ઇંટરમીટંટ ફાસ્ટિંગ – નિયમિત અંતરાલ રાખી યોગ્ય રીતે ઉપવાસ કરો.

વજન ઘટાડવા અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત અંતરાલ રાખી ઉપવાસ કરવો એ એક ખૂબ જ લોકપ્રિય અભિગમ બની ગયો છે. સદ્‍ગુરુ સમજાવે છે કે કઈ રીતે હંમેશથી તે યોગિક સંસ્કૃતિનો ભાગ રહ્યો છે અને આરોગ્ય માટે તેનો મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય.
ઇંટરમીટંટ ફાસ્ટિંગ – નિયમિત અંતરાલ રાખી યોગ્ય રીતે ઉપવાસ કરો.
 

પ્રશ્નકર્તા: ભારતમાં પ્રાચીનકાળથી શુભ દિવસોએ ઉપવાસ રાખવાની પ્રથા છે, પરંતુ ઘણા ભારતીયો માને છે કે તે અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે. હવે, ઉપવાસ દરમિયાન શરીર દ્વારા પ્રેરિત થતા સ્વયંભુ પોષણ (ઑટોફજી) પર થયેલા સંશોધનને નૉબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તમારું આ ઈંટરમીટંટ ફાસ્ટિંગ વિષે શું માનવું છે?

સદ્‍ગુરુ: હું આ વિશે ચાલીસ વર્ષથી વાત કરી રહ્યો છું અને મેં સેંકડો અને હજારો લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત બનતા જોયા છે તેનું એક માત્ર કારણ એ છે કે તેઓ બધા સમય શરીરને ઇંધણ (ખોરાક) નથી આપ્યા કરતા, તે પણ ત્યારે, જ્યારે તેમની ટાંકી(પેટ) પહેલાથી ઉભરાઈ રહી હોય. ઇશા યોગ કેંદ્રમાં, દરેક વ્યક્તિ સવારે 10 વાગ્યે અને પછી સાંજે 7 વાગ્યે જમે છે. અહીં અમારા જીવન શારીરિક રીતે ખૂબ સક્રિય છે. આશ્રમ એક વિશાળ જગ્યા છે અને આશ્રમની અંદર કોઈ વાહન નથી તેથી દરેક વ્યક્તિ ચાલતા ચાલતા કે સાઇકલ ઉપર અવર જવર કરે છે. જો તમારે ડાયનિંગ હૉલમાં જવું હોય તો પણ તમારે એક કિલોમીટર ચાલવું પડે છે. જો તમે તમારા કાર્યસ્થળ પર જવું હોય, તો પણ અડધોથી એક કિલોમીટરનું ચાલવાનું થઇ જાય છે, તેથી લોકો આખો સમય શારીરિક રીતે સક્રિય રહે છે. સાંજે 3:30 કે 4 વાગ્યા સુધીમાં, દરેક વ્યક્તિ ખૂબ ભૂખી થઈ જાય છે. પરંતુ અહીં બધાએ તેની સાથે જીવવાનું શીખી લીધું છે કારણ કે ખાલી પેટ રાખવું એ સારી વસ્તુ છે.  

ઇંટરમીટંટ ફાસ્ટિંગના ફાયદા 

ઇંટરમીટંટ ફાસ્ટિંગ એ એક નવું નામ છે. યોગ વિજ્ઞાનમાં અનુભવ દ્વારા અમે એને જાણીએ છીએ, આજે આધુનિક વિજ્ઞાન પણ તેની સાથે સહમત થઈ રહ્યું છે. જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે જ તમારું શરીર અને તમારું મગજ તેમનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. અમે હંમેશાં તે સુનિશ્ચિત કરીએ છીએ કે અમે એવી રીતે ખાઇએ છીએ કે અમે ગમે કેટલું ખાઈએ,  અમારું પેટ હંમેશાં બે થી અઢી કલાકમાં  ખાલી થઈ  જાય છે. શરીરમાં થતા કોઇપણ સુધારા અને શુદ્ધિકરણ માટે તમારું પેટ ખાલી હોવું જરૂરી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહિંતર, શરીરનું કોષિકાઓના સ્તર પર શુદ્ધિકરણ થશે નહીં. તમે વસ્તુઓનો ઢગલો કરો છો અને પછી તમારે બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એનાથી સૌ પ્રથમ તમારા શરીરમાં નિષ્ક્રિયતા વધશે. નિષ્ક્રિયતાના ઘણા પ્રકાર છે, પરંતુ એક જે તમે સમજી શકો છો તે છે ઊંઘ. જે માત્રામાં તમને ઊંઘની જરૂર પડે તે નિષ્ક્રિયતા છે.

જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે જ તમારું શરીર અને તમારું મગજ તેમનું શ્રેષ્ઠ કાર્ય કરે છે.

બધા અમેરિકન ડૉકટરો કહે છે કે તમારે ઓછામાં ઓછા સાતથી આઠ કલાક સૂવું જોઈએ. એનો અર્થ એ કે તમે તમારા જીવનનો ત્રીજો ભાગ ઊંઘવામાં પસાર કરો છો. બીજા ત્રણ-ચાર કલાક સ્નાન, શૌચ, ખાવા અને અન્ય વસ્તુઓ માટે ખર્ચવામાં આવે છે, તેથી વાસ્તવિક રીતે તમારા જીવનનો પચાસ ટકા ભાગ ફક્ત જાળવણીનાં કામકાજમાં પસાર થાય છે. ધારો કે તમારી પાસે મોટરસાયકલ અથવા કાર છે, અને જો તમારે તેની મહિનામાં એક દિવસ સર્વિસ કરાવવી પડે, તો તે ઠીક છે. પરંતુ જો તમારે મહિનામાં પંદર દિવસ સર્વિસ કરાવવી પડે, તો આ એક ત્રાસ છે, તેવું નથી? મોટાભાગના લોકોએ તેમની સિસ્ટમને ત્રાસરૂપ બનાવી દીધી છે. તેમનું પોતાનું શરીર તેમના જીવનમાં એક મોટો અવરોધ બની ગયું છે. તેમનું શરીર તેમને એ નથી કરવા દેતું જે કરવાની તેમની ઈચ્છા છે.

આના ઘણા પાસાં છે, પરંતુ એક અગત્યનું પાસું એ છે કે લોકો જરૂરિયાત કરતાં વધુ ખાઈ રહ્યા છે, ફક્ત એટલા માટે કારણ કે તેમને કહેવામાં આવ્યું છે કે, “તમારે વધારે ખાવું જ જોઇએ; નહીં તો તમે નબળા પડી જશો." આજે સૌ કોઈ ઓછા બળતણમાં વધુ અંતર કાપતી કાર બનાવવા તરફ ધ્યાન આપી રહ્યું છે. આનો અર્થ એ છે કે જો મશીન સરળતાથી ચાલે છે, તો તે ઓછા બળતણનો વપરાશ કરશે. જો તમે અહીં બેસો છો અને તમે ખૂબ આરામમાં છો, તો હવે તમારું શરીર ઓછી ઊર્જાનો વપરાશ કરશે. જો તમે આરામમાં ન હો, તો પછી શરીર વધુ ઊર્જાનો વપરાશ કરશે, તે તમને ખાવા માટે પ્રેરિત કરશે અને આમ ખાવાની ક્રિયા ફરજિયાત થતી જશે.

ઇંટરમીટંટ ફાસ્ટિંગની યોજના 

જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ છે, તો દિવસમાં બે વખત સારું ભોજન પૂરતું હશે - એક વખત સવારે અને એક વખત સાંજે. તમારે સૂવાના ત્રણ કલાક પહેલા સાંજનું ભોજન લઇ લેવું જોઈએ. તેમાં જો તમે ઓછામાં ઓછી 20 થી 30 મિનિટની હળવી કસરતનો સમાવેશ કરી શકો - જેમ કે સામાન્ય ચાલવા જવું - તો આનાથી શરીર ઘણું સ્વસ્થ રહેશે. 

તમારા શરીર નો પ્રત્યેક કોષ સ્વસ્થ રહવા માટે  રચાયો છે. તમારા સિવાય દરેકેદરેક કોષ, શરીર સ્વસ્થ રાખવા પુષ્કળ મહેનત કરે છે.

યોગમાં, બે ભોજનની વચ્ચે ઓછામાં ઓછા આઠ કલાકનાં અંતરની ભલામણ કરવામાં આવે છે. જો તમે આમ કરો, તો તમે જોશો કે, તમારાં સ્વાસ્થ્યને લગતી જેટલી સમસ્યાઓ છે, તેમાંની ઓછામાં ઓછી પચાસ ટકા સમસ્યા છ અઠવાડિયાના સમયમાં દૂર થઈ જશે. જો તમે થોડી યોગિક પ્રક્રિયાઓ,અને થોડું ધ્યાન કરો છો, તો તમે જોશો કે તમારી નેવું ટકા સમસ્યાઓ દૂર થઈ જશે. જો દસ ટકા હજી પણ રહી જાય, તો આપણે તેની સારવાર કરી શકીએ છીએ.

તમારે જોવું જોઈએ કે અમેરિકામાં લોકો અમારા કાર્યક્રમોમાં કેવી રીતે હાજરી આપે છે. અમારા કાર્યક્રમો દસ થી બાર કલાક ચાલે, તેથી તેઓ કેટલાક બિસ્કીટ અને કંઈક બીજું ખાવાનું લઈને આવે. તેઓ કહે છે, “મને શુગર ઇનટોલરંસ છે. મારે ખાવું જ પડશે.” હું તેમને કહું, "તમે અહીં રહો, તમે મરી નહિ જાઓ." હું તે સુનિશ્ચિત કરીશ કેમ કે હું એવું નહિ ઈચ્છું કે કોઈનું મૃત્યુ મારા હાથમાં થાય! પહેલા દિવસે તેઓ કહે, “ના, ના, ના, મારે ખાવું છે.” ત્રીજા દિવસ સુધીમાં, તેઓ એ બધું છોડી દે અને વચ્ચે કશું ખાધા વિના બાર કલાક બેસે અને સંપૂર્ણપણે ઠીક રહે.

આરોગ્ય એ એવી વસ્તુ નથી જે તમે બહારથી મેળવી શકો. સ્વાસ્થ્ય એવું છે જે તમારે અંદરથી કેળવવાનું છે. જ્યારે કંઇક ખોટું થાય ત્યારે તમે બહારથી મદદ લઈ શકો છો, પરંતુ જો બધો સમય તમારી સાથે કંઈક ખોટું થાય છે, તો આનો અર્થ એ કે તમે ખામીયુક્ત મશીન છો. હવે હેલ્થકેર સિસ્ટમ એ રીતની થઈ ગઈ છે - ખાસ કરીને જ્યાં ભારે વીમા પોલિસી હોય છે - લોકો તમામ પ્રકારનો કચરો ખાતા-પીતા હોય છે અને પછી ડૉક્ટર પાસે જઈને કહે છે કે, "મને ઠીક કરો!" આમ ઠીક ન થવાય. તમારા શરીરમાં દરેકેદરેક કોષ આરોગ્ય બનાવવા માટે રચાયો છે. તમારા સિવાય સ્વાસ્થ્ય બનાવવા માટે દરેકેદરેક કોષ પુષ્કળ મહેનત કરે છે.