નંદી : એક ધ્યાની બળદ

article Spirituality & Mysticism
સદ્‍ગુરુ અને શેખર કપૂર શિવજીનાં વાહન નંદીનાં મહાત્મ્ય અને એનું પ્રતીકાત્મક રૂપ વિષે ચર્ચા કરે છે.

  શું છે જે નંદીને એક ધ્યાનમય  બળદ બનાવે છે?

સદ્‍ગુરુ અને શેખર કપૂર શિવજીનાં વાહન નંદીનાં મહાત્મ્ય અને એનાં પ્રતીકાત્મક રૂપ વિષે ચર્ચા કરે છે.

શેખર કપૂર : હુ જાણુ છું કે નંદીએ શિવનું વાહન છે. શું એ પ્રતીક્ષા કરે છે કે શિવ બહાર આવીને એને કહે કે……
શું? મને નંદીની બાબતમાં વધુ કહો.

સદ્‍ગુરુ : એ શિવના બહાર આવીને કશુંક કહેવા માટે પ્રતીક્ષા નથી કરી રહ્યો. એ પ્રતીક્ષામાં જ છે. નંદી અનંતકાળ સુધી પ્રતીક્ષા કરવાનું પ્રતિક છે કારણ કે, ભારતીય સંસ્કૃતિમાં પ્રતીક્ષાને સૌથી ઉત્તમ ગુણ ગણવામાં આવે છે. જે સહજ રીતે બેસીને પ્રતીક્ષા કરી શકે છે એ સ્વાભાવિક રીતે ધ્યાનમય છે. શિવ આવતીકાલે બહાર આવશે એ એવી અપેક્ષા નથી રાખતો. એ નિરંતર પ્રતીક્ષા કરશે. એ ગુણ ગ્રહણશીલતાનો સાર છે.

નંદી શિવનો સૌથી નિકટનો સાથી છે કારણ કે, એ ગ્રહણશીલતાનો સાર છે. તમે મંદિરમાં અંદર જાઓ એ પહેલા તમારામાં નંદીનો આ – સહજ થઇને બેસવાનો ગુણ હોવો જ જોઈએ. તમે સ્વર્ગમાં જવાનો પ્રયત્ન નથી કરતા, તમે આ કે તે મેળવવાનો પ્રયત્ન નથી કરતાં – તમે મંદિરમાં જઈ ને સહજતાથી બેસો છો. તો, અહીં બેઠા એ તમને કહે છે, ” તમે અંદર જાઓ ત્યારે, તરંગી વસ્તુઓ ન કરશો. આ કે પેલી વસ્તુની માંગણી નહીં કરશો. માત્ર મારી માફક સહજ થઇને બેસજો.”

શેખર કપૂર : અને હું ધારું છું કે પ્રતીક્ષા કરવી અને અપેક્ષા રાખીને બેસવું એ બે અલગ બાબતો છે, ખરું?

સદ્‍ગુરુ : એ કોઈ અપેક્ષાપૂર્વક પ્રતીક્ષા નથી કરી રહ્યો. એ માત્ર પ્રતીક્ષા કરે છે અને એ ધ્યાન છે – માત્ર બેઠો છે. તમારે માટે આ એનો સંદેશ છે. અંદર જઈને માત્ર બેસો. જાગૃત થઇને, ઊંઘમાં નહિ.

શેખર કપૂર: તો, બળદ આપણે જેને ધ્યાન કહીએ છીએ એમાં બેઠો છે?

સદ્‍ગુરુ : લોકો હમેશા ધ્યાનને કોઈ પ્રકારની પ્રવૃત્તિ માનવાની ગેરસમજ કરી બેસે છે. ના, ધ્યાન એક ગુણ છે. એ મૂળભૂત તફાવત છે. પ્રાર્થનાનો અર્થ છે કે તમે ઈશ્વર સાથે વાત કરવાનો પ્રયત્ન કરો છો. તમે તમારી ઈચ્છાઓ, અપેક્ષાઓ કે બીજું કંઈ પણ એને કહેવાના પ્રયત્ન કરો છો. ધ્યાનનો અર્થ છે તમે માત્ર અસ્તિત્વને, સર્જનના પરમ્ સ્ત્રોતને ગ્રહણ કરવા ઇચ્છુક છો, તમારી પાસે કહેવા માટે કશું નથી, માત્ર સાંભળો છો. આ નંદીનો ગુણ છે – એ જાગૃત રહીને માત્ર બેઠો છે. આ ખૂબ મહત્વનું છે : એ સતર્ક છે. એ નિદ્રાવશ કે નિષ્ક્રિય થઇને નથી બેઠો. ખૂબ સક્રિયતા સાથે, સંપૂર્ણ સતર્ક થઈને એ બેઠો છે, પણ કોઈ અપેક્ષા કે પૂર્વધારણા વગર. આ ધ્યાન છે. કોઇ જાતની અપેક્ષા વગર માત્ર પ્રતીક્ષા કરવી.

તમે તમારી પોતાની વસ્તુઓ કર્યા વિના પ્રતીક્ષા કરો તો અસ્તિત્વએ જે કરવાનું છે એ કરશે. ધ્યાનનો અર્થ જ એ છે કે વ્યક્તિ પોતાની વસ્તુઓ ન કરે. બસ એ માત્ર રહે. તમારા રહેવા માત્રથી, તમે અસ્તિત્વના વધુ મોટા પરિમાણ માટે સભાન થાઓ છો, જે હંમેશા કાર્યશીલ છે. તમે જાગૃત હો તો જોઈ શકો કે તમે એનો હિસ્સો જ છો. હાલ પણ તમે એનો જ હિસ્સો છો પણ, “હું એનો હિસ્સો છું” એ સભાનતા એ ધ્યાન છે. નંદી એનુ પ્રતીક છે. એ સહુને યાદ કરાવે છે કે, ” તમારે મારી જેમ બેસવું જોઈએ.”

શેખર કપૂર: ધ્યાનલિંગ પરનો નંદી શેનો બનેલો છે ? મને લાગે છે એ કોઈ ધાતુ છે. શું એ સ્ટીલ
છે?

સદ્‍ગુરુ: આ કદાચ એક માત્ર નંદી છે જે અનોખી રીતે બનાવાયો છે. નાના નાના ધાતુના ટુકડા જે છ થી નવ ઇંચથી વધુ નથી, ભેગા કરીને તેની બહારની સપાટી બનાવી છે. અંદર તલ, હળદર, વિભૂતિ – પવિત્ર રાખ, ખાસ પ્રકારના તેલ, થોડી રેતી અને અમુક ખાસ પ્રકારની માટી વડે ભરવામાં આવ્યો છે. તેને ભરવા માટે લગભગ ૨૦ ટન જેટલો માલ વાપરવામાં આવ્યો આવ્યો છે. પછી એને સીલ કરી દીધો છે. સમગ્ર મિશ્રણ એક ખાસ પ્રક્રિયાથી બનાવવામાં આવ્યું છે. એનાથી બળદ એક ખાસ પ્રકારની ઊર્જા ફેલાવે છે.

Dont want to miss anything?

Get the monthly Newsletter with exclusive shiva articles, pictures, sharings, tips
and more in your inbox. Subscribe now!