વાર્તા:

એક શિષ્ય જે છઠ્ઠા ઝેન સંપ્રદાયનો હતો, કાકસી નામના મઠમાં જોડાયો અને ગુરૂના માર્ગદર્શન હેઠળ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.

ગુરૂએ તેને વિશ્વભરમાં જવાનું કહ્યું, તેથી તેમની યાત્રા શરૂ કરી. એક શહેરમાં, બીજા મઠનો એક વિદ્યાર્થી તેમને મળ્યો અને પૂછ્યું, "તમે ક્યાંથી આવો છો?"

"હું કાકસી મઠથી આવું છું જે છઠ્ઠા સંપ્રદાયનો છે," આત્મજ્ઞાની શિષ્યે કહ્યું.

"તમને તે મઠમાં શું મળ્યું?"

શિષ્યે કહ્યું, "ત્યાં એવું કંઈ પણ નહોતું, જે મારી પાસે કાકસીમાં જોડાતા પહેલા ન હતું"

"તો પછી તમે ત્યાં કેમ ગયા?"

"જો હું ત્યાં ન ગયો હોત, તો હું કેવી રીતે જાણી શક્યો હોત કે ત્યાં એવું કંઈ નથી જે મારી પાસે પહેલાં ન હતું."

સદગુરુનો ખુલાસો:

સદગુરુ: આત્મજ્ઞાન એ કોઈ વસ્તુને પકડવાનું નથી. કૂદી પડવું અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનું નથી. એક પર્વતની શિખર પર પહોંચવાનું નથી. તે ફક્ત આત્મજ્ઞાન અનુભવવું છે, બસ.

જ્યારે તમે પહેલેથી જ, જે હાજર હોય એ સત્યનો અનુભવ કરો છો, ત્યારે આપણે તેને અનુભૂતિ કહીએ છીએ. તે એવું જ છે કે તમારી આંખોની સામે હંમેશા કંઈક હતું પરંતુ તમે તેને ચૂકી ગયા, અને હવે અચાનક તમે તેને નોંધ્યું.

તમે અસત્ય બનાવી શકો છો, પરંતુ તમે કોઈ નવું સત્ય બનાવી શકતા નથી. તમે ફક્ત તે જ વસ્તુની શોધ કરી શકો છો જે પહેલેથી જ છે અને તેને અનુભવી શકો છો. આ આત્મજ્ઞાન અથવા મુક્તિ છે.

ફક્ત એવું કંઈક સમજવા માટે કે જેને જ્ઞાન કહેવામાં આવે છે, તમારે કોઈની પાસે જવાની જરૂર છે જેને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું . અન્યથા તમે તમારી જાતે કંઈક કલ્પના કરશો અને માની લેશો કે તમે બધું જ જાણો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે સૌ પ્રથમ એ જાણવું આવશ્યક છે કે આત્મજ્ઞાનનો અર્થ શું છે કે જે તમે જાણતા નથી. સમસ્યા એ છે કે, લોકો સમજી પણ નથી શકતા કે તેઓ જાણતા નથી.

મારા બાળપણની સમસ્યા એ હતી કે મને કોઈ વસ્તુ ખબર ન હતી! જો હું મારા હાથમાં એક પાન લઉ, તો હું તેને જોતા કલાકો સુધી બેસી રહેતો. જો તેઓએ મને ઘરે પીવા માટે એક પાણીનો ગ્લાસ આપ્યો હોય, તો હું ત્યાં પીધા વગર કલાકો સુધી બેસી રહેતો. હું મારા પલંગ ઉપર બેસીને આખી રાત અંધકાર તરફ જોતો હતો. હું હંમેશાં કંઇક અથવા બીજા તરફ એકટક જોતો રહેતો.

જો તમને ખબર છે કે તમે નથી જાણતા, તો તમે જે જાણતા નથી તે જાણવાની ઝંખના શરૂ થશે. હવે, અજાણ્યાને જાણવાની સંભાવના ઉત્પન્ન થશે.

મારી આસપાસના લોકોને વિચાર આવતો કે મને કોઈ પ્રકારની માનસિક સમસ્યા છે. અન્ય લોકોને એવો વિચાર આવતો કે કોઈક ભૂત કે દુષ્ટ આત્માએ મારી પર કબજો કર્યો છે. પરંતુ વાસ્તવમાં, કારણ કે મને કંઈપણ ખબર ન હતી, તેથી હું મારી નજરમાં જે કાંઈ પણ પડ્યું એને જોતો રહેતો. મને વસ્તુઓ વિશે જાણવા માટેની બીજી કોઈ રીત ખબર નહોતી.

પણ, મારી આસપાસના લોકોને એવું લાગતું હતું કે તેઓ બધું જ જાણે છે. અને તેઓ તેમના જ્ઞાનને કારણે સુખી રીતે જીવતા હતા. તેઓ અહીં જે બધું છે તે વિશે અને આંખોને દૃશ્યક્ષમ ન હોય તેવી વસ્તુઓ વિષે પણ જાણતા હતા. તેઓ ભગવાનને જાણતા હતા, તેઓ જાણતા હતા કે સ્વર્ગ શું છે, તેઓ આખા બ્રહ્માંડને જાણતા હતા. મેં લોકોને દેવ-દેવતાઓ સાથે બોલતા હોવાનો દાવો કરતા હોવા વિષે ઘણું સાંભળ્યુ હતું.

ભગવાન સાથે મળ્યા અને વાત કર્યા પછી લોકો સાથે શું થયું અને તેઓએ કેવું વર્તન કર્યું તે જાણવાની મારી રુચિ વધતી જતી. તેથી હું ઘણી વખત મંદિરની બહાર બેઠો રહેતો અને જે લોકો અંદર જતા અને બહાર આવતા તેમના પર નજર માંડીને જોતો રહેતો. પરંતુ મંદિરમાંથી બહાર આવેલા લોકો ફક્ત લોકો વિષે ગપસપ કરવા, અફવાઓ ફેલાવવા અને વાતો સાંભળવામાં જ રસ ધરાવતા હતા.

સાચા ગુરુ કે માસ્ટર પાસે જવાનો હેતુ એવો નથી હોતો કે કઈં નવું પ્રાપ્ત થાય, તે તમારી અંદરની કોઈ વસ્તુની અનુભૂતિ કરવા તેમની સહાય મેળવવા માટે છે, જેના પર તમે ધ્યાન આપ્યું નથી.

ભારતીય મંદિરોમાં, તમારા જૂતાં(પગરખાં) કોઈ બીજા સાથે ચાલ્યા જાય તે સામાન્ય છે. તેથી મેં એવા લોકોને જોયા છે કે જેમણે તેમના જૂતાં ગુમાવ્યા હોય, તેઓએ ભગવાનને ખૂબ જ તીવ્ર રીતે શાપ આપતા હોય છે.

મને એવું લાગ્યું કે જે લોકો ભોજનાલયમાંથી(હોટલોમાંથી) બહાર નીકળતા હોય તેઓ મંદિરોમાંથી બહાર આવતા લોકો કરતાં વધુ ખુશ અને વધુ સંતુષ્ટ દેખાઈ રહ્યા હોય છે. ઈશ્વરીય વિરુદ્ધ ઢોંસા – એ ઢોંસા છે જે હંમેશા જીત્યાં!

તે સમયે મને ખબર ન હતી કે દૈવ્ય શું છે કે દિવ્યતાનું સ્વરૂપ શું છે. અને, મને ઢોંસા પણ પ્રિય હતા. પરંતુ મને ખાતરી હતી કે જે કંઈ પણ સૃષ્ટિનો સ્રોત હોય, તે ઢોંસા કરતા ઘણી મોટી ઘટના હોવી જોઈએ. પરંતુ ખરેખર, તે ઢોંસા જ હતા જેણે લોકોને વધુ પરિપૂર્ણતા આપી.

મને લાગ્યું કે આ પરિસ્થિતિમાં મૂળભૂત રીતે કંઈક ખોટું હતું. મને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે વાસ્તવિકતામાં કોઈને કંઈપણ ખબર ન હતી. તેઓ ફક્ત તેમની કલ્પનાથી સંતોષ મેળવતા હોય છે. તૈયાર સ્પષ્ટીકરણો અને માન્યતાઓને લીધે, મનુષ્ય સ્વીકારવા પણ તૈયાર નથી કે તે જાણતો નથી. ફક્ત જો તમે જાણો છો કે તમે નથી જાણતા, તો તમે જે જાણતા નથી તે જાણવાની ઝંખના શરૂ થશે. હવે, અજાણ્યામાં જાણવાની સંભાવના ઉત્પન્ન થશે.

સાચા ગુરુ કે માસ્ટર પાસે જવાનો હેતુ એવો નથી હોતો કે કઈં નવું પ્રાપ્ત થાય, તે તમારી અંદરની કોઈ વસ્તુની અનુભૂતિ કરવા તેમની સહાય મેળવવા માટે છે, જેના પર તમે ધ્યાન આપ્યું નથી.

મારા માટે જે શક્ય હતું તે તમારા માટે પણ શક્ય છે. તમારા પાડોશી અને તમારા શત્રુ માટે પણ શક્ય છે. તમારે કંઈક નવું મેળવવાની જરૂર નથી.

Editor’s Note: Read this article, where Sadhguru explains what Zen is and how it came to be such an effective means towards the Ultimate.