શિવએ એમનું ત્રીજું નેત્ર કેવી રીતે ખોલ્યું એ વિષે એક વાર્તા છે. ભારતમાં પ્રેમ અને વાસનાના એક દેવ છે જે કામદેવ નામથી ઓળખાય છે. કામ એટલે વાસના. વાસના એવો ગુણ છે જેનો મોટા ભાગના લોકો સ્વીકાર કે સામનો કરવા નથી ઈચ્છતા. તમે એને કલાત્મક રીતે શણગારીને એને પ્રેમનું નામ આપવા માંગો છો! વાર્તા એવી છે કે કામદેવે ઝાડ પાછળ છુપાઈને શિવજીના હૃદય તરફ એક બાણ ચલાવ્યું. શિવ થોડા વિચલિત થયા. તેથી શિવે એમનું ત્રીજું નેત્ર ખોલ્યું, જે એક જ્વલંત આંખ છે, અને કામને બાળીને ભસ્મ કરી નાખ્યો. સામાન્ય રીતે લોકોને આ જ વાર્તા કહેવામાં આવે છે.
પણ કૃપા કરીને તમારી જાતને પૂછો, શું વાસના તમારી અંદર ઊઠે છે કે કોઈ ઝાડની પાછળ? ચોક્કસ જ તમારી અંદર. વાસના કંઈ વિજાતિય આકર્ષણ પૂરતી મર્યાદિત નથી. દરેક ઈચ્છા વાસના છે, પછી એ સેક્સ માટે હોય, સત્તા માટે હોય કે પદ માટે હોય. વાસના મૂળભૂત રીતે તમારી અંદર રહેલી અધૂરાપણાની નિશાની છે, કોઇ વસ્તુને પામવાની અદમ્ય ઈચ્છા જે તમને એવો અનુભવ કરાવે કે," મારી પાસે જો એ નહીં હોય તો મારું જીવન અધુરું છે."
શિવ અને કામની આ વાર્તા ઉપર એક યોગિક પરિમાણ છે. શિવ યોગના પથ પર કાર્યરત હતાં જેમાં એ માત્ર સંપૂર્ણ બનવા નહીં, પરંતુ બધી મર્યાદાને પાર કરવા પ્રયાસ કરતાં હતાં. શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામને જોયો અને એની પોતાની જ વાસના તેની ઉપર ચઢી અને એને ભસ્મ કરી નાખ્યો. ધીમે ધીમે એમના શરીરમાંથી રાખ ઝરવા લાગી જે એમ દર્શાવે છે કે તેમની અંદર બધું હંમેશા માટે શાંત થઈ રહ્યું હતું. ત્રીજું નેત્ર ખુલતાં તેમને પોતાની અંદરનું એ પરિમાણ સમજાયું જે ભૌતિકતાની પરે છે, અને ભૌતિક વિવશતાઓ આપોઆપ છૂટી ગઈ.
ત્રીજું નેત્ર એટલે એવી આંખ જેના વડે તમે જે ભૌતિક નથી એ બઘું જોઈ શકો છો. તમે તમારા હાથને જોઈ શકો છો કારણ એ પ્રકાશને અવરોધીને એનું પરાવર્તન કરે છે. તમે હવા નથી જોઈ શકતા કારણ કે, એ પ્રકાશને રોકતી નથી. પણ હવામાં જો થોડો ધુમાડો હોય તો તમે એ જોઈ શકો છો કારણ કે, તમે તે જ વસ્તુઓ જોઈ શકો છો જે પ્રકાશને અવરોધે છે. તમે એવું કશું નથી જોઈ શકતા જેમાંથી પ્રકાશ આરપાર થઈ જાય છે. તમારા શરીરની બે આંખોની આ જ પ્રકૃતિ છે. ત્રીજું નેત્ર એટલે એવી આંખ જેના વડે તમે જે ભૌતિક નથી એ બધું જોઈ શકો છો.
તમારી નરી આંખો એવી વસ્તુઓ ગ્રહણ કરી શકે છે જે ભૌતિક હોય છે. જો તમે એવું કશુંક જોવા ઈચ્છતા હો કે જે ભૌતિક નથી, તો તેને માટે તમારે અંદરની તરફ વળવું પડે. આપણે જ્યારે "ત્રીજા નેત્ર" વિષે વાત કરીએ ત્યારે આપણે પ્રતિકાત્મક સ્વરૂપે એવી વસ્તુઓ જોવાની વાત કરીએ છીએ જેને નરી આંખે નથી જોઈ શકાતી નથી.
શરીરની બે આંખો બાહ્ય જગત તરફ ઝૂકેલી હોય છે. ત્રીજી આંખ તમારી આંતરિકતા જોવા માટે છે – તમે જે છો તેની પ્રકૃતિ અને તમારું અસ્તિત્વ. એ કોઈ વધારાનું અંગ કે તમારા કપાળ ઉપર હજી એક આંખ નથી. સમજણનું એ પરિમાણ જેનાથી વ્યક્તિ પોતાના એ સ્વરૂપ જે ભૌતિકતાથી પર છે તેને ઓળખી શકે એને ત્રીજું નેત્ર કહેવામાં આવે છે.
બીજું એક પાસુ એવું છે કે શરીરની આંખો ઘણા અંશે કર્મથી પ્રભાવિત હોય છે. કર્મ ભૂતકાળમાં કરેલા કાર્યોની પાછળ રહેલી સ્મૃતિઓ છે. તમારી દૃષ્ટિ પર આવા કર્મોની શેષ સ્મૃતિઓની અસર હોય છે. તમે કોઈને જુઓ તો તમને લાગશે કે, "આ વ્યક્તિ સારી છે અથવા નથી સારી, આ વ્યક્તિ ભલી છે અથવા આ ખરાબ છે." તમે કોઈ પણ વસ્તુને એ જેવી છે એવી નથી જોઈ શકતા કારણ કે, તમારા પાછલા કર્મોની સ્મૃતિઓની અસર તમારી હાલની દૃષ્ટિ પર રહેલી છે. એ તમને એવું જ બતાવશે જેવા તમારા કર્મ હશે અને જેવી ભૂતકાળની સ્મૃતિઓ હશે.
દરેક વસ્તુને એ જેવી છે એવી જ જોઈ શકવા માટે, ઊંડાણપૂર્વક જોઈ શકે એવી દૃષ્ટિ કાર્મિક સ્મૃતિઓથી મુક્ત – એવી દૃષ્ટિએ ખૂલવું જ પડે. પારંપરિક રીતે ભારતમાં જાણવાનો અર્થ પુસ્તક વાંચવું, પ્રવચન સાંભળવું કે માહિતી એકઠી કરવાનો નથી. જાણવું એટલે નવો દૃષ્ટિકોણ કેળવવો અથવા આંતરદૃષ્ટિ વિકસાવવી એવો થાય છે. ગમે એટલા વિચારો કરવાથી કે ફિલૉસોફીઓની વાતો કરવાથી મનમાં સ્પષ્ટતા આવતી નથી. તમે જે તાર્કિક સ્પષ્ટતા કેળવો એ તો ખૂબ આસાનીથી તોડી શકાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં એ તમારામાં જબરદસ્ત ઉથલ પાથલ સર્જી શકે.
સંપૂર્ણ સ્પષ્ટતા ત્યારે જ આવી શકે જ્યારે તમારી આંતરિક દૃષ્ટિ ખુલી જાય. આ વિશ્વમાં કોઈ પરિસ્થિતિ કે કોઈ વ્યક્તિ તમારી અંદરની આ સ્પષ્ટતાને મલિન કરી ન શકે. સાચી સમજ જાગૃત કરવા માટે તમારાં ત્રીજા નેત્રએ ખૂલવું જ રહ્યું.