Mahabharat All Episodes

સદ્‍ગુરુ: દુર્યોધન તેના પિતા ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને ફરિયાદ કરી, "મેં ભીમની હત્યા કરવાના ઘણા પ્રયાસ કર્યા, પણ તે કોઈને કોઈ રીતે  બચી જાય છે." ધૃતરાષ્ટ્રનો શ્વાસ ચડી આવ્યો - તેનો પુત્ર મહેલની અંદર પોતાના પિતરાઈની હત્યા કરવાનાં પ્રયત્નો કરી રહ્યો છે. બંનેની ઉંમર લગભગ સોળ વર્ષ જ હતી. એક દિવસ શકુનીએ દુર્યોધનને સલાહ આપી, "આ પ્રમાણે તો કામ થાય તેમ લાગતું નથી. આપણે ભીમની હત્યાની કોશિશ મહેલની બહાર કરવી જોઈએ, જ્યાં સ્વતંત્રતા વધારે હોવાથી આપણે જે પ્રમાણે ઇચ્છીએ તે પ્રમાણે કરી શકીએ. મહેલની અંદર આપણે ગૂઢ રીતે બધું ગોઠવવું પડે અને તારો ભાઈ ઘણો શક્તિશાળી છે તેથી તેને એ પ્રમાણે મારવો મુશ્કેલ છે." શકુનીએ બોલવાનું ચાલુ રાખ્યું, "વાણી હોવાનો એ ફાયદો નથી કે તમે તમારા બધા વિચારો જાહેર કરી દો, વાણીથી તમે તમારા દિલની વાત છુપાવી પણ શકો છો. ભીમ સાથે દોસ્તી કર, તેને પ્રેમ આપ. તેની સાથે કુસ્તી નહીં લડ - આલિંગન આપ - તેની સામે ઘુરકિયા નહીં કર - તેને સ્મિત આપ. તે મૂર્ખ છે, ભોળવાઈ જશે."

માત્ર સહદેવ, જે બધામાં સૌથી વધુ સમજદાર હતો, તે આ બધાથી ભોળવાયો નહીં. તેણે પોતાનું અંતર જાળવી રાખ્યું.

આવી રીતે દુર્યોધન, જે એક બહાદુર, નિર્ભય, ક્યારેય બે મોઢાની વાત નહીં કરવાવાળો માણસ હતો તે કપટી બની ગયો. તેનામાં હંમેશાથી ઈર્ષા, ધિક્કાર અને ગુસ્સો તો હતાં જ, પણ શકુનીએ તેને કપટની કળા શીખવાડી. તેથી દુર્યોધને પાંચ પાંડવો સાથે દોસ્તી કરી, ખાસ કરીને ભીમ સાથે. સહુને લાગ્યું કે દુર્યૉધન અંતરથી બદલાયો છે, અને તેમને પ્રેમ કરવા લાગ્યો છે. માત્ર સહદેવ, જે બધામાં સૌથી વધુ સમજદાર હતો, તે આ બધાથી ભોળવાયો નહીં. તેણે પોતાનું અંતર જાળવી રાખ્યું.

સહદેવે આ રીતે પોતાનું જ્ઞાન મેળવ્યું હતું: એક દિવસ જંગલમાં તાપણા પાસે બેઠા બેઠા, પાંડુએ તેના પુત્રોને કહ્યું, "આ સોળ વર્ષ હું તમારી માતાથી દૂર રહ્યો એટલું જ માત્ર નહીં, મેં બ્રહ્મચર્યની સાધના પણ કરી છે, જેને કારણે મને અસાધારણ આંતરિક શક્તિ મળવાની સાથે મારી આંતરસૂઝ, દૂરદર્શિતા અને સમજણ પણ ખૂબ વધી ગયા છે. પરંતુ હું ગુરુ નથી. હું નથી જાણતો કે હું આ બધાનો સંચાર તમારામાં કઈ રીતે કરી શકું. પણ તમારે માત્ર એટલું કરવું કે જે દિવસે મારું મૃત્યુ થાય, મારા માંસનો એક નાનો ટુકડો લઈને ખાઈ લેવો, જો તમે મારા માંસને તમારા માંસનો હિસ્સો બનાવી દેશો તો તમે કોઈ પ્રયત્ન વગર એ બધું જ્ઞાન મેળવી લેશો જે મેં મારી સાધનાથી મેળવ્યું છે."

સહદેવનું શાણપણ

જ્યારે પાંડુનું મૃત્યુ થયું અને તેની અંતિમ ક્રિયા થઈ રહી હતી, ત્યારે ઊંડા દુઃખને કારણે બધા જ એ વાત ભૂલી ગયા. માત્ર દુઃખમાં ગરકાવ સહદેવ, જે પાંચ ભાઈઓમાં સહુથી નાનો હતો, તેણે જ્યારે એક કીડીને પાંડુના એક નાના માંસના ટુકડાને તાણી જતાં જોઈ, ત્યારે તેને યાદ આવી ગયું કે તેના પિતાએ શું કહ્યું હતું. તેણે કીડી પાસેથી તે ટુકડો ખૂંચવી લીધો અને ખાઈ લીધો. તેની શકિત અને શાણપણ વધી ગયા. તે રાજાઓની વચ્ચે એક ઋષિ બનીને રહી શક્યો હોત પણ કૃષ્ણએ જોયું કે તેનું ડહાપણ નિયતિનું વહેણ બદલી નાંખશે. તેથી તેમણે મધ્યસ્થી કરી અને એક સમયે સહદેવને કહ્યું, "આ મારો આદેશ છે: તારે ક્યારેય તારું ડહાપણ દર્શાવવાનું નથી. તને કોઈ પ્રશ્ન પૂછે તો તેનાં જવાબમાં તારે તેમને સામે પ્રશ્ન પૂછવાનો."

તે દિવસ પછી સહદેવ દરેક પ્રશ્નના જવાબમાં સામે એવો પ્રશ્ન પૂછતો જે પ્રશ્ન સમજવા જેટલું જ્ઞાન પણ ઘણા ઓછા પાસે હતું. જેને પ્રશ્ન સમજાતો તે એ જોઈ શકતા કે તે કેટલો જ્ઞાની હતો. જેને પ્રશ્ન સમજાતો નહીં તે એવું વિચારતા કે સહદેવ દરેક બાબતમાં માત્ર અસ્પષ્ટતા ઊભી કરવા માંગે છે. એમાંથી "સહદેવનું જ્ઞાન," નામનું એક આખું શાસ્ત્ર ઉભું થયું છે. આજે પણ, દક્ષિણ ભારતમાં, જો કોઈ એવું બતાવવાની કોશિશ કરે કે તે બહુ હોશિયાર છે, તો લોકો કહે છે કે, "તે સહદેવ હોવાનો ડોળ કરી રહ્યો છે." આવું એટલા માટે થયું કે લોકો માનતા હતા કે સવાલોના સ્વરૂપમાં જવાબ આપીને તે હોશિયારી બતાવવાની કોશિશ કરી રહ્યો હતો. પણ હકીકતમાં તે કૃષ્ણના એ આદેશનું પાલન કરી રહ્યો હતો જેમાં કૃષ્ણએ તેને કહ્યું હતું કે તે ક્યારેય પોતાનું જ્ઞાન સામેવાળાને બતાવે નહીં અને સવાલનો જવાબ સવાલથી આપે જેથી તેઓ સમજી નહીં શકે કે તે જવાબ આપી રહ્યો છે સિવાય કે તેઓ પોતે એટલા જ્ઞાની હોય.

એક ઝેરીલી ભૂલ

માત્ર સહદેવ જાણી શકતો હતો કે દુર્યોધનના હૃદયમાં શું છે અને તેણે જોયું કે તેમાં પાંડવો માટે ભારોભાર ઝેર ભરેલું છે. બીજા ચાર ભાઈઓ તો દુર્યોધનથી મોહિત થયેલા હતા. દુર્યોધન તેમની ઉપર ભેટ સોગાતનો વરસાદ વરસાવતો. ભીમને ભેટમાં ખાવાનું સહુથી વધુ પસંદ આવતું. દુર્યોધન તેને જેટલું જોઈએ તેટલું ખાવાનું આપતો. ભીમ એટલો ખાઉધરો હતો કે જેવો તેને ખોરાક પીરસવામાં આવે, તે બધું જ ભૂલી જતો. જે પણ તેને ભોજન આપતું તે તેનું મિત્ર બની જતું. ભીમ હંમેશા ભૂખ્યો જ રહેતો એટલે ખા, ખા અને ખા જ કરતો અને મોટો અને વધારે મોટો થતો જતો.

એક દિવસ દુર્યોધને પિકનિક પર જવાનું સૂચન કર્યું. શકુનીએ સાવધાનીપૂર્વક એક યોજના બનાવી. તે લોકોએ નદી કિનારા પર પ્રમાણકોટી નામની જગ્યા પર તંબુ ઊભા કર્યા. બધા ત્યાં પહોંચ્યા અને ખૂબ પ્રમાણમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું. દુર્યોધન પોતે યજમાન બન્યો. તેણે પાંડવો પાસે જઈ જઈને આગ્રહપૂર્વક પોતાના હાથે ભોજન લેવડાવ્યું. બીજા સહુ મળીને જેટલું ખાઈ શકે તેટલું એકલા ભીમને પીરસવામાં આવ્યું. બધાએ જ વધુ પડતો જલસો કર્યો. નાદાન પાંડવો અભિભૂત થઈ ગયા. માત્ર સહદેવ એક બાજુ પર બેસીને જોતો રહ્યો.

કપટની આ જ રીત હોય છે - તે બધું જરૂર કરતા વધારે કરવાની કોશિશ કરશે.

જ્યારે મીઠાઈ પીરસવાનો સમય આવ્યો ત્યારે ભીમને તે થાળી ભરીને આપવામાં આવી. તેમાં એવું ઝેર મેળવવામાં આવ્યું હતું કે જે ધીરે ધીરે અસર બતાવે. ભીમ બધી મીઠાઈ ખાઈ ગયો. પછી તેઓ સહુ નદીએ ગયા. તેઓ નદીમાં તર્યા અને આસપાસ રમ્યા. એ દરમ્યાન ભીમ પાણીમાંથી બહાર આવ્યો અને નદીના કિનારે આડો પડ્યો. બીજા બધા વધુ આનંદ માટે અને વાર્તાઓ કહેવા તંબુમાં પાછા ફર્યા. થોડા સમય પછી દુર્યોધન ફરી પાછો નદીએ ગયો અને તેણે ભીમને અર્ધ બેભાન જોયો. તેણે ભીમના હાથ અને પગ બાંધી દીધા અને નદીમાં સરકાવી દીધો. ભીમ ડૂબ્યો તે એ જગ્યા હતી જેમાં ખૂબ બધા ઝેરી સાપ હતા.

તે બધા સાપો ભીમને ઘણી વખત કરડ્યા અને તેમનું ઝેર પેલા ઝેરનું મારણ બન્યું જે તેના શરીરમાં પહેલેથી જ હતું. દક્ષિણ ભારતના સિદ્ધ વૈદોમાં આ સર્વ વિદિત જાણકારી છે, જેમાં ઝેરનો ઉપચાર ઝેરથી કરવામાં આવે છે, જે આધુનિક ઉપચાર પદ્ધતિમાં રસી તરીકે ઓળખાય છે. જ્યારે વિષમારણ યોગ્ય માત્રામાં થયું ત્યારે ભીમ પુન: જાગૃત થઈ ગયો. જ્યારે સાપોએ આ જોયું ત્યારે, તેઓએ તેને પોતાનો ગણીને સ્વીકારી લીધો. નાગરાજ, વાયુના પુત્ર ભીમને બાજુએ લઈને ગયા અને કહ્યું, "જો તને ઝેર આપવામાં આવ્યું છે. સારા નસીબે તેઓએ તને નદીમાં સરકાવી દીધો. જો તે લોકોએ તને નદી કિનારે છોડી દીધો હોત તો હમણાં સુધીમાં તારું મૃત્ય થઈ ચૂક્યું હોત."

કપટની આ જ રીત હોય છે - તે બધું જરૂર કરતા વધારે કરવાની કોશિશ કરશે. તે લોકો ભીમને નદીના કિનારે મરવા માટે છોડી શક્યા હોત, પણ તેઓ કોઈ કચાશ રાખવા નહોતા ઇચ્છતા, તેથી દુર્યોધને તેને નદીમાં સરકાવી દીધો, પરંતુ પરિણામ દુર્યોધન ઈચ્છતો હતો તેનાથી તદ્દન વિપરીત આવ્યું. નાગ લોકોએ ભીમને કહ્યું, "અમે તને એવું અમૃત આપીશું જેના વિષે અમારા સિવાય કોઈને જાણકારી નથી." અને તેમણે જુદા જુદા ઝેર, પારો અને વિવિધ જડીબુટ્ટીઓનું મિશ્રણ તૈયાર કર્યું. આજે દક્ષિણ ભારતમાં તે નવ પાશના અથવા નવ ખતરનાક ઝેરના મિશ્રણ તરીકે ઓળખાય છે, અને દવા તરીકે ઉપયોગમાં લેવાય છે.

નવ પાશના બનાવવાનું કામ ખૂબ જ સાવધાની પૂર્વક કરવું પડે છે, કોઈ વસ્તુનું એક વધારાનું ટીપું કે કોઈ વસ્તુનું જરા જેટલું ઓછું પ્રમાણ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે. તે લોકોએ કુશળતાપૂર્વક રસાયણ તૈયાર કર્યું અને ભીમને આપ્યું. તે પીધા પછી ભીમની શકિત માનવીય મર્યાદાઓથી અનેક ગણી વધી ગઈ. આ સમય દરમ્યાન બીજા ચાર ભાઈઓના ધ્યાનમાં આવ્યું કે ભીમ નથી અને તેઓ વિહવળ થઇ ગયા. તેમને સમજાઈ ગયું કે તેમને છેતરવામાં આવ્યા છે, પરંતુ તેઓ સ્પષ્ટરુપે કશું કહી શકે તેમ ન હતા કારણ કે દુર્યોધન પોતે એવું દર્શાવી રહ્યો હતો કે તેનું દિલ તૂટી ગયું છે. તે આમ તેમ દોડીને ભીમને શોધવાનો દંભ કરતા રડી રહ્યો હતો, "મારો પ્રિય ભાઈ ક્યાં છે, મારો એક માત્ર સાથીદાર?" સહદેવે કહ્યું, "તેમણે ભીમને મારી નાખ્યો છે.” તેમને ખ્યાલ આવી ગયો કે કૌરવો તરફથી ભેટ અને ભોજન આપીને તેમને છેતરવામાં આવ્યા હતા અને તેને કારણે આજે તેમણે ભાઈ ખોઈ દીધો હતો, શરમથી ઝુકી ગયેલા માથે ચારેય પાંડવો મહેલમાં પાછા ફર્યા. તેમણે માતાં કુંતીને કહ્યું કે શું બન્યું હતું.

ભીમ પાછો ફરે છે

કુંતી બેઠી અને ત્રણ દિવસ માટે ધ્યાનમાં ડૂબી ગઇ. પછી તેણે કહ્યું, "મારો પુત્ર ભીમ મર્યો નથી. તેને શોધો." ચાર ભાઈઓ મિત્રો સાથે મળીને જંગલ ખૂંદી વળ્યા, નદીમાં ડૂબકી મારી - તેઓ દરેક જગ્યાએ શોધી વળ્યા પરંતુ ભીમ ન મળ્યો. છેવટે તેઓએ પ્રયાસ છોડી દીધા. કુંતીને પોતે ધ્યાનમાં ભીમને જીવતો જોયેલો તે દ્રશ્યો વિશે વહેમ પડવા લાગ્યો, અને તેમણે ભીમને માટે મરણનાં ચૌદમાં દિવસે કરવામાં આવતી વિધિઓની તૈયારી કરવા માંડી. દૂર્યોધને ભીમની યાદમાં વિધિ માટે ઘણા મોટા પાયે આયોજન કર્યું. તેણે રસોઈયા રાખીને ચૌદમા દિવસે શોક તોડવા માટે ખૂબ ખાવાનું બનાવડાવ્યું, જે તે સમયની પ્રથમ હતી. અંતરથી તો તે ઉત્સવ ઉજવતો હતો - પણ બહારથી તે શોક મનાવતો હતો.

પાંચ ભાઈઓ સાવધ થઈ ગયા, અને સ્વ બચાવની તૈયારીઓ પણ કરવા લાગ્યા, તેમના માણસો બહારથી મહેલમાં આવવા લાગ્યા.

પછી ભીમ મહેલમાં પાછો ફર્યો, તેના ભાઈઓ અને માતાની ખુશીનો પાર ના રહ્યો . દુર્યોધન અને તેના ભાઈઓ આ માની ન શક્યા, અને શકુની ભયભીત થઈ ગયો. તે સમજી નહોતો શકતો કે ભીમ જીવિત હતો કે આ તેનું ભૂત હતું. ભીમ ક્રોધાવેશમાં આવીને જવાબ માંગવામાં હતો કે વિદુરે આવીને તેમને સલાહ આપી, "તમારા દુશ્મનોને ઉઘાડા પાડવા માટે આ યોગ્ય સમય નથી. હમણાં, તેઓ આવું ગુપ્ત રીતે કરે છે, તેનો અર્થ છે તમારી પાસે હજુ સલામત સ્થળ છે. જો તમે દુશ્મનાવટ દેખાડશો તો તેઓ સીધા મહેલમાં જ તમારી હત્યા કરશે. તમે માત્ર પાંચ છો. તેઓ એક સો પૂરા અને સાથે તેમનું લશ્કર છે."

ભીમ અને તેના ભાઈઓએ ગુસ્સાને કાબૂમાં લઇ લીધો. ચૌદ દિવસ નાગલોકમાં રહ્યા પછી, અને અમૃત પીધા પછી ભીમ વધુ બળવાન બની ગયો હતો, પરંતુ તેને કારણે તેને વધુ પડતી ભૂખ પણ લાગતી હતી. ભીમે જ્યારે જોયું કે પોતાને મૃત ધારીને ઘણા મોટા પ્રમાણમાં ભોજન બનાવવાની જે તૈયારી તેમણે કરી હતી, તે મહેનત તેને જીવતો પાછો ફરેલો જોઈ, પડતી મૂકી દીધી છે, ત્યારે તેણે એક કઢાઈ લઈને બધા સુધારેલા શાકને તેમાં નાખીને એક વાનગી તૈયાર કરી. આર્ય પરંપરામાં એ માન્યતા હતી કે અમુક શાક ભેગા નહીં કરવાનાં, પણ તેણે બધા જ શાક ભેગા કરીને એક નવી જ વાનગી તૈયાર કરી, જે આજે પણ દક્ષિણ ભારતના અમુક હિસ્સાઓમાં અતિ લોકપ્રિય છે, જ્યાં તે અવિયલ નામથી ઓળખાય છે, જેનો મતલબ મિશ્રણ થાય છે.

બેઉ પક્ષો વચ્ચે દુશ્મની વધતી ગઈ. પાંચ ભાઈઓ સાવધ થઈ ગયા અને પોતાના બચાવ માટે તૈયારી શરૂ કરી દીધી, મહેલમાં તેમના માણસો આવી ગયા. જ્યાં સુધી તેમને મહેલમાં ચાલી રહેલા છળ કપટની જાણકારી ન હતી - તેઓ કુમારોની જેમ વર્તી રહ્યા હતા. પરંતુ હવે તેઓ રાજ્ય મેળવવાની ગંભીર લડતમાં દાખલ થઈ ચૂક્યા હતા.

ક્રમશ: