મહાભારત એપિસોડ ૨૩: જ્યારે એક અઘોરીએ ભીમને લગભગ મારી નાખ્યો

મહાભારતના આ અંકમાં આપણે જોઈશું કે, જ્યારે પાંડવો માટે બધું સારું ચાલી રહ્યું હોય તેમ લાગતું હતું, જ્યારે તેઓ સિંહાસન મેળવવાની તૈયારીમાં હતા અને જ્યારે નિર્ણાયક પળ આવે છે, ત્યારે યુધિષ્ઠિરની ધર્મ માટેની પ્રતિબદ્ધતા એક અણધારેલી ગૂંચવણ ઊભી કરે છે. તે દરમિયાન...
મહાભારત એપિસોડ ૨૩: જ્યારે એક અઘોરીએ ભીમને લગભગ મારી નાખ્યો
 

Mahabharat All Episodes

સદ્‍ગુરુ: પાંડવો તેમના અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા પછી અર્જુને દ્રૌપદીના સ્વયંવરની સ્પર્ધા જીતી લીધી અને પાંચ ભાઈઓ રાજકુમારીને પરણી ગયા. અપમાનિત અને સ્તબ્ધ થયેલા કૌરવો ગુસ્સે ભરાયા. તેઓ સમજી ન શક્યા કે પાંડવો, જેમને તેઓએ મૃત માની લીધા હતા, તેઓ એક વર્ષ પછી પાછા જીવિત થઈ ગયા છે. આખરે તો તેમને પાંડવોના રાખ થઈ ગયેલા મૃતદેહો મળી ગયા હતા - અને અચાનક, તેઓ જીવિત પાછા ફર્યા.

ત્યાર પછી, કૌરવો અને પાંડવો વચ્ચેનું વૈમનસ્ય પહેલાં ક્યારેય ન હતું તેટલી હદે વધી ગયું, હવે મહેલની અંદર..

દ્રૌપદી સાથેનાં લગ્ન દ્વારા દ્રુપદ સાથે જે જોડાણ થયું તેણે પાંડવોને પહેલા ક્યારેય ન હતા તેટલા મજબૂત કરી દીધા. કૌરવો માટે સૌથી વધુ અપમાનજનક એ હતું કે અર્જુન સ્પર્ધા જીતી ગયો હતો, અને કૌરવોમાંથી કોઈ પણ તે માટે સક્ષમ ન હતું, વળી કર્ણને નીચા કુળનો માની લઈને સ્પર્ધામાં ભાગ લેવા નહોતો દેવાયો.

યુધિષ્ઠિર પત્ની અને પંડિત સાથે આવ્યા અને રાજગાદી પર પોતાનો દાવો કર્યો. ધૃતરાષ્ટ્ર પાસે તેની યુવરાજ, ભવિષ્યનાં રાજા તરીકે નીમણુંક કરવા સિવાય વિકલ્પ ન હતો. ત્યારથી, કૌરવો અને પાંડવો વચ્ચે પહેલા ક્યારેય નહોતી તેવી દુશ્મનાવટ પ્રજ્વલિત થઈ ઊઠી, હવે મહેલની અંદર. તેઓ એકબીજાને શારીરિક ઇજા નહોતા કરી રહ્યા, પણ બીજી રીતે હાનિ પહોંચાડવાના રસ્તાઓ શોધતા રહેતા.

સત્તા માટેની આ ખેંચતાણના કારણે રાજ્યના વહીવટને અસર પહોંચવા લાગી અને દેશનું નુકસાન થવા લાગ્યું. ભીષ્મના ધ્યાનમાં આવી ગયું કે તેમણે રાજ્યના પ્રભારી તરીકે હવે નિયમ લાગુ કરીને આનો અંત લાવવો જરૂરી છે. તેમણે કહ્યું, “યુધિષ્ઠિરને રાજા બનાવી દઈએ. તેને હવે યુવરાજ પદે રાખી મૂકવાનો કોઈ અર્થ નથી. હવે તેને મહારાજ બનાવી દઈએ. તેનાથી એક નહીં તો બીજી રીતે વિવાદ પણ ઠરી જશે અને દુર્યોધન તથા બીજાઓને મહત્વના પદ આપી દઈએ.”

દુર્યોધનનો પ્રતિકાર

જ્યારે આની જાહેરાત કરવામાં આવી ત્યારે દુર્યોધન ભયંકર ક્રોધે ભરાયો. તે તેના પિતા પાસે જઈને બોલ્યો, “તમે મને ભવિષ્યનાં રાજા તરીકે ઉછેર્યો છે. પરંતુ હવે તમે મને ગુલામ બનાવવા માંગો છો અને ઈચ્છો છો કે હું આ જંગલમાંથી આવેલા લોકો પાસેથી હુકમ લઉં અને સૌથી ખરાબ તો એ છે કે તમે ઈચ્છો છો કે હું ભીમ પાસેથી સૂચનો લઉં. તે દરરોજ મને ટોણા મારીને અપમાનિત કરશે. હું આત્મહત્યા કરી લઈશ.”

પરંપરાગત કાયદા પ્રમાણે આ પેઢીમાં જે સૌથી મોટો પુત્ર હોય તે રાજા બને. તેથી ભીષ્મએ યુધિષ્ઠિરને રાજા જાહેર કર્યો.

દુર્યોધને આત્મહત્યા કરવાની ધમકી આપી, પરંતુ ભીષ્મએ ભારપૂર્વક કહ્યું, “યુધિષ્ઠિર રાજા બનશે. રાજ્યના હિત માટે આ સ્થાપિત થવું જરૂરી છે.” ધૃતરાષ્ટ્રને આ ગમ્યું નહીં પરંતુ તેની પાસે કોઈ વિકલ્પ હતો નહીં કારણ કે તે બસ નામ પૂરતો જ રાજા હતો. તે દૃષ્ટિહીન હોવાથી તેને કામકાજ માટે બીજા પર આધાર રાખવો પડતો હતો.

ભીષ્મ વડીલ હતા, રાજ્યનો કારભાર ચલાવતા હતા, તેઓ એક કાબેલ પુરુષ અને મહાન યોદ્ધા હતા જેમને સૌ કોઈ આદર આપતા હતા. સત્તા અને નિર્ણય લેવાની શક્તિ ખરેખર તેમની પાસે જ હતી અને તેમણે સ્વીકારી લીધું કે યુધિષ્ઠિર રાજા બને. 

પણ દુર્યોધને તેના પિતાને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું, “જો યુધિષ્ઠિર રાજા બને તો હું આત્મહત્યા કરી લઈશ.” તેના ભાઈઓએ કહ્યું, “અમે ગાંધાર પાછા જતાં રહીશું, પર્વતોમાં.” ગાંધાર તેમનું મોસાળ હતું. ધૃતરાષ્ટ્રને સમજાતું ન હતું કે શું કરવું. તે ઈચ્છતો હતો કે તેના પુત્રો જ રાજ્ય ચલાવે, પણ તેને એ સમજાતું ન હતું કે તેવું કઈ રીતે કરવું. પરંપરાગત કાયદા પ્રમાણે આ પેઢીનો સૌથી મોટો પુત્ર, જે યુધિષ્ઠિર હતો, તે જ રાજા બને. તેથી ભીષ્મએ તેને રાજા જાહેર કરી દીધો.

યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠા

રાજ્યાભિષેકનો દિવસ નજીક આવ્યો. તે દરમિયાન યુધિષ્ઠિરે સંતો સાથે ઘણો બધો સમય પસાર કર્યો અને ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને ઘણું બધુ જ્ઞાન એકઠું કર્યું જેથી તેની સમગ્ર વિચારધારા ધર્મ અને કર્મ, સાચા અને ખોટાંના વિચારો દ્વારા ચાલતી હતી. તે સત્યવાદી, પ્રામાણિક અને ન્યાયી બનવા માંગતો હતો.

ભીષ્મએ જ્યારે રાજ્યસભામાં યુધિષ્ઠિરને રાજા ઘોષિત કર્યો, બધાએ તેને વધાવી લીધો, યુધિષ્ઠિરે ઊભા થઈને કહ્યું, “હા, મારે જે કરવું પડે તે કરવાની જવાબદારી હું સ્વીકારું છું. પરંતુ જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર જીવિત છે, તેમને જ રાજા રહેવા દેવામાં આવે. હું તેમના આદેશથી કામ કરીશ અને દુર્યોધનની પણ સત્તામાં બરાબરની ભાગીદારી રહેવા દો. આખરે, તે મારો ભાઈ છે.”

અને હવે જ્યારે ભીષ્મે શાંતનુ પછી કુરુ રાજવંશનો પહેલો એવો રાજા સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો જે ખરેખર રાષ્ટ્રને ચલાવવા માટે સમર્થ હતો ત્યારે ફરી એક વાર પરિસ્થિતી અકારણ ગૂંચવાઈ ગઈ.

દુર્યોધન અને તેના ભાઈઓની આંખો પહોળી થઈ ગઈ. તેમણે કહ્યું, “શું આપણે જે સાંભળ્યું તે સત્ય છે?” તેઓ માની ન શક્યા કે તેમણે આ બધા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું અને છેવટે યુધિષ્ઠિરે રાજગાદીમાં સરખી ભાગીદારી આપી, એવું વિચારીને કે તે ધર્મ અને ન્યાય છે. 

ભીષ્મ અસહાય થઈને બોલ્યા, “મેં આટલા લાંબા સમયથી આ દેશની સેવા કરી છે.” ત્રણ પેઢી માટે, રાજા બન્યા વગર તેમણે રાજ્ય ચલાવ્યું હતું. એક બ્રહ્મચારી તરીકે, તેમણે રાજ્ય ચલાવવાના બધા જ દુઃખ જોયેલા પણ એક પરિવાર હોવાનું સુખ નહોતું જોયું. તેમણે બીજા કોઈના કરતાં વધુ બલિદાન આપ્યા હતા અને હવે જ્યારે ભીષ્મએ શાંતનુ પછી કુરુ રાજવંશનો પહેલો એવો રાજા સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો જે ખરેખર રાષ્ટ્રને ચલાવવા માટે સમર્થ હતો, ત્યારે ફરી એક વાર પરિસ્થિતી અકારણ ગૂંચવાઈ ગઈ.

બીજા ચાર ભાઈઓ આ જોઇ અંદર અંદર ગુસ્સાથી સળગી ઊઠ્યા, પરંતુ તેમણે તેમના પિતાની મૃત્યુશૈયા પર વચન આપ્યું હતું કે, તે ક્ષણથી તેઓ મોટા ભાઈ તરીકે યુધિષ્ઠિર જે કંઈ કહેશે તે તેમના માટે કાયદો હશે.

આ રાજ્યમાં એવો નિયમ હતો કે, જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી પુત્રો તેમના કહ્યા પ્રમાણે ચાલતા. સામાન્ય રીતે, આગળની પેઢી પછીની પેઢી ઉપર પોતાની સત્તા ચલાવતી, આવું પુરુ અને શાંતનુના સમયથી ચાલતું હતું, પરંતુ દુર્યોધનનાં કિસ્સામાં સત્તાની આ પ્રણાલી થોડી વિપરીત રહી. ચાર નાના ભાઈઓ યુધિષ્ઠિરને પિતા સમાન ગણતા હતા. તેઓએ હંમેશા મોટાભાઈની આજ્ઞાનું પાલન કર્યું.

પણ ભીમ માટે આ વખતે વધુ પડતું થઈ ગયું હતું કે, આટલા બધા સંઘર્ષ પછી જ્યારે તેના મોટાભાઈને રાજા બનવાનો અવસર મળી રહ્યો હતો અને સાથે તેઓને બધી જ સત્તા મળી રહી હતી ત્યારે યુધિષ્ઠિરે તેને સ્વૈચ્છિક રીતે ધૃતરાષ્ટ્ર અને કૌરવો સાથે વહેંચવાનો નિર્ણય કર્યો. પરંતુ ભીમ તેના ભાઈને કંઈ કહી ન શક્યો કે ન તો વિરોધ દર્શાવી શક્યો. ભીમ સભાગૃહ છોડીને ચાલ્યો ગયો, તે આ માની જ ના શક્યો

ભીમનો ભયાનક આવેશ

તે સમય દરમિયાન, ભીમ હંમેશ મુજબ ખૂબ ખાતો અને કોઈને કોઈની પણ સાથે લડાઈ વહોરી લેતો. તેને તે જ જોઈતું હતું - ઘણું બધુ ખાવાનું અને ખૂબ લડવાનું. તેની ભૂખ હંમેશા અતૃપ્ત, શક્તિ અને બીજું બધું જ અખૂટ રહેતું. તે એક સ્ત્રીના પ્રેમમાં પડ્યો જે હરિયાણામાં જલંધરા નામે, ઉત્તર પ્રદેશમાં વલંધરા અને બંગાળમાં બલંધરા નામે ઓળખાય છે.

જલંધરા, દુર્યોધનની પત્ની ભાનુમતીની બહેન હતી. આ સગપણને કારણે મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા હતી જ.

ભારતમાં આવી પરિસ્થિતી છે - આ દેશમાં એટલી બધી ભાષાઓ અને બોલીઓ છે કે જો તમે નવી દિલ્હીથી કોલકાતાની મુસાફરી કરો અને પછી તમિલનાડુ તરફ આગળ વધો, અને ધારો કે તમારું નામ વાસુદેવ છે, તો તમે કોલકાતા પહોંચો ત્યાં સુધીમાં તે બાસુદેવ બની જશે. તમે તમિલનાડુ પહોંચો ત્યારે તે વાસુદેવન બની જશે. તે જ પ્રમાણે તેનું નામ જલંધરા, વલંધરા કે બલંધરા તમે દેશના કયા હિસ્સામાં છો તેના પર આધાર રાખે છે.

જલંધરા, દુર્યોધનની પત્ની ભાનુમતીની બહેન હતી. આ સગપણને કારણે મુશ્કેલી સર્જાવાની શક્યતા હતી જ. ભીમ અને જલંધરાની પ્રેમકથાને ખૂબ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે. એક ખાસ પ્રસંગ છે, જેમાં ભીમ જલંધરાને મળવા ઈચ્છતો હતો જે મહેલમાં શક્ય ન હતું. તેથી ભીમે તેને ચિઠ્ઠી લખી મોકલાવી જેમાં તેણે તેને અખાડામાં મળવા બોલાવી. પોતાનો મોટા ભાગનો સમય તે અખાડામાં જ વિતાવતો હતો. તે દરરોજ કસરત કરી સ્નાયુઓ મજબૂત રાખતો અને ગદાયુદ્ધનો અભ્યાસ પણ કરતો.

ગુપ્ત રીતે, મધ્યરાત્રિએ, તે ભલ્લાના અખાડામાં આવી. ભલ્લા સો વર્ષથી પણ વધુ ઉંમરનો એક મહાન કુસ્તીબાજ હતો અને તે સોમેશ્વરનો પિતા હતો, જે સમગ્ર રાજકુળમાં યોદ્ધાઓને અપાતી તાલીમની દેખરેખ રાખતો.

ભીમ તેને પાછી મૂકવા જઇ રહ્યો હતો, ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે કોઈ જાસૂસ તેનો પીછો કરી રહ્યું હતો. તેણે તેને પકડી પાડ્યો અને તેનું માથું કચડી નાંખવા માંગતો હતો. પેલા ગુપ્તચરે દયાની ભીખ માંગતા કહ્યું, “મહેરબાની કરીને મને જીવતો જવા દો. હું તમને કઈંક એવું કહીશ, જે જાણવાથી તમને ફાયદો થશે.” ભીમે તેને ગરદનથી પકડ્યો, ઉપર ઊઠાવ્યો અને પૂછ્યું, “એવું શું છે જે તારે મને કહેવું છે?” ગુપ્તચર બોલ્યો, “અત્યારે તેઓ એવું કશુંક કરી રહ્યા છે જેનાથી તમે એક મહિનાની અંદર ચોક્કસ જ મૃત્યુ પામશો.” ભીમે પૂછ્યું, “તું શું વાત કરી રહ્યો છે? એક મહિનાની અંદર મારું મૃત્યુ કઈ રીતે થશે? હાલ તો એક મિનિટ પછી તારું મૃત્યુ નક્કી છે.” ગુપ્તચર બોલ્યો, “નદીને સામે કાંઠે એક અઘોરી છે. દુ:શાસન અને શકુનિ અત્યારે તેની સાથે છે. તેઓ તમે મૃત્યુ પામો તે માટે યજ્ઞ કરી રહ્યા છે. હું તમને ત્યાં લઈ જઈ શકું છું.”

વિચિત્ર અઘોરી

ભીમ અને ગુપ્તચરે ધીમેથી હોડીમાં બેસીને નદી પાર કરી. ત્યાં એક અઘોરીની ઝૂંપડી હતી. અઘોરી રહસ્યવાદીઓનો એક વંશ છે - જે ભારતમાં આજે પણ અસ્તિત્વમાં છે - તેઓ અતિશય ઉગ્ર અને ખૂબ વિચિત્ર યોગીઓ હોય છે. આજે પણ અઘોરીઓ વિચિત્ર જીવન જીવે છે - કોઈ સમજી નથી શકતું કે તેઓ કોણ છે અને શું કરે છે.

તે ખૂબ વિચિત્ર જીવ હતો - ભીમ પણ ડરી ગયો અને દુઃશાસન અને શકુની પણ ડરીને નાસી છૂટયા.

આ અઘોરી ખૂબ વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. દુઃશાસન અને શકુનિ અગ્નિ પાસે બેઠા હતા; અઘોરી શક્તિશાળી મંત્રો બોલી રહ્યો હતો. ભીમ અને ગુપ્તચર ઝૂંપડીની પાછળ છુપાઈને જોતા હતા. થોડા મંત્રો પછી, એક ઉગ્ર સ્વરૂપ વાળી દેવી પ્રગટ થઈ. અઘોરી સમાધિની સ્થિતિમાં હતો, તેણે દુઃશાસન અને શકુનિને કહ્યું કે તેઓ દેવીને પોતાની ઈચ્છા જણાવે.

દુ:શાશને કહ્યું, “અમે ભીષ્મનું મૃત્યુ ઇચ્છીએ છીએ.” દેવીએ કહ્યું, “તે શક્ય નથી. તેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, બીજું કોણ?” તેઓએ કહ્યું, “તો અમને કૃષ્ણ મૃત જોઈએ.” દેવીએ કહ્યું, “તે શક્ય નથી. તે અવતાર છે; તે સમય આવ્યે પોતાની ઈચ્છાથી મૃત્યુ પામશે.” આ બન્ને મુખ્ય પાત્રો હતા - જો તેઓ મૃત્યુ પામે તો બધું જ કૌરવોના હાથમાં આવી પડે. “બીજું કોણ?” દેવીએ ફરી પૂછ્યું. તેમણે એકમકની સામે જોયું. અને પછી કહ્યું, “ભીમ. અમે ભીમને મૃત ઇચ્છીએ છીએ."

પણ અઘોરી આગળની જરૂરી પ્રક્રિયા કરે તે પહેલાં, ભીમે ઝૂંપડીનું છાપરું તોડીને એવી રીતે ઉછાળ્યું કે તે સીધું આગમાં જઈને પડ્યું અને ભડકે બળવા લાગ્યું. આખો યજ્ઞ પડી ભાંગ્યો અને અકસ્માતે અઘોરી પણ આગમાં જઈ પડ્યો.

જ્યારે તેનું શરીર બળવા લાગ્યું ત્યારે તેની પલાઠી વળેલી હતી, આંખો ખુલ્લી હતી, અને કોઈ જાતના અવાજ વગર તેનું શરીર ભડકે બળી ગયું. તે ખૂબ વિચિત્ર જીવ હતો - ભીમ પણ ડરી ગયો હતો, અને દુઃશાસન તથા શકુનિ પણ ભયમાં ત્યાંથી નાસી છૂટ્યા.

પાછા ફરતી વખતે, હોડીમાં જ ભીમે ગુપ્તચરને ગરદન પકડીને નદીમાં ડુબાડી દીધો. તે નહોતો ઈચ્છતો કે ગુપ્તચર પાછો ફરીને કોઈને પણ કહે કે શું બન્યું હતું. આ બનાવ પછી, હસ્તિનાપુરમાં પરિસ્થિતિ પહેલા ક્યારેય ન હતી તેટલી અસ્થિર થઈ ગઈ. નિયમ મુજબ યુધિષ્ઠિર રાજા હતો, પરંતુ તે સૂચનો ધૃતરાષ્ટ્ર જોડેથી લેતો હતો, અને સત્તામાં દુર્યોધનની ભાગીદારી રાખવાથી એવા અવરોધો ઊભા થયા કે બધા જ કામો ખોરંભે ચડી ગયા.

ક્રમશ:…

More Mahabharat Stories