સદ્‍ગુરુ: તમે હાલ જે શરીરનું વહન કરી રહ્યા છો, તેમાં જે તમારી માતાના ગર્ભમાંથી આવ્યું હતું જે જવલ્લે જ ત્યાં હશે – તે મોટેભાગે જતું રહ્યું છે. આજે, તમે જેટલા પણ કિલોગ્રામ લઈને ફરી રહ્યા છો, તે બધાં ઘરતી માતામાંથી આવ્યા છે. હું જન્મ આપનારી માતાને ઓછી આંકવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, એ માત્ર એટલું જ છે કે, જો તમે એક આધ્યાત્મિક સાધક છો, તો એ અત્યંત મહત્ત્વનું છે કે તમને દરેક વસ્તુનો ખરો દૃષ્ટિકોણ મળે. જો તમે વસ્તુઓની તમારા મનમાં અથવા ભાવનાઓ વડે અતિશયોક્તિ કરશો, તો તમે પોતાની જાતને ખોટી દિશા તરફ દોરશો અને બહોળા પ્રમાણમાં સમય અને જીવન વેડફી નાખશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે અતિશયોક્તિ કરશો. જો તમે કોઈના પ્રત્યે ઘૃણા કરશો તો તમે અતિશયોક્તિ કરશો. અતિશયોક્તિ એટલે, ક્યાં તો અભાનપણે ક્યાં તો જાણી-જોઈને તમે સત્યથી દૂર થઈ રહ્યા છો. સત્યથી દૂર થવાનો અર્થ છે કે, તમે પોતાની જાત વિરુદ્ધ કામ કરી રહ્યા છો. એ વ્યક્તિ જે પોતાની વિરુદ્ધ કામ કરે છે તેને શત્રુની જરૂર નથી. તેને સેલ્ફ-હૅલ્પ કહે છે! તે તમારા જીવનની સુંદરતા છે – તમે પૂરેપૂરા સ્વાવલંબી છો.

તો આપણે જન્મ આપનારી માતા અને ધરતી માતા – બન્ને માટે કૃતજ્ઞી છીએ અને બન્નેની સરાહના કરીએ છીએ. આપણે આ અને તે બન્ને માતાઓને કારણે અહીં છીએ. તમારા જીવનના પ્રત્યેક દિવસે તમારે એ દરેક વસ્તુઓ અને દરેક વ્યક્તિની સરાહના કરવી જોઈએ જે તમારું જીવન આજે જેવું છે તેવું બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. જે વસ્તુ તમારી સુખાકારી માટે આવશ્યક છે તેની કાળજી સૃષ્ટા દ્વારા લેવામાં આવી રહી છે. દરેક ક્ષણે, તમે જે દરેક પગલું ભરો છો, આ ગ્રહ વચ્ચે પડીને તેને તોડી નથી રહ્યો. દરેક શ્વાસ જે તમે લો છો, વાતાવરણમાંથી હવા પલાયન કરી જઈને તમને ના નથી પાડી રહી. આ લાખો માતૃતુલ્ય અને પિતૃતુલ્ય પરિબળો તમારા જીવનની પ્રત્યેક ક્ષણે કામ કરી રહ્યા છે. તમે આ બધી વસ્તુઓ માટે પુછ્યું નહોતું અને તેના માટે બિલ નથી ચૂકવી રહ્યા. બધું જ સહજતાપૂર્વક આપવામાં આવ્યું છે. તો, પ્રકૃતિ અને તમારી આસપાસના લોકો તમને જે વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે તે દરેકને શું તમારે સંપૂર્ણ કૃતજ્ઞતાપૂર્વક નમન ન કરવું જોઈએ? કારણ કે, આ પરિબળોના વિના માંગ્યે મળેલા સહકાર વિના તમે તમારા જીવનનું વહન કરવા અસમર્થ છો.


    જો તમે આની સરાહના ન કરો, જો તમે તમારી જાગરૂકતા સંપૂર્ણપણે ખોઈ ચૂક્યા છો, આનું કારણ છે કે તમે તમારા મગજમાં ઘટી રહેલા કોઈ લવારામાં અતિવ્યસ્ત છો. તે એક જ કારણ છે જેના લીધે વ્યક્તિ આ બધું ચૂકી જાય છે. તમે પોતાના વિષે વધારે પડતું વિચારો છો એટલે તમારા મગજમાં જે ઘટી રહ્યું છે તે અગત્યનું છે.


    જો તમે ઝીણવટપૂર્વક જોશો તો, સૃષ્ટિમાં એવી એક પણ વસ્તુ નથી જેના વિના તમે અસ્તિત્ત્વ ધરાવી શકો. તો હું ઇચ્છું છું કે તમે દરેક વસ્તુને એક માતા તરીકે જુઓ. આજે વૃક્ષ-માતા દિવસ છે, આવતીકાલે પર્વત-માતા દિવસ છે, પછી તમને જન્મ આપનારી માતાનો દિવસ છે. આ દિવસો એટલા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે કારણ કે, લોકો ક્યારેય પોતાની માતા વિષે નથી વિચારતા. સભ્યતાઓ આવી બની ગઈ છે. પણ, જો તમે થોડા વધુ જાગરૂક હશો તો, જો તમે પોતાને આની યાદ આપાવશો અને આ રીતે જોશો કે, “ઓહ, આ વૃક્ષો મને ઑક્સીજન આપી રહ્યા છે. તેઓ મને પ્રત્યેક ક્ષણે સહાય કરી રહ્યા છે.” જો તમે વસ્તુઓને આ રીતે ઓળખશો, તો તમે જ્યાં પણ ચાલશો, બધે જ જાગૃત બનશો.