More Mahabharat Stories

સદ્‍ગુરુ: યુધિષ્ઠિરને રાજા બનાવી દેવાયો, પરંતુ તેને સારા બનવાનો જે ઉમળકો હતો, તેને કારણે તેણે પોતાની સત્તા સોંપી દીધી અને ફરી એક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું જેનાથી ગૂંચવડો તેમજ ઘર્ષણ વધી ગયા. તમિલ ભાષામાં એક કહેવત છે, "નલ્લવન વેનુમા, વલ્લવન  વેનુમા?" તેનો મતલબ છે, "તમારે રાજા તરીકે સારો માણસ જોઈએ છે કે કાબેલ માણસ?" શક્ય છે કે તમે પાડોશી તરીકે સારો માણસ ઇચ્છો, પરંતુ એક દેશ ચલાવવા તો તમે કાબેલ અને સક્ષમ માણસ પર જ પસંદગી ઉતારશો.

એવું ન હતું કે યુધિષ્ઠિર દેશ ચલાવવા માટે સક્ષમ ન હતો કે તેની પાસે જરૂરી બુદ્ધિમતાનો અભાવ હતો, પરંતુ તેણે વધુ પડતા શાસ્ત્રો વાંચી લીધા અને તેમાં લખેલી બધી સારી સારી વાતો મનમાં ઠાંસી દીધી, જેનાથી તેની બુદ્ધિમતા રૂંધાઇ ગઈ. લોકોનાં  હિત માટે જે કરવા યોગ્ય હતું તેને બદલે, તે પોતાના અંતરાત્માને જે રુચે તે કરવા લાગ્યો. એ જ કારણથી વારંવાર તે આફતને જાણે નિમંત્રણ આપતો રહ્યો.

આસપાસના લોકો તેનાં પદને સ્થિર કરવા માટે ગમે તેટલી મહેનત કરે, તે વારંવાર આફત ઊભી કરી જ દેતો - બદઇરાદાથી નહીં પરંતુ સારા બનવાની તેની ઘેલછાને કારણે. હંમેશા સારા બનવાની કોશિશ કરવા જતાં, ઘણી વખત તેની આસપાસના લોકોની જિંદગી જોખમમાં આવી પડતી, અને અમુક લોકોએ જીવ ગુમાવ્યા પણ ખરા.

યુધિષ્ઠિર

સારો માણસ

સારો માણસ

હા, સારો માણસ.

 

એટલો નીરસ જેટલું નીરસ

હંમેશા સારું જ હોય તે લાગે.

 

પણ જીવન જ્યારે મુશ્કેલ થવા લાગે

તમને જરૂર તો સારા માણસની જ પડે. 

Love & Grace

દુર્યોધનની ઝેરીલી યોજનાઓ

દુર્યોધને આ તકનો લાભ લઈને પાંડવોથી છુટકારો મેળવવા યોજનાઓ ઘડવા માંડી. જ્યારે તેને ખબર પડી કે જે પાંડવોને તેણે મૃત ધારી લીધા હતા તે તો જીવિત પાછા ફર્યા, ત્યારથી તેના મનમાં એક જ વિચાર ફરતો હતો, પાંચ પાંડવ ભાઈઓને બરબાદ કરી દેવા.

તેણે ધૃતરાષ્ટ્રને મળવાનાં સમયે કર્ણ પણ હાજર રહે તેવો આગ્રહ  રાખ્યો. અતિશય ગુસ્સામાં તે બોલ્યો, "મારો જન્મ રાજા બનવા માટે થયો છે, હું કોઈ કહે તે પ્રમાણે કામ નહીં કરું. તમે જો મને પાંડવોનો વિનાશ નહિ કરવા દો તો હું આપઘાત કરી લઈશ."  

તેણે બોલવાનું ચાલુ રાખ્યું, “માત્ર દ્રુપદ સાથેની મિત્રતાને કારણે તેઓને લાગે છે કે તેઓ વધુ શક્તિશાળી છે. આપણે દ્રુપદને ખરીદી લેવાનો પ્રયાસ કરવો જોઈએ. ભલે, જે કિંમત ચૂકવવી પડે તે. એક વખત દ્રુપદ આપણી તરફ આવી જાય, પછી તેઓનો બચાવ કરવાવાળું કોઈ નહીં રહે, અને પછી આપણે ખુલ્લેઆમ તે પાંચેયની હત્યા કરી શકીએ.” 

કર્ણએ ધ્યાન દોર્યું કે કૃષ્ણ પાંડવોના પક્ષે છે અને યાદવો, જે કૃષ્ણની સેના છે, તેઓ યુદ્ધનાં મેદાનમાં લગભગ અજેય છે. કર્ણએ દુર્યોધનને યાદ કરાવ્યું કે, સ્વયંવરમાં કૃષ્ણ પોતે, સાત્યકિ, ઉદ્ધવ, અને યાદવકુળનાં સાધારણ યોદ્ધાઓ પણ સરળતાથી માછલીની આંખ વીંધી શક્યા હોત. એ તો કૃષ્ણએ તેમને સ્પર્ધામાં ભાગ લેતા રોક્યા હતા. તે ઉપરાંત, દૃપદની દીકરી હવે પાંચ પાંડવોની પત્ની હતી, એ હિસાબે પણ, એ શક્યતા તો ઓછી જ હતી કે દ્રુપદ તેમના દુશ્મનો પાસેથી લાંચ લે.

દુર્યોધને આ યોજના પડતી મૂકી, પરંતુ તેની પાસે બીજી ઘણી યોજનાઓ તૈયાર જ હતી, "તેઓ અહીં મહેલમાં રહે છે - આપણે આસાનીથી ખોરાકમાં ઝેર ભેળવી દઈ શકીએ." ધૃતરાષ્ટ્ર અને કર્ણએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. દુર્યોધન સમજી ગયો કે તેઓ આ યોજનામાં સંમત નથી તેથી તેણે બીજી યોજના કહી સંભળાવી. 

"આપણે ખૂબ સુંદર સ્ત્રીઓને પાંડવોને લોભાવવાનું કામ સોંપીએ, અને દ્રૌપદીને તેમની વિરુદ્ધમાં કરી દઈએ. તેમનું ઘર ભાંગવા જેટલું સારું કાર્ય બીજું ન હોઈ શકે. જો આપણે આ લગ્ન તોડી શકીએ, તો તેમનો અંત નક્કી જ છે." તેઓને આ યોજનામાં પણ રસ ન પડ્યો.

પછી તેણે કહ્યું, "જો આપણે માદ્રીના દીકરાઓ, નકુલ અને સહદેવને આપણી તરફ કરવામાં સફળ રહીએ, તો મને ખાત્રી છે કે બીજા ત્રણ ભાઈઓને હરાવવા આસાન થઈ જશે." ધૃતરાષ્ટ્ર અને કર્ણ આ વાતમાં પણ સંમત ન થયા.

પછી તેણે કહ્યું, "સ્ત્રીઓ કૃષ્ણની નબળાઈ છે - આપણે તેને ભ્રષ્ટ કરીએ. અને હું જાણું છું કે મારા ભાનુમતી સાથેના લગ્ન પહેલા, તેને ભાનુમતી માટે કુણી લાગણી હતી. આપણે તે દિશામાં પ્રયત્ન કરી શકીએ." તે એ હદે પહોંચી ગયો કે પોતાની પત્નીનો પ્રલોભન તરીકે ઉપયોગ કરવા તૈયાર થઈ ગયો.

પછી ધૃતરાષ્ટ્ર બોલ્યો, "દીકરા મારા, તારું હૃદય ઝેરીલું થઈ ગયું છે. આવું કશું કારગત નહીં નીવડે. આપણે કોઈ બીજા ઉપાય વિચારીએ. આપણે તેઓને મારી નાખીએ તો હસ્તિનાપુરનાં લોકો બળવો કરી શકે છે. એમ થવું આપણા માટે સારું નહીં હોય." એ પાંડવોને મારી નાખવાની વિરુદ્ધમાં ના હતા - તે તો માત્ર તેની શક્યતાઓ વિશે અવઢવમાં હતા. તેણે ઉમેર્યું, "અને યાદ રાખ, દ્રુપદ અને પાંચાલોએ અગાઉ કુરુ સૈન્યને હરાવ્યું છે. અને જો તેઓ અને યાદવો ભેગા મળી જાય તો આપણી જીતવાની તો કોઈ શક્યતા નથી. આ બરાબર રસ્તો નથી."  પણ દુર્યોધન આસાનીથી જતું કરે તેવો હતો નહીં. તે એટલો તો મક્કમ હતો કે કોઈ રસ્તો શોધી કાઢીને પાંડવોનો નિકાલ કરી નાખવો.

કુરુ રાજસભા દુર્યોધનને સમજાવે છે

પછી તે કુરુ સામ્રાજ્યનાં ઉપરીઓને મળ્યો - ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને વિદુર. ભીષ્મએ કહ્યું, "તારા પિતરાઈઓને મારી નાખવાનો વિચાર તારા મગજમાં આવવો જ ન  જોઈએ. પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કર્યા પછી, તેં તારા પોતાના માટે તો ખરી જ, તારા પિતા માટે, રાજા માટે અને સમગ્ર કુરુ સામ્રાજ્ય માટે પણ બદનામી વહોરી લીધી છે. જ્યારે આત્મા શરીર છોડી જાય ત્યારે તેનું મૃત્યુ નથી થતું. વ્યક્તિ ત્યારે મૃત્યુ પામે છે જયારે તેની પ્રતિષ્ઠા નાશ પામે છે. 

પણ તારી પાસે હજુ તારી પ્રતિષ્ઠા ફરીથી મેળવવાનો મોકો છે. યુધિષ્ઠિરને રાજા બની રહવા દે. તે ન્યાય પ્રિય માણસ છે; તે તારી સાથે કદી ઘર્ષણમાં નહીં ઉતરે. હમણાં જ તે જોયું કે તેણે શું કર્યું - મેં તેને રાજા બનાવ્યો અને તેણે તને સત્તામાં બરાબરનો ભાગીદાર બનાવ્યો. એ તને ભાઈ તરીકે માન આપશે. તું પણ એક ભાઈ તરીકે જીવતા શીખ. આ તારા જીવનનો મહત્વનો વળાંક છે. આ જ સમય છે કે તારે યોગ્ય નિર્ણય કરી લેવો જોઈએ."

પણ માત્ર એ સમયે જ નહીં, જ્યારે જ્યારે દુર્યોધનને મહત્વનો નિર્ણય લેવાનો સમય આવ્યો, તેણે સ્વભાવગત રીતે ખોટો માર્ગ પસંદ કર્યો. ભલે તેના સલાહકારો, વડીલો અને  મિત્રોએ તેને તેમ ન  કરવા સાવધ કર્યો હોય, તે હંમેશા ખોટા રસ્તે જ ગયો.

ભીષ્મએ સલાહ આપ્યા પછી, દ્રોણાચાર્યે ઉમેર્યું, "પાંડવો એવા નથી જેમને સરળતાથી હરાવી શકાય, ભલે તું ષડયંત્ર કરીને કોશિશ કરે તો પણ નહીં. હું અર્જુન ને જાણું  છું - મેં તેને શિક્ષણ આપ્યું છે. તે મારા જેટલો જ સક્ષમ છે. આંખે પાટા બાંધીને લડશે તો પણ એ તને મોતને ઘાટ ઉતારી દેશે. તેની અંદર એવી શકિત અને કાબેલિયત બેઉ છે. આવા પ્રયત્નો તારે માટે, તારા ભાઈઓ માટે અને શક્ય છે કે આપણા સહુ માટે મૃત્યુ આમંત્રિત કરે."

કૃપાચાર્યે પણ આ જ ચિંતા વ્યક્ત કરી. વિદુર સમજી ગયા કે દુર્યોધનને સમજાવવાનો કોઈ અર્થ નથી. તેને બદલે તેમણે ધૃતરાષ્ટ્રની લાગણીઓને ટંટોળવાની કોશિશ કરી. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર સાથે મોટા થયા હતા. વિદુરે તે સમયની યાદોને ઉત્તેજિત કરવાની કોશિશ કરી. તેણે કહ્યું, "યાદ કરો આપણું બાળપણ કેટલું સુંદર હતું. આપણે કેટલા ખુશ હતા. અને તમે પાંડુને કેટલું ચાહતા હતા. તો તમે પાંડુનાં પુત્રો સાથે ખોટું કઈ રીતે કરી શકો? પાંડુ સ્વર્ગમાંથી જોશે તો તમને અને તમારા પુત્રોને હંમેશા માટે શાપ આપશે."

ધૃતરાષ્ટ્ર ધ્રુજી ગયો. વિદુરે ફરી તેની પાંડુ માટેની લાગણી ઢંઢોળવાની કોશિશ કરી, પણ તેણે ધૃતરાષ્ટ્રની મુખવટા નીચે પુત્ર પ્રેમને   છૂપાવી રાખવાની કાબેલિયતને ઓછી આંકી. ધૃતરાષ્ટ્રએ  કહ્યું, "ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુર - કોઈ રાજ્ય પાસે ક્યારેય આવા ઉત્તમ સલાહકારો હોય એવું જાણમાં નથી. તેઓ જે સૂચન કરે તે કુરુ સામ્રાજ્યના પરમ હિતમાં જ હોય. હે પુત્ર, તારે જે યોગ્ય હોય તે જ કરવું જોઈએ."

દુર્યોધન જીદ પકડી રાખે છે અને કૃષ્ણ ઉપાય બતાવે છે

રાજા તરીકે, ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સીધું કહી શક્યા હોત કે તેણે શું કરવાનું છે, પણ તેમણે તેમ ન કર્યું. તેમણે અચોક્કસતા બનાવી રાખી. દુર્યોધન ઊભો થઈને સભા ત્યાગ કરી ચાલ્યો ગયો. જ્યારે રાજા અને દરબારીઓ - સલાહકારો બેઠા હોય ત્યારે આ પ્રમાણે સભા છોડીને ચાલ્યા જવા જેટલું ઉદ્ધત થવાનું કોઈ વિચારી પણ ન શકે, પરંતુ દુર્યોધને તે જ કર્યું. ગમે તે થઈ જાય, તે ઈચ્છતો હતો કે પાંડવો મૃત્યુ પામે અથવા હંમેશ માટે ત્યાંથી જતા રહે. 

આવા સંજોગોમાં કૃષ્ણ મદદ કરે છે. ત્યાર પછી જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે, તેમાં કૃષ્ણ એક સક્રિય ભાગ ભજવે છે. તેમણે તેમને સાંત્વના આપતા કહ્યું, "જો તેઓ સહુ અહીં સાથે રહી શકે તેમ ન હોય તો, પાંડવોને અડધું રાજ્ય આપી દેવું વ્યાજબી રહેશે. દુર્યોધન ભલે હસ્તિનાપુર પર રાજ કરે, યુધિષ્ઠિર અને બીજા પાંડવ ભાઈઓને અડધો ભાગ સોંપીને તેમને પોતાનું સામ્રાજ્ય ઉભું કરવા દો."

ક્રમશ:...

More Mahabharat Stories