logo
logo

શિવની ઉપસ્થિતિ

સદગુરુ એવા ચાર મહત્વપૂર્ણ સ્થાનોની વાત કરે છે જ્યાં શિવે પોતે સમય પસાર કર્યો છે અને આ સ્થળોની શક્તિ અને ઉર્જા વિશે પણ આપણને અહીં સમજાવે છે.

શિવની ઉપસ્થિતિ- પ્રથમ યોગીના પંથે


સદગુરુ એવા ચાર મહત્વપૂર્ણ સ્થાનોની વાત કરે છે જ્યાં શિવે પોતે સમય પસાર કર્યો છે અને આ સ્થળોની શક્તિ અને ઉર્જા વિશે પણ આપણને અહીં સમજાવે છે.

સદગુરુ : યોગીક સંસ્કૃતિમાં શિવને ઈશ્વર રૂપે નથી જોવાતા. તેઓ એક વ્યક્તિ હતાં જે આ જમીન ઉપર ફર્યા અને જે યોગીક પરંપરાઓના સ્ત્રોત છે. તેઓ આદિયોગી એટલે કે પ્રથમ યોગી અને આદિગુરુ- પ્રથમ ગુરુ પણ છે. યોગીક વિજ્ઞાન પહેલી વાર કાંતિસરોવરના તટે હસ્તાંતરીત કરવામાં આવ્યું હતું , જે હિમાલય માં, કેદારનાથથી થોડાક માઈલ ઉપરના ભાગમાં છે અને જ્યાં આદિયોગીએ વ્યવસ્થિત રીતે આ આંતરિક ટેક્નિકનો પાઠ પોતાના પ્રથમ સાત શિષ્યોને આપ્યો, જેમને આપણે સપ્તર્ષિ તરીકે ઓળખીએ છીએ.

કાંતિસરોવર – કૃપાનું જળાશય


એવી દંતકથાઓ છે કે શિવ પાર્વતી કાંતિસરોવરના તટ ઉપર રહેતા અને ઘણી વખત કેદાર જતાં, જ્યાં ઘણા યોગીઓ રહેતા. ઘણા વર્ષો પહેલા હું હિમાલયમાં દર વર્ષે એક - બે મહિના સુધી એકલો ફરતો. હું પહેલી વાર 1994માં કાંતિસરોવર ગયો. આ જ કાંતિસરોવરનું પાણી 2013માં આવેલ પૂરમાં ધડાકા સાથે કેદારમાં આવી ગયું હતું. હવે એને ગાંધીસરોવર કહેવામાં આવે છે. ખરેખર તો એનું નામ કાંતિસરોવર છે. કાંતિનો અર્થ છે કૃપા અને સરોવર એટલે મોટું જળાશય. આ કૃપાનો સરોવર છે.

હું જ્યારે લાંબી પદયાત્રા કરીને કેદાર પહોંચ્યો ત્યારે મેં કાંતિસરોવર વિશે સાંભળ્યું. એક બપોરે, આશરે બે - અઢી વાગે, હું નીકળ્યો અને ત્યાં લગભગ એક કલાકમાં પહોંચ્યો. સરોવરની ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડો હતા. પ્રકૃતિની દૃષ્ટિએ આ એક અદ્દભુત સ્થળ છે - પૂર્ણ પણે શાંત, પાણીનું વિશાળ જળાશય - કોઈ વનસ્પતિ નહીં, બસ બરફથી ઢંકાયેલા પર્વત શિખરો જેમની પ્રતિછાયા શાંત પાણીમાં સ્પષ્ટ દેખાતી હતી. આ એક અતુલ્ય, અદ્વિતીય સ્થળ હતું.

સદ્ગુરુ કાંતિસરોવર પર


હું ત્યાં બસ બેસી રહ્યો. ત્યાંની નિર્મળતા , અગાધ શાંતિ અને પવિત્રતા મારી ચેતનામાં ઊંડાણ સુધી સમાઈ ગઈ. એ સ્થળના ઉપરનાં ચઢાણ અને એની ઊંચાઈથી મારો શ્વાસ જાણે રોકાઈ જ ગયો હતો. ત્યાં, એક શિલા ઉપર, હું એકદમ સ્થિર બેસી રહ્યો, મારી આંખો ખુલ્લી હતી અને હું ચારે બાજુના દરેક આકારને જાણે અંદર લેતો હતો. ધીરે ધીરે, આજુ બાજુના બધા જ આકારો જાણે ખોવાય ગયા અને ત્યાં ફક્ત નાદ - ધ્વનિ જ રહી ગઈ.પર્વતો, સરોવર અને ચારે બાજુનું બધું જ, મારું શરીર પણ, તેમના સામાન્ય આકારમાં હતાં જ નહીં. મારા અંદર એક ગીત પ્રગટ થયું. - "નાદબ્રહ્મ વિશ્વસ્વરૂપા"

નાદ બ્રહ્મ
નાદ બ્રહ્મ વિશ્વ સ્વરૂપ,
નાદ હી સકલ જીવરૂપ।
નાદ હી કર્મ, નાદ હી ધર્મ,
નાદ હી બંધન, નાદ હી મુક્તિ ।
નાદ હી શંકર, નાદ હી શક્તિ
નાદમ, નાદમ, સર્વમ નાદમ ।
નાદમ, નાદમ, નાદમ, નાદમ ।।
હું એક એવો માણસ છું જેણે હંમેશા સંસ્કૃત શીખવાનું ટાળ્યું. જો કે મને આ ભાષા ખૂબ ગમે છે અને આ ભાષાના ઊંડાણની પણ મને ખબર છે. છતાં પણ મેં તેને શીખવાનું ટાળ્યું કેમ કે જો તમે આ ભાષા શીખો તો નક્કી જ કે બધા શાસ્ત્રો તમે વાંચશો. મારી પોતાની દૂરદૃષ્ટિ, એક ક્ષણ માટે પણ, કોઈ દિવસ, મારા થી દૂર થઈ નથી. તો, હું શાસ્ત્રો વાંચીને, એની પરંપરાઓની અવ્યવસ્થા, ભીડ મારામાં ઊભી કરવા નહોતો માગતો અને તેથી જ મેં સંસ્કૃત શીખવાનું ટાળ્યું.

જ્યારે હું ત્યાં બેઠો હતો, ત્યારે મારૂં મોઢું નક્કી જ બંધ હતું અને આંખો ખુલ્લી હતી. અને, મેં આ ગીત મોટેથી, મારાં પોતાનાં અવાજમાં સાંભળ્યું. ગીત સંસ્કૃતમાં હતું અને મારા અવાજમાં જ સંભળાતું હતું, મેં તેને સ્પષ્ટપણે સાંભળ્યું. મોટેથી, એટલે ખરેખર મોટેથી, જાણે આખો પર્વત ગાતો હોય. મારા અનુભવમાં બધું જ નાદમાં રૂપાંતરિત થઈ ગયું હતું. ત્યારે આ ગીત મારામાં ઉતર્યું. મેં તેને બનાવ્યું ન હતું, મેં તેને લખ્યું ન હતું, એ બસ મારા ઉપર ઉતરી આવ્યું. આખું ગીત સંસ્કૃતમાં પ્રવાહિત થતું હતું. આ અનુભવે મને શક્તિશાળી રીતે જકડી લીધો હતો.

ધીરે ધીરે, થોડા સમય પછી, બધું જ તેના પહેલાના આકારમાં આવી ગયું. મારી ચેતના, નાદથી રૂપ(આકાર)માં જે રીતે નીચે આવી તેનાથી મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ.

જો તમે પોતાને આ ગીતની સામે સમર્પિત કરી દો તો આ ગીતમાં એક ખાસ પ્રકારની શક્તિ છે. જો તમે પોતાને ખરેખર તેમાં નાખી દો તો, આ ગીતમાં તમને ઓગાળી દેવાની શક્તિ છે.

કૈલાશ - રહસ્યમય પર્વત


હિંદુ જીવનપદ્ધતિ પ્રમાણે કૈલાશ પર્વતને શિવનું ઘર માનવામાં આવે છે. એનો અર્થ એ નથી કે તેઓ ત્યાં, પર્વત ઉપર બેઠા છે અથવા નૃત્ય કરે છે કે બરફ માં છુપાઈ ગયા છે. એનો અર્થ એમ થાય કે શિવે પોતાનું જ્ઞાન ત્યાં જમા કરી રાખ્યું છે. આદિયોગીએ જ્યારે જોયું કે યોગના જ્ઞાનનો એક એક ભાગ આત્મસાત કરી લીધો છે અને જ્યારે આદિયોગીને બીજો કોઈ મનુષ્ય ન મળ્યો જે યોગના બધાં આયામોને સમજી શકે, ત્યારે, તેઓએ જીવનની વ્યવસ્થાના આ જ્ઞાનને, એક જગ્યાએ અને એક જ સ્ત્રોતથી મેળવી શકાય એવા હેતુથી એ બધું કૈલાશ પર્વતમાં જ સંચિત કરવાનું નક્કી કર્યું. તો, કૈલાશ, આ ધરતી પર સહુથી મોટો, રહસ્યમય, જ્ઞાનનો ભંડાર બની ગયો - એક જીવંત ગ્રંથાલય જેવો, ફક્ત માહિતી સાથે જ નહીં પણ જીવંત!

કૈલાશનો દક્ષિણી ભાગ


જ્યારે કોઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને એની સમજ, સામાન્ય સમજ કરતાં ખૂબ ખૂબ આગળ જતી રહે ત્યારે એને જે સમજાયું છે તે તેના આજુ બાજુના લોકોને સમજાવવું કાયમ શક્ય નથી બનતું. એમના જ્ઞાનનો ફક્ત એકાદ નાનકડો ભાગ જ લોકોને આપી શકાય છે. એવું તો ભાગ્યે જ બને કે કોઈ ગુરુને એવા લોકો મળે જેમને તેઓ પોતાનું બધું જ આપી શકે.

તો આવા આત્મજ્ઞાનિઓ આ બધું ક્યાં મુકી શકે? એ બધું ખોવાઈ જાય એવું તેઓ નથી ઈચ્છતા. તો, હજારો વર્ષોથી, આત્મજ્ઞાનિઓ હંમેશા કૈલાશ જતા અને પોતાનું જ્ઞાન ઊર્જા સ્વરૂપે, પર્વતને આધાર બનાવી, જમા કરાવી દેતા હતા. એનાથી જ દક્ષિણ ભારતનો રહસ્યવાદ એવું કહે છે કે અગસ્ત્ય, જે આ પ્રકારના રહસ્યવાદના આધાર છે, કૈલાશના દક્ષિણી મુખમાં રહે છે. બૌદ્ધો એમ કહે છે કે તેમના ત્રણ મુખ્ય બુદ્ધો કૈલાશ પર્વતમાં રહે છે. જૈનો પણ કહે છે કે તેમના પ્રથમ તીર્થંકર, ઋષભદેવ ત્યાં રહે છે.

એક આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે કૈલાશ એ આ પૃથ્વી પર પરમ સ્ત્રોતને સ્પર્શવા જેવુ છે. જે કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે, તેના માટે આ જ એ સ્થળ છે. એના જેવું બીજું કોઈ સ્થાન નથી.

ખ્રિસ્તી સંવત 800 – 1200ની વચ્ચે બનેલા શિવ અને શક્તિ તીર્થ સ્થાનો


આ દેશમાં, પ્રાચીન કાળમાં, મંદિરો તો મોટા ભાગે શિવના જ બનતા હતાં, બીજા કોઈના માટે નહીં. આ તો ફક્ત છેલ્લા 1000 વર્ષોમાં જ બીજા મંદિરો બન્યાં. 'શિવ'નો શાબ્દિક અર્થ છે 'એ જે નથી'. તો, મંદિરો પણ 'એના' જ માટે બનતા હતા 'જે છે નહીં'. એ જે છે તે એક ભૌતિક અભિવ્યક્તિ છે. એ જે નથી તે ભૌતિકતાથી પરેની વાત છે. મંદિર તો એક કાણાં જેવું છે, જેમાંથી થઈને તમે એવા સ્થાને પહોંચો છો જે છે જ નહીં. આ દેશમાં શિવના હજારો મંદિરો છે અને એમાં મોટા ભાગે એવા છે જેમાં કોઈ આકાર નથી. ફક્ત પ્રતિરૂપ હોય છે અને સામાન્યપણે તે લિંગ જ હોય છે.
આ નકશો અહીં ડાઉનલોડ કરી શકાય છે.

વેલ્લિયંગીરી- દક્ષિણનો કૈલાશ


દક્ષિણ ભારતમાં, આપણે જ્યાં છીએ(કોયમ્બતુરમાં), ત્યાં રાહસ્યવાદનો એક બીજો ભંડાર છે - વેલ્લિયંગીરી પર્વત! તેને દક્ષિણનો કૈલાશ પણ કહેવાય છે. આ એક અદ્દભુત સ્થાન છે. જ્ઞાનનો સૌથી મોટો ઢગલો કૈલાશ જ છે પણ દક્ષિણના ઘણા દિવ્યદર્શીઓએ અને યોગીઓએ વેલ્લિયંગીરીનો ઉપયોગ પોતાના જ્ઞાનને સંચિત કરવા માટે કર્યો છે. જ્ઞાનની માત્રાની દૃષ્ટિએ, એક ગ્રંથાલય તરીકે, કૈલાશ જોડે કોઈની પણ સરખામણી થઈ ના શકે પણ ગુણવત્તાની દૃષ્ટિએ, વેલ્લિયંગીરી પણ એટલો જ ઉમદા છે.

આ પર્વતને સેવન હિલ્સ(સાત ટેકરીઓ) ના નામથી પણ ઓળખાય છે કેમ કે તમે જ્યારે પર્વત ઉપર ચઢો છો તો ત્યાં સાત વખત મોજાઓની જેમ ચઢ ઉતર થાય છે અને એવું લાગે જાણે તમે સાત ટેકરીઓ ઉપર જઈ રહ્યા છો. છેલ્લો શિખર પૂર્ણપણે પવનથી વહેતો લાગે છે અને ત્યાં ઘાસ સિવાય બીજું કંઈ ઊગતું નથી. ત્યાં બસ, ત્રણ ખૂબ મોટી ચટ્ટાનો છે જે એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે ત્યાં જાણે એક નાનું મંદિર હોય, અને, એમાં એક લિંગ પણ છે. આ એક ખૂબ જ શક્તિશાળી અને અતુલ્ય, સ્થળ છે.

જે યોગીઓ અને સિધ્ધો આ પહાડ ઉપર આવ્યા એ એકદમ જુદા પ્રકારના હતા, જબરદસ્ત ઉગ્ર અને તીવ્ર લોકો! ઘણા બધા તો એવા કે દેવતાઓને પણ જેમના માટે ઈર્ષ્યા થાય - કેમ કે આ લોકો એવી શાલીનતા અને એવા ગૌરવથી રહેતા હતા. આવા લોકો આ પહાડ ઉપર આવ્યા છે. આ મહાપુરુષોએ આખા પર્વતને એમનું જ્ઞાન આત્મસાત કરાવી દીધું અને એ જ્ઞાન ક્યારેય ખોવાઈ નહીં શકે. આ જ પર્વત છે જ્યાં મારા ગુરુ પણ રહ્યા અને જ્યાં તેમણે પોતાનું શરીર છોડવાનું પસંદ કર્યું. તો આ ફક્ત કોઈ પર્વત નથી, આપણા માટે એક મંદિર છે.

કાશી - એક શાશ્વત શહેર


હજારો વર્ષોથી, આખી દુનિયાના, લોકો કાશીની યાત્રા કરતા આવ્યાં છે. ગૌતમ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપવા આવ્યા હતાં. ગૌતમના આવ્યા પછી અહીં ચીનથી પણ લોકો આવ્યા. નાલંદા વિશ્વવિદ્યાલય જે જ્ઞાનનું અને વિધ્યાનું સૌથી મોટું સ્થાન માનવામાં આવે છે - એ કાશીમાંથી ઝરેલો જ્ઞાનના બસ એક નાના ટીપાં જેવું છે. તમે જે પણ લોકો વિશે સાંભળો છો - આર્યભટ્ટ અને એવા ઘણા બધા બીજા - આ ભાગમાંથી જ આવ્યા, કાશીની જીવંત સંસ્કૃતિમાંથી જ વિકસ્યા છે.

જ્યારે યોગીઓએ બ્રહ્માણ્ડની પ્રકૃતિ જોઈ - કેવી રીતે એ પોતાના અંદરથી જ ધીરે ધીરે વિકસિત થાય છે અને કઈ રીતે વિકસિત થયા કરવાની એની ક્ષમતા અસિમિત છે - એ લોકોને પોતાનો વિકાસ પણ આમ જ કરવા માટે લોભ જાગ્યો. તો કાશીમાં, એક શહેરના રૂપમાં, તેઓએ એક એવું સાધન બનાવ્યું જે અતિ સૂક્ષ્મ અને અતિ વિશાળ, એમ બંને વચ્ચે મેળ કરાવી શકે, યોગ કરાવી શકે. આ એક નાનકડો મનુષ્ય, બ્રહ્માણ્ડીય વાસ્તવિકતા સાથે એક થવાની શક્યતા, બ્રહ્માણ્ડની પ્રકૃતિ સાથે એક થવાનો ઉલ્લાસ, પરમાનંદ અને સૌંદર્યને જાણવાની અદ્દભુત ક્ષમતાઓ ધરાવી શકે છે. કઈ રીતે બ્રહ્માંડ અતિ વિશાળ અને અતિ સૂક્ષ્મ સાથે મળી શકે એની એકદમ ચોક્કસ અને અચૂક અભિવ્યક્તિ કાશી જ છે. આ દેશમાં આવા ઘણા સાધનો થઈ ગયા પણ કાશી જેવું શહેર બનાવવું એક ગાંડી મહત્વાકાંક્ષા જ કહેવાય. અને, એ લોકોએ આ કામ હજારો વર્ષ પહેલાં કર્યું. એક વખતે, ત્યાં 72000 મંદિરો, પવિત્ર સ્થળો હતા - એ જ સંખ્યા જે આપણા શરીરમાં નાડીયોની છે! આ આખી પ્રક્રિયા એક મોટા માનવીય શરીરની અભિવ્યક્તિ જ હતી, જે બ્રહ્માંડીય શરીર સાથે એક થવાનો હોય. આના જ કારણે, એક પરંપરા બની ગયી, "જો તમે કાશી જાઓ તો તમારું કામ થઈ ગયું". એક વાર ત્યાં પહોંચ્યા પછી તમે એ સ્થાન છોડવાનું પસંદ નહી કરો. જ્યારે તમે બ્રહ્માણ્ડની પ્રકૃતિ સાથે જોડાઈ જાવ, તો બીજે ક્યાંય જવાની ઈચ્છા શું કામ કરો?

કાશીની દંતકથા 100% આ જ મૂળભૂત વાત સાથે જોડાયેલી છે કે શિવ પોતે ત્યાં રહેતા હતા. આ એમનું શિયાળામાં રહેવાનું સ્થળ હતું. એવી કથાઓ છે કે શિવ લોકોને, એક પછી એક, કાશી મોકલતા અને એ લોકો કોઈ દિવસ પાછા આવતા જ નહી, કારણ કે કાશી આટલું બધું અદ્દભુત સ્થળ હતું. પણ, કદાચ કથાનો અર્થ એવો હોઈ શકે કે શિવ લોકોને ત્યાં શહેર બનાવવા જ મોકલતા હતા અને એમાં ખૂબ સમય લાગી ગયો. એ બની ગયા પછી, શિવ ત્યાં આવ્યા, તેમને ગમ્યું અને તેઓએ ત્યાં રહેવાનું નક્કી કર્યું.

છેલ્લી કેટલીક સદીઓમાં કાશીને ત્રણ વાર નષ્ટ કરી દેવામાં આવી છે. તો, આજે કાશી કેટલા અંશે જીવંત નગરી છે, એના ઉપર પ્રશ્નચિન્હ છે , પણ, નક્કી જ કંઈક તો હજું પણ છે -કે બધું જ જતું નથી રહ્યું. આપણા કમનસીબ છે કે જ્યારે કાશી પૂર્ણ વૈભવમાં હતી ત્યારે આપણે જીવંત નહોતા. આખી દુનિયામાંથી લોકોને આકર્ષિત કરવા વાળું એ સ્થળ અદ્દભુત જ હોવું જોઇએ.

ભૂતકાળ સાથે તો આપણે ટકી ગયા છીએ પણ પ્રશ્ન એ છે કે શું આપણે ભવિષ્યમાં પણ ટકી રહીશું? હું જ્યારે 'આપણે' કહું છું તો ફક્ત આ જ ધર્મની વાત નથી કરતો. હું આખી ધરતી પરના એવા લોકોની વાત કરું છું, જે, જીવન ને જેવું છે તેવું જોવા તૈયાર છે અને પોતાના વિચારો બીજા ઉપર લાદવા નથી માંગતા. વિશ્વને અંધવિશ્વાસો, ફિલસૂફીઓ અને વિશ્વાસ પદ્ધતિકારોની જરૂર નથી. એને જરૂર છે એવી માનવીય યોગ્યતાની, કે જે "પરે" છે તેને તેઓ સમજી શકે. આ એક જ રીત છે જેથી મનુષ્યોજાણી શકશે. આ એક જ રીત છે જેથી માનવીય ચેતના વૃદ્ધિ પામશે, વિસ્તૃત થશે. આજે માનવ સમાજમાં જે નાના નાના વિભાજન થઈ ગયા છે, તેનાથી ઉપર ઊઠીને વિકસિત થવાનો આ જ એક માત્ર માર્ગ છે.

    Share

Related Tags

રહસ્યવાદશિવ તત્ત્વ

Get latest blogs on Shiva

Related Content

સદગુરુ દ્વારા દસ મિનિટમાં સાત કવિતાઓ