સદગુરુ: નાનપણથી જ મારા મનમાં એક પર્વતના શિખરની છાપ હતી, મારી આંખો ખુલ્લી હોય કે બંધ, એ શિખર મારી સામે જ રહેતું. હું સોળ વર્ષનો થયો ત્યાં સુધી હું એમ જ વિચારતો કે દરેક વ્યક્તિના મનમાં એક એક શિખરની છબી રહેલી હોય છે. સોળ વર્ષની વયે જ્યારે મે મારા મિત્રો સાથે આ વિષયે વાતચીત કરી ત્યારે એ લોકોને લાગ્યું કે હું ગાંડો છું અને ત્યારથી જ મારી એ શિખરને શોધવાની યાત્રાની  શરૂઆત થઈ.

 

હું મહિનાઓ સુધી કર્ણાટક અને કેરળના પશ્ચિમ ઘાટના પર્વતોમાં ભમતો રહ્યો. પછી તો એ શિખરને શોધવા માટે હું મોટરસાઇકલ લઈને છેક કારવારથી લઈને કન્યાકુમારી સુધી અગિયાર વખત ફર્યો. છતાં પણ જ્યારે મને એ ન મળ્યો તો મેં હિમાલય આવવાનું શરૂ કર્યું. ત્યારે હું ઓગણીસ વર્ષનો હતો. પણ જેવા મે આ પર્વતોને જોયા તેવું જ મને સમજાઈ ગયું કે આ એ નથી જે હું શોધી રહ્યો છું. કારણ કે, મારા મનમાં જે છબી હતી તેનું કુદરતી દ્રશ્ય કઈ અલગ જ હતું.

ઘણા બધા વર્ષો પછી દક્ષિણ ભારતમાં જ્યાં મે એ પર્વતને જોયો, બરોબર ત્યાં જ આજે ઈશા યોગ કેન્દ્ર ઊભું છે. હું પર્વતોનો માત્ર એક ચાહક જ નથી, હું તેમનો દાસ છું. પર્વતો વગર હું કોઈ પણ રીતે જીવી શકું જ નહીં.

 

રસ્કિન બૉન્ડ: આમ તો આપણે બંને જણા પર્વતોના દાસ છીએ. હું જો એક અઠવાડીયા માટે પણ જો પર્વતોથી દૂર જાઉં તો મને પાછા ફરવાનું ખેચાણ અનુભવાય છે. મને કાયમ પાછા આવવું હોય છે કારણ કે, એક વાર પહાડો તમારા લોહીમાં ભળી જાય પછી એ બહાર નથી નીકળી શકતા.

Sadhguru with Ruskin Bond at the Dehradun Literature Festival

 

હું સદગુરુને જાણતો થયો એના પહેલાથી જ મારા પૌત્રો એમના વિષે જાણતા હતા. એ બંને છોકરાઓ કાંઈ બહુ આધ્યાત્મિક નથી . મને થતું કે આ વ્યક્તિમાં એવું તે શું છે કે તે આ છોકરાઓને આકર્ષે છે? અને તેઓ કહેતા, “એ મોટરસાયકલ ચલવે છે.” તો, તમે તમારા મોટરસાયકલ પરના દિવસો વિષે કઈ કહેશો?

સદગુરુ: થોડા સમય પહેલા મને કોઇકે કહ્યું કે, ચેક(czech) દેશની મોટરસાઇકલ ‘જાવા’- એ ભારત આવી રહી છે. મેં એક વાર ‘જાવા’ બાઇક જે રીતે વાપરી હતી એ રીતે કોઈએ પણ નહીં વાપરી હોય. દર વર્ષે હું લગભગ ૫૫ થી ૬૦,૦૦૦ કિલોમીટર જેટલી બાઇક ચલવતો. સાત વર્ષ સુધી હું મોટરસાઇકલ પર જ જીવ્યો છું.

 

હું આખું ભારત ખૂંદી વાળ્યો છું. મારે કોઈ ચોક્કસ જગ્યાએ નહોતું જવું પણ મને આ ભૂમિ જોવાની ખૂબ ગમતી. મારે માટે વિચારો હંમેશા દ્રશ્યોમાં જ ચાલે છે, હું કદી શબ્દોમાં વિચારતા શીખ્યો નથી. હું એ હદ સુધી પ્રાથમિક તબક્કાનો છું! તો બસ મારે ખાલી આ ધરતીની ભૂગોળને જ જોવી’તી, એના નાનામાં નાના ભાગને જોવા’તા.

થોડા વર્ષો પહેલા હું હિમાલયના આ ભાગમાં ફરીથી આવ્યો. હું ગાડી ચલાવતો હતો, કોઈએ મને ખૂબ જ ઝડપથી ભાગે એવી ગાડી આપી હતી ને હું કલાકના ૧૫૦-૧૬૦ કિલોમીટરની ઝડપે પહાડો પર ગાડી ચલાવતો. લોકો કહેતા, “સદગુરુ તમે તમારી જાતને મારી નાખશો.” હું તેમને કહેતો, “આ રસ્તાઓનો દરેકે દરેક વળાંક મારા મગજમાં અંકાયેલો છે, હું ખરેખર આખો બંધ કરીને પણ ગાડી ચલાવી શકું છું.”

આ પ્રવાસોનો સમયગાળો મારા જીવનનો સૌથી કીમતી ભાગ હતો કારણ કે મેં કોઈ પણ પ્રકારના ઉદ્દેશ વગર પ્રવાસ કર્યો છે. મેં જે કાંઈ વાચ્યું એ પણ કોઈ ઉદ્દેશ વગર વાચ્યું. જ્યારે હું નાનો હતો ત્યારે મેં મારા સ્કૂલના ચોપડાઓને મારી પ્રિય નવલકથાઓ ખરીદવા માટે વેચી કાઢ્યા હતા, પરીક્ષાઓ આવે ત્યાં સુધી મારી પાસે પાઠ્યપુસ્તકો હોતાં જ નહીં ! અત્યારે અહીં જ્યારે આટલા બધા છોકરાઓ બેઠા છે ત્યારે આ વાત કહેવી કદાચ યોગ્ય ન ગણાય !

Ruskin Bond in conversation with Sadhguru at Dehradun Literature Festival

રસ્કિન બૉન્ડ: હું જ્યારે દેહરદૂનમાં ઉછરતો હતો ત્યારે બાયસીકલોનો સમયગાળો હતો. દરેક પુરુષ અને છોકરાઓ પાસે બાયસીકલ રહેતી. ત્યારે ગાડીઓ અને મોટરસાયકલો બહુ ઓછા દેખાતા. અમારામાંનાં મોટેભાગના સાયકલો પર જ ફરતા. હું વારંવાર પડ્યા કરતો તેથી મેં બધે ચાલતા ચાલતા જ જવાનું શરૂ કર્યું. હું આખા શહેરમાં ચાલતા ચાલતા જ ફરી વળતો. લોકો મને ‘રોડ ઈન્સ્પેકટર’ કહેતા. એ સાયકલનો જમાનો હતો.

અત્યારે અહી એક પણ સાઇકલ જોવા નહીં મળે. આજના ટેક્નોલૉજીના યુગમાં છોકરાઓ બહુ બધા અવરોધો સાથે ઉછરી રહ્યા છે. લોકો કહે છે કે તેઓ વાંચતા નથી, છતાંય હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું જેઓ વાંચે છે, અને ઘણા બધા યુવાનો જે લખે પણ છે.

સદગુરુ: ટેકનૉલોજી એ કાંઈ ખરાબ વસ્તુ નથી. પણ કમનસીબે લોકો એવી વાતો કરે છે કે જાણે ટેક્નોલૉજી આપણાં જીવનને નુકસાન પહોચાડી રહી હોય. કોઈ પણ વસ્તુનો જવાબદારી વગર કરેલો ઉપયોગ આપણાં જીવનને નુકસાન પહોચાડે છે. માત્ર ટેક્નોલૉજી જ એક નથી. મારા અને તમારા નાનપણમાં આપણે શારીરિક રીતે આજકાલના બાળકો કરતાં વધારે પ્રવૃત્ત(એક્ટીવ) રહેતા. આપણને જે ખાવું હોય, જેટલું ખાવું હોય એ ખાતા છતાંય આપણે પાતળા જ રહેતા. ત્યારે એટલી બધી પ્રવૃત્તિઓ રહેતી કે કોઈ છોકરા કે છોકરીના જાડા થવાનો પ્રશ્ન જ નહોતો રહેતો.

મને લાગે છે કે આજકાલના બાળકોના ઉછેરમાં જો કોઈ મોટામાં મોટી ઉણપ રહેલી છે તો એ એ છે કે, બાળકો આપણી આસપાસના બાકી વિશ્વ જેવા કે ઝાડપાન,પ્રાણીઓ, જીવજંતુઓ કે સરિસૃપોના જીવન સાથે સંકળાયેલા જ નથી. કોઈ પણ રીતે નહીં. માત્ર એમ જ મોટા થઈ જવું અને દરેક વસ્તુ આપણાં માટે જ છે એમ વિચારવું એ માણસજાત માટે સારી બાબત નથી.  

 

કમનસીબે ધાર્મિક ઉપદેશો દ્વારા અમુક વાતો માનવમનમાં મુકાતી રહેવાઈ છે જેવી કે, માનવજાત એ ભગવાનની સમકક્ષ છે અને આપણી આસપાસના દરેક જીવ આપણી ચાકરી કરવા માટે છે જે એકદમ વિનાશક વિચાર છે કે જે આખેઆખી માણસજાતના મગજો ઉપર છવાઈ ગયો છે.

મેં જંગલોમાં ખૂબ સમય કાઢ્યો છે. ઘણી વાર તો અઠવાડિયાઓ ના અઠવાડિયાઓ સુધી હું કોઈ પણ બાહ્ય મદદ વગર એકલો રહેતો. દરેક જીવજંતુ- નાનકડી કીડીથી માંડીને પ્રાણીઓ, પક્ષીઓ સુદ્ધાં પોતાનું એક સંપૂર્ણ આયુષ્ય ધરાવે છે. મને નથી લાગતું કે એ લોકો આપણાં વિષે વિચાર પણ કરતાં હોય.

રસ્કિન બૉન્ડ: આજકાલના બાળકોને કદાચ આપણી આસપાસની ખુલ્લી જગ્યાઓ પૂરતા પ્રમાણમાં નથી મળી રહી.

સદગુરુ: બાળકો આપણી આસપાસના અન્ય જીવોના જીવનોથી થોડાક પણ માહિતગાર નથી, કુદરત સાથે સહેજ પણ સંપર્ક નથી. માત્ર ઉપરછેલ્લું જોડાણ રહેલું છે. આપણી શાળાઓએ આ બાબતની કાળજી લેવી જ જોઈએ. આ કાંઈ પર્યાવરણ જાગરુકતા વિષે નથી.તમે તમારી આસપાસના દરેક જીવનને એ રીતે જુઓ કે તેને આ ગ્રહ ઉપર જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. તેઓ આપણાં કરતાં ઘણા પહેલેથી અહીં અસ્તિત્વ ધરાવે છે. જે તમારી માવતાને ખીલવવા માટે ઘણું જ અગત્યનું છે.