગયો છે. પણ તે એવા રસ્તાઓ પર જઈ રહ્યો છે જ્યાં તમે નથી જવા માંગતા, અને છેવટે કદાચ એવી જગ્યાએ પહોંચી જાય જ્યાં તો તમે બિલકુલ પહોંચવા નથી માંગતા – ક્યાં તો જેલમાં કે પછી સ્મશાનમાં. તમે એવું કહી શકો કે તંત્ર એ રહસ્યવાદનો નિરંકુશ થઈ ગયેલો નાનો ભાઈ છે. જો તમે રહસ્યવાદના માર્ગથી નીચેની તરફ જુઓ, તંત્રવિદ્યા ત્યાં જ છે પણ તમે એની પાછળ નથી જતાં કારણ કે, તમારે બીજી દિશામાં જવાનું છે.

વિજ્ઞાન અને ટેક્નોલૉજી 

જો તમારે કોઈ સાદ્રશ્યનો પ્રયોગ કરવો હોય તો તંત્રવિદ્યા એ ટેક્નોલૉજી જેવું છે, રહસ્યવાદ એ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનનો સાર એ જાણવાનો છે કે આ અસ્તિત્વની પ્રકૃતિ શું છે. પણ મોટા ભાગના લોકોની સમજણમાં વિજ્ઞાન એ જ ટેક્નોલૉજી છે. એવું જરૂરી નથી કે ટેક્નોલૉજી એ સુખાકારી જ હોય. ટેક્નોલૉજી તમને કદાચ સીધા નાળામાં ધકેલી રહી હોય પણ તમને કદાચ એની જાણ પણ ન થાય કારણ કે, તમે એક હાઈ-ટૅક  સ્ટાઇલમાં જઇ રહ્યાં હો. તેથી તમે કદાચ એવું પણ વિચારો કે તમે સરસ કરી રહ્યાં છો. વિજ્ઞાન એટલે તમે જે જેવું છે તેવું જ જાણવા માંગો છો, તમે જીવનને જેવું છે તેવું સમજવા અને ઉકેલવા માંગો છો. ટેક્નોલૉજી એ મોટાભાગે અસ્તિત્વનો દુરુપયોગ માત્ર છે. 

રહસ્યવાદ એ જાણવાનો માર્ગ છે કે "હું અને બ્રહ્માંડ એવી કોઈ વસ્તુઓ નથી, ક્યાં તો હું છું ક્યાં તો ફક્ત બ્રહ્માંડનો પડઘો."

હું ટેક્નોલૉજીની વિરુદ્ધ નથી. ટેક્નોલૉજી એ એક સુંદર વસ્તુ છે જેણે આપણને ભૌતિક રીતે ઘણા સ્વતંત્ર કરી દીધા છે, પણ અત્યારે ટેક્નોલૉજી વિષે આપણો વિચાર એવો છે કે ગમે તે હોય બધી જ વસ્તુઓને ઉપયોગમાં લેવી - સમગ્ર અસ્તિત્વ - આપણી સુખાકારી માટે. આપણે જાણીએ છીએ કે એક સૂક્ષ્મ જીવને કેવી રીતે ઉપયોગમાં લેવો, આપણે જાણીએ છીએ કે આ ગ્રહનું શોષણ કેમ કરવું - આપણે બધી જ વસ્તુઓનો ઉપયોગ કરતાં શીખી ગયા છીએ - પણ આપણે સુખી કઈ રીતે રહેવું એ નથી જાણતા. 

રહસ્યવાદ એ વિજ્ઞાન જેવુ છે. રહસ્યવાદ એ મૂળભૂત રીતે અસ્તિત્વને જાણવાનો માર્ગ છે, તમારી પોતાની પ્રકૃતિ, જેને તમે પોતાની જાત કહો છો અને જેને તમે બ્રહ્માંડ કહો છો તેમની વચ્ચેનો સંબંધ જાણવાનો માર્ગ. રહસ્યવાદ એ જાણવાનો માર્ગ છે કે "હું અને બ્રહ્માંડ એવી કોઈ વસ્તુઓ નથી, ક્યાં તો હું છું ક્યાં તો ફક્ત બ્રહ્માંડનો પડઘો." આને જાણવું, એક જ્ઞાન, અનુમાન કે ફિલસૂફી રૂપે નહીં, પણ જીવંત વાસ્તવિક્તા રૂપે- આ છે રહસ્યવાદ. 

લઈ જવા પાત્ર શું છે?

રહસ્યવાદ થકી તમે શું કરી શકો? શું તમે જીવન નિર્વાહ કરી શકો છો? કદાચ નહીં. તો પછી આ બધા લવારાનો શું અર્થ છે? હું નિખાલસતાથી તમને કહું તો આનો કોઈ અર્થ નથી. એ ફક્ત એમ છે કે જીવનનો કોઈ અર્થ નથી તે જ તમારે સમજવાની જરૂર છે. જીવનનો અર્થ જીવન પોતે જ છે. અહીં જીવનને જાણવા સિવાય વધારે કશું જ નથી. કેટલું ઊંડાણપૂર્વક અને કેટલી ગહનતાથી તમે તેને જાણી શક્યા છો બસ તેટલું જ. લઈ જવા પાત્ર કંઇ નથી. 

જીવનની ઝંખના બધુ જ સ્પર્શવાની છે - એ જે દેખાય છે અને જે દેખાતું નથી. રહસ્યવાદ એ ફક્ત આ ઝંખનાને પરિપૂર્ણ કરવી તે છે.

દુર્ભાગ્યપણે, આખું આધુનિક વિશ્વ આની પાછળ ફરી રહ્યું છે કે, "લઈ જવા પાત્ર શું છે?" હું તમને સમજાવવા માંગુ છું, જ્યારે તમે મૃત્યુ પામો, ત્યારે લઈ જવા પાત્ર કોઈ વસ્તુ નથી હોતી. મૃત્યુ એ સ્પષ્ટ નિવેદન છે કે આ જીવનમાં કંઇ જ લઈ જવા પાત્ર નથી. રહસ્યવાદ એટલે તમે એ સમજી ચૂક્યા છો કે આમાં કઈં લેવા પાત્ર નથી એટલે તમે નક્કી કરી લીધું કે હવે અત્યારે જ આમાંથી શ્રેષ્ઠ બનાવવાનું છે. એમાંથી શ્રેષ્ઠ બનાવવાનું એટલે જેટલું ખાઈ શકો એટલું ખાઈ લેવાનું કે જેટલું પી શકો એટલું પી લેવાનું એમ નહીં. એ જીવનના કાર્યો નથી જે જીવનને સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવે છે, જીવનને સમૃદ્ધ અને પરિપૂર્ણ તો અનુભવોનું ઊંડાણ બનાવે છે. કેટલું જીવંત, જીવન તરીકે તમે કેટલા શક્ય બન્યા, એ જ બધું છે. 

જ્યારે એક માણસ એવા સ્તર ઉપર આવે જ્યાં એને કશું જ લઈ લેવું જરૂરી નથી લાગતું, ફક્ત ત્યારે જ રહસ્યવાદ એક શક્યતા બને છે. એ એવા લોકો માટે નથી જે વિચારતા હોય છે કે તેઓ આમાંથી શું પામી શકે છે કે કેવી રીતે તેઓ આનો બીજા લોકો આગળ દેખાડો કરી શકે છે. આ એવી વ્યક્તિ માટે છે જેણે જીવનનું એ પરિમાણ પામી લીધું છે જ્યાં કોઈ શરીર નથી, કોઈ મન નથી અને કોઈ બાહ્ય પ્રભાવ નથી - શુદ્ધ જીવન! જીવનની ઝંખના બધુ જ સ્પર્શવાની છે - એ જે દેખાય છે અને જે દેખાતું નથી. રહસ્યવાદ એ ફક્ત આ ઝંખનાને પરિપૂર્ણ કરવી તે છે.