સફળતા કોઇ નિષ્કર્ષ નથી
@અહીં સદગુરુ જીવનમાં સફળતાનો મંત્ર જણાવે છે. સફળ થવા માટે જે જોઈએ, તે તમારી પાસે છે? સદગુરુ પ્રતિભા અને સફળ થવા માટેના પ્રયત્નો થકી તમે જે બનવા ઈચ્છો છો તે બનવા માટેનું પ્રમાણ આંકે છે. તેઓ કહે છે, “સફળતા કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા પછી નહીં, પણ તમે વાસ્તવમાં જે બાબતની પરવા કરતા હોવ, તે પાછળની આનંદપ્રદ અને અવિરત મથામણમાંથી હાંસલ થાય છે”
હું હમણાં જ રશિયામાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપમાંથી પરત ફર્યો. સેમિ-ફાઈનલ અને ફાઈનલ મેચનો માહોલ, ઉત્કટતા અને રોમાંચકતા ચરમસીમા પર હતાં. ટુર્નામેન્ટ દરમિયાન મેસી જેવા સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ ગયા અને મ્બાપ્પે જેવા નવા ચહેરાઓએ રંગ જમાવ્યો. માંધાતા ટીમોએ પછડાટ ખાધી અને અન્ય દેશો ઊભરી આવ્યા. મારું માનવું છે કે ભારત જેવા દેશમાં જ્યાં લાખો છોકરાઓ તાલીમ શરુ કરવા માટેની વયે પહોંચ્યા છે, ત્યારે આપણો દેશ ભવિષ્યમાં ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લે તે શક્ય છે.
ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય - પછી કોઈ મહાન ફૂટબોલર હોય, મહાન કલાકાર હોય, મહાન સંગીતકાર હોય કે કંઈ પણ હોય - હું કહીશ કે સફળતા પાછળ એંશી ટકા ખંત, પ્રયત્ન હોય છે અને વીસ ટકા પ્રતિભા હોય છે. ફક્ત ગણીગાંઠી વ્યક્તિઓ જ અસામાન્ય પ્રતિભા ધરાવતી હોય છે - તે સિવાય બાકીનાં લોકોએ કલાકોના કલાકો સુધી પ્રેક્ટિસ કરવી પડે છે. એક ફૂટબોલ ખેલાડી હજ્જારો કલાકની તાલીમમાંથી પસાર થયા પછી વિશ્વ સ્તરનો ખેલાડી બને છે. વર્લ્ડ કપમાં એક ગોલ કરવા માટે તેઓ વર્ષોથી રોજના ચારથી છ કલાક બોલને કિક મારતા હોય છે.
મહાન કલાકારો પર નજર કરીએ, તો સ્ટેજ ઉપર બે કલાક પરફોર્મ કરવા માટે તેમણે રોજના બારથી પંદર કલાક સુધી પ્રેક્ટિસ કરી હોય છે. કોઈ પણ ક્ષેત્ર માટે અસાધારણ પ્રતિભા હોવી જરુરી નથી. જો તમે પૂરી મુક્તતા સાથે પ્રયત્નો કરવાની ઈચ્છા ધરાવતા હોવ, તો તમે જે ઈચ્છો તે બની શકો છો. એક વખત, જ્યારે હું શાળામાં હતો, ત્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો તમે શું કરી શકો છો અને તમે શું નથી કરી શકતા. હું બિલકુલ કંટાળી ગયો, કારણ કે મારી પાસે કરવા માટે ઘણાં કામ હતાં, પણ તેઓ તો ફક્ત શું કરવું તેની જ ચર્ચા કરતા હતા. પછી મેં કહ્યું, “જો મને પૂરતા પૈસા અને સમય આપવામાં આવે, તો હું ચંદ્ર પર પહોંચવાની સીડી બનાવીશ.” તેમને મારો જવાબ તોછડો લાગ્યો. મેં કહ્યું, “આવું થઈ શક્યું નથી, પણ પૂરતા પૈસા અને સમય હોય, તો આ કામ થઈ શકે છે.” બધો આધાર તક મળે છે કે નહીં - તેના પર રહેલો હોય છે. અન્યથા, એવું કયું કામ છે, જે માણસ ન કરી શકે?
તમને તક મળે છે કે નહીં તે વિશ્વની વિવિધ વાસ્તવિકતાઓ પર નિર્ભર કરે છે. જો તક સામેથી તમારી પાસે આવે, તો શું તમે તેના માટે તૈયાર છો ખરા? સફળતા અને નિષ્ફળતા પાછળ આ જ તફાવત છે. જો તમે સફળ થવા માંગતા હોવ, તો તમારામાં મહેનત અને પ્રયાસ કરવા માટેનો જુસ્સો અને ઈચ્છાશક્તિ હોવાં જરુરી છે. જીવન પ્રત્યે જુસ્સાસભર અભિગમ ધરાવનારી કોઈ પણ વ્યક્તિ પાસે નવરાશનો સમય હોતો નથી. તેમની પાસે કરવા માટે હંમેશાં કંઈનું કંઈ હોય જ છે, પછી તે કામ જ હોય તે જરુરી નથી. તમને જે ગમતું હોય, જેની તમે પરવા કરતા હોવ, તે તમે કરતાં હોવ, તો તે કાર્ય કદી બોજારુપ નથી લાગતું. જો તે કરવામાં તમને આનંદ મળતો હોય, તો તમે ચોવીસે કલાક તેમાં જ રત રહેવા માગતા હોવ છો. જો તમે કશુંક જુદું કરવા માગતા હોવ - તો વાંચો, ગાઓ, નાચો, રમો, કશુંક સર્જન કરો કે કશુંક નવું ખોળો - તે સારું છે. પણ તમે શું ફક્ત આંટાફેરા મારો છો? તમારા દિમાગ અને શરીરને એવી કસરતની જરુર છે કે જેથી તે તેમની મહત્તમ ક્ષમતા સાથે કામ કરે.
જો તમારી પાસે કરવા માટે કંઈ ન હોય, તો તેનો અર્થ એ કે તમારા જીવનમાં નિષ્ક્રિયતા આવી ગઈ છે, બંધિયારપણું આવી ગયું છે. હું આશા રાખું છું કે આવું કદી તમારી સાથે ન બને. જો તમે નદીની માફક વહી રહ્યા છો, તો હંમેશાં કશુંક કરતાં રહેવાની જરુર છે. તમને તેની જાણ થાય, તે પહેલાં જીવન પૂરું થઈ જશે. જો તમારું આયુષ્ય સો વર્ષનું હોય અને તમે તમામ સમય તેની પાછળ જ પસાર કરતાં હોવ, તો પણ માનવીય બુદ્ધિમત્તા અને માનવીય ચૈતન્યની સંપૂર્ણ સંભવિતતાઓ ખોળી શકાય તેમ નથી. તો હવે આરામનો સમય પૂરો થયો અને જીવન જીવવાનો સમય પાકી ગયો છે. જ્યારે કાયમ માટે આંખો મીંચાશે, ત્યારે તમને આરામ મળવાનો જ છે. સફળતા કોઈ ચોક્કસ નિષ્કર્ષ કે પરિણામ પર પહોંચ્યા પછી નહીં, પણ તમે વાસ્તવમાં જે બાબતની પરવા કરતા હોવ, તે પાછળની આનંદપ્રદ અને અવિરત મથામણમાંથી હાંસલ થાય છે.