સીધા સાદા દેખાતાં કેળાં પૃથ્વી પરનાં સૌથી રસપ્રદ ફળોમાંનાં એક છે. શું તમે જાણો છો, હકીકતમાં, વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ, કેળા એ ખરેખર એક બૅરી છે, જે નાનાં નાનાં અનેક ઠળિયાવાળું ફળ છે અને કેળાનું ઝાડ એ ઝાડ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી ઔષધિ છે?

સૌ પ્રથમ વખત ૭૦૦૦ વર્ષ પૂર્વે ઉગાડાયેલાં કેળા, ફળોમાં વિશ્વનો સૌથી મોટો પાક છે અને ઘઉં, ડાંગર અને મકાઈ પછી ચોથા ક્રમનું સૌથી મોટું ઉત્પાદન છે. એક વર્ષમાં ૧૦૦ અબજથી વધુ કેળા ખવાય છે, આ પૌષ્ટિક ફળે વિશ્વમાં દરેકની થાળીમાં પોતાનું સ્થાન જમાવ્યું છે, અને તે સ્વાભાવિક છે. આ રહ્યાં કેળા ખાવાના ફાયદાઓ:

#૧. "રોજ એક સફરજન ખાઓ ડૉક્ટરને દૂર રાખો”

શું તમે જાણો છો કે પહેલાંના સમયની અંગ્રેજીમાં "ઍપલ" શબ્દ "ફળ"નાં અર્થમાં વપરાતો હતો? ફળો સમતોલ આહારનો અનિવાર્ય હિસ્સો છે અને સૌથી સરળતાથી ઉપલબ્ધ હોવા સાથે વિશ્વમાં વ્યાપકપણે  પ્રમાણમાં ખવાતું ફળ છે. કેળા મહત્વના પોષક તત્વોથી ભરેલા છે જે સ્વસ્થ શરીર અને મગજ, બન્ને માટે જરૂરી છે. પોટૅશિયમનો ઉત્તમ સ્ત્રોત હોવા સાથે સાથે જ, કેળાં આપણને ઘણા સૂક્ષ્મ જૈવિક-પોષકતત્વો જેવા કે વિટામીન A, વિટામિન C, વિટામિન B6, લોહતત્વ, મૅગ્નેશિયમ અને સોડિયમ પણ પૂરાં પડે છે.

તાજા ફળો ખાવાની ભલામણ યોગી, સિદ્ધો અને આરોગ્ય તથા ચિકિત્સાની પરંપરાગત પદ્ધતિઓના વૈદ્યો દ્વારા સદીઓથી કરવામાં આવી છે. આ અહેવાલમાં સદ્‍ગુરુ સમજાવે છે કે ફળો ખાવાથી તમારી તંદુરસ્તી અને મગજ પર કેવી ચમત્કારી અસર થઈ શકે છે, અને આ ગ્રહ માટે તે પણ સારું છે.

કેળાં ઈશા યોગ કેન્દ્રમાં પીરસવામાં આવતાં લગભગ દરેક ભોજનનો ભાગ છે. સ્થાનિક બજારમાં ઉપલબ્ધ કેળાની વિવિધ જાતોમાંથી, આ રહી પીરસવામાં આવતી સૌથી સામાન્ય જાતો.

  • ગ્રાન્ડ નાઇન
  • કર્પુરવલ્લી
  • નેંદ્રન
  • પચ્ચનાદન
  • પૂવન
  • લાલ કેળા
  • રસ્થાલી
  • રોબુસ્તા
  • મોન્દન કેળા

#૨. તમારાં આંતરડાને સ્વચ્છ રાખીને સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરો.

આયુર્વેદમાં, એક સ્વચ્છ આંતરડું સામાન્ય આરોગ્ય માટે સૌથી આવશ્યક ઘટક માનવમાં આવે છે. કેળામાં ખૂબ પ્રમાણમાં રેસા રહેલા હોવાથી રોજના ભોજનમાં તેનો સમાવેશ કરવાથી તમારા પેટની સફાઈ નિયમિત રીતે થાય તે સુનિશ્ચિત કરે છે.  હાર્વર્ડ વિશ્વવિદ્યાલયનો આ લેખ વર્ણવે છે કે નિયમિતપણે પેટ સાફ થાય તે એક સ્વસ્થ પાચન તંત્રની નિશાની છે. તેમજ તે અતિસાર(ઝાડા) અને કબજિયાત, બન્ને સમસ્યાઓને અટકાવે છે. અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે પેટની અનિયમિત સફાઈ કઈ રીતે માનસિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર રીતે નકારાત્મક અસર પાડી શકે છે. આંતરડું સ્વચ્છ રાખવાના ફાયદાઓ સ્પષ્ટ છે, પરંતુ આજના પ્રોસેસ્ડ ફૂડ(તૈયાર પૅકેટોમાં ઘણાં સમય પહેલાં રાંધેલો, ફ્રોઝન કરેલો, રાસાયણિક તત્વો ઉમેરેલો ખોરાક) વાળા સમયમાં આ મોટો પડકાર છે. એક મધ્યમ કદનું કેળું શરીરની રેસાની રોજની જરૂરિયાતનાં ૧૨% જેટલો ભાગ પૂરો પાડે છે અને કબજિયાતની અસરને સામાન્ય કરવામાં મદદ કરી શકે છે. કાચા કેળા આ માટે આદર્શ છે કારણ કે, તે રેઝિસ્ટંટ સ્ટાર્ચ(જે નાના આંતરડામાં ખોરાકનું પાચન અટકાવી મોટા આંતરડામાં પાચન થાય તે માટે ઉપયોગી છે)થી ભરપૂર હોય છે જે પીગળી ન શકે તેવા રેસાની જેમ કામ કરે છે જેથી, પેટ સાફ થવામાં મદદ થાય છે.

#૩. કેળા તમને ખુશ રાખે છે!

ભલે તમને કેળાનો સ્વાદ ગમતો હોય કે નહિ, તે તમને ખુશ જરૂર રાખે છે. આપણી પાસે એવા ઘણા સારા અભ્યાસો ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે, કઈ રીતે બાહ્ય પરિબળો જેવા કે, આપણો ખોરાક, મગજની રાસાયણિક પ્રક્રિયાને પ્રભાવિત કરીને ખુશી અને સુખાકારીની ભાવના ઉત્પન્ન કરે છે. કેળાની અંદર સૅરોટૉનિન નામનો સ્ત્રાવ(હોર્મોન) હોય છે જે આપણા મનોદશા તેમજ ખુશી અને સુખાકારીનાં ભાવને સ્થિર કરે છે. તેમાં વિટામિન B6 પણ વિપુલ પ્રમાણમાં હોવાથી મગજમાં કુદરતી રીતે સૅરોટૉનિનનું ઉત્પાદન વધારવામાં સરળતા પડે છે. ૨૦૦૮માં બ્રિટિશ જર્નલ ઑફ ન્યુટ્રિશન સામાયિકમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર વધારે પોટૅશિયમ વાળો ખોરાક લેવાથી, તે અભ્યાસમાં ભાગ લેનારાઓમાં હતાશાના લક્ષણો અને ચિંતાનું પ્રમાણ હળવું કરવામાં મદદ મળી હતી, તેવું નોંધવામાં આવ્યું હતું. ડૉ. કૅરોલિન લૉન્ગમોરેનાં અનુસાર, સૅરોટૉનિનનું ઘટી જવું એ હતાશાનું કારણ હોઈ શકે છે અને તમે તમારા શરીરમાં સૅરોટૉનિનનું સ્તર ઍમિનો ઍસિડ અને ટ્રાયટૉફાન યુક્ત ખોરાક - જેવાકે પનીર અને કેળા લઈને સુધારી શકો છો. તે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર કેળા ખાવાની ભલામણ કરે છે.

તો હવે પછી જ્યારે તમને હતાશાની લાગણી થાય ત્યારે આ ખજૂર અને કેળાની સ્મુધી જરૂર અજમાવજો. ખજૂરની અદ્‍ભુત કુદરતી મીઠાશ સાથે તાજા કેળા તમને ચોક્કસ ખુશ કરી દેશે.

#૪. કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે

આ પડકારજનક સમયમાં, મજબૂત રોગ પ્રતિકારક શકિત જીવન અને મૃત્યુનો ફેર પાડી શકે. કેળા એક પ્રિબાયોટિક ખોરાક છે, જેનો અર્થ છે કે તે આંતરડામાં એક ઉપયોગી પ્રકારના બેક્ટેરિયાના બંધારણ માટે ટેકો આપે છે જેનો શરીરની રોગપ્રતિકારકશક્તિ સાથે સીધો સબંધ છે.

સંશોધનકર્તાઓ કહે છે કે પૂરતા પ્રમાણમાં પ્રોટીન, આવશ્યક ફૅટી ઍસિડ અને ઓછામાં ઓછાં ૧૧ વિટામિન અને ખનિજ તત્વો (મિનરલ્સ) સાથે મળીને રોગ પ્રતિકારક તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એક મધ્યમ કદના કેળામાં જેટલા રોજની જરૂરિયાત માટે ભલામણ કરાયેલા ૧૧ પોષક તત્વોમાંના પાંચ તત્વો ૨% જેટલા હોય છે: લોહ તત્વ, ઝીંક, વિટામિન A, સેલેનિયમ અને પ્રોટીન. તે સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ માટે આવશ્યક બીજા ચાર પોષક તત્વો પણ મોટા પ્રમાણમાં પૂરા પાડે છે.

એક કેળુ તમારીરોજની જરૂરિયાતના ૧૧% જેટલું વિટામિન C પૂરું પાડી શકે છે જે લોહીમાં શ્વેત કણો ઉત્પન્ન કરવામાં અતિ મહત્વનું છે અને તે જ રોગ પ્રતિકારક શક્તિનો મુખ્ય આધાર છે. લાલ કેળાંમાં પીળા કેળાં કરતા વધારે વિટામિન C હોવાનું જાણવા મળ્યું છે. પણ કેળા રોગ પ્રતિકારક શક્તિને આધાર આપે છે કારણ કે તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું છે. વિટામિન B6 એ શરીરનાની રોગપ્રતિકારક બનાવવા માટે જવાબદાર પ્રોટીનોના ઉત્પાદન માટે આવશ્યક છે. એક મધ્યમ કદનાં કેળામાં રોજની જરૂરિયાત માટે ભલામણ કરાયેલા વિટામિન B6નાં ૩૦% ટકા હોય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા, થોડા વધુ પાકેલા કેળા પસંદ કરો. ૨૦૦૯માં ફૂડ સાયન્સ અને ટેક્નોલૉજી રિસર્ચમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, થોડા વધુ પાકેલા કેળાં શ્વેત કણ વધારવામાં કાચા કેળા કરતાં આઠ ઘણા વધારે અસરકારક હતા.

#૫. કેળા તમારા હૃદય માટે ઉત્તમ છે

પોટૅશિયમ એ ખનિજ ઇલેક્ટ્રોલાઇટ છે જે જ્ઞાનતંતુ અને સ્નાયુ કોષો માટે જરૂરી છે. તે હૃદયના કામને નિયંત્રિત કરે છે અને તરલ પદાર્થના પ્રમાણની સમતુલા જાળવી રાખે છે જે લોહીનું દબાણ સામાન્ય રાખવા માટે અતિ મહત્વનું છે. પોટૅશિયમની ઉણપ લોહીનું ઊંચું દબાણ કે હાયપરટેન્શન સહિતની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકેછે. પોટેશિયમથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેમ કે કેળાની, લોહીનું દબાણ નિયંત્રિત કરવાની સાથે હૃદયને લાગતી બીમારીઓ અને હૃદયરોગના હુમલાને આવતો અટકાવવા માટેની અસરકારકતા જાણીતી છે અને તેને ઘણાં વૈજ્ઞાનિક પુરાવાઓનો આધાર છે. સંશોધનો તે પણ દર્શાવે છે કે પોટેશિયમ સમૃદ્ધ ખોરાક લોહીના ભ્રમણમાં સોડિયમનું પ્રમાણ ઓછું કરીને લોહીનું દબાણ નિયંત્રિત કરી શકે છે.

કેળાં પોટૅશિયમનો કુદરતી રીતે ઉપલબ્ધ સૌથી ઉત્તમ સ્ત્રોતમાંનો એક સ્ત્રોત છે, કારણ કે એક મધ્યમ કેળું રોજની પોટૅશિયમની જરૂરિયાતના ૧૨% પૂરા પાડે છે.

banana

#૬. સ્ત્રીઓને માસિક આવતા પહેલાનાં લક્ષણોના ઉપચારમાં કેળા

કેળાની અંદર મૅલાટોનિન પણ હોય છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે અને શરીરનાં પ્રાકૃતિક તાલમેલને નિયંત્રિત કરે છે, ઉપરાંત લોહતત્વ, જે માસિક આવતા પહેલા જે થાક અનુભવાતો હોય છે તે ઓછો કરવામાં મદદ કરે છે. પોટૅશિયમનું પ્રમાણ ઓછું હોય તો સ્નાયુઓ ખેંચાઈ શકે છે, અને થોડા કેળા ખાવાથી શરીરમાં પોટૅશિયમનું પ્રમાણ સરળતાથી વધારી શકાય છે. પોટૅશિયમ શરીરમાં પાણીનો ભરાવો થતો અટકાવે છે જે સ્ત્રીઓ માટે ખૂબ મહત્વનું છે. કેળામાં રહેલું વિટામિન B6 રક્તકણોનું ઉત્પાદન કરે છે જે માસિક દરમ્યાન સ્ત્રીઓના શરીર માટે સારું છે.

#૭. પ્રી બાયોટિક્સનો અદ્‍ભુત સ્ત્રોત

પેટમાં વાયુનો પ્રકોપ છે? ખોરાક પચાવવામાં મુશ્કેલી થાય છે? આવું તમારા આંતરડામાં જરૂરી બૅક્ટેરિયા(સૂક્ષ્મ જીવાણુઓ)ની ઉણપના કારણે હોઈ શકે છે. આપણા શરીરમાં લગભગ ૪૦ ચાલીસ હજાર કરોડ જેટલા બેક્ટેરિયાઓ હોય છે, જેમાંથી મોટા ભાગના આપણા આંતરડામાં રહે છે. સામૂહિક રીતે, તે બધા આંતરડાના સૂક્ષ્મ-જીવાણુઓ તરીકે ઓળખાય છે અને આપણી તંદુરસ્તીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે, કેળા પ્રીબાયોટિકસનો ઉત્તમ સ્ત્રોત છે જે યોગ્ય પ્રકારના સૂક્ષ્મ-જીવાણુઓને આંતરડામાં વૃદ્ધિ પામવા માટે ઉત્તમ માધ્યમ ઊભું કરે છે. વિપુલ પ્રમાણમાં પ્રતિરોધક સ્ટાર્ચ, ખાસ કરીને કાચા કેળામાં, જે નાના આંતરડામાં શોષાતું નથી પણ તે મોટા આંતરડામાં પસાર થાય છે જ્યાં તે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે ખોરાક અને ઇંધણ તરીકે કામ કરે છે.

#૮. વ્યાયામ કરતા લોકો માટે સર્વોત્તમ આહાર

એક સામાન્ય કદના કેળામાં લગભગ ૧૨ મિલિગ્રામ કૉલિન હોય છે, તે એક પ્રકારનું B વિટામિન છે જે શરીરમાં ચરબીને મજબૂત બનાવતા રંગસૂત્રોને પ્રભાવિત કરે છે. કેળામાં રહેલા રેસના ઊંચા પ્રમાણને કારણે તૃપ્તિ અથવા ધરાઈ ગયાની લાગણી ઊભી થાય છે જે વ્યક્તિને ઓછું ખાવા તરફ દોરે છે. મૅરેથોન દોડનારાઓ અને બીજા વધુ પડતી શકિતની જરૂર પડે તેવા રમતવીરોનું પ્રિય ફળ કેળાં છે કારણ કે તેમાં સારા કાર્બોહાઈડ્રેટ(કાર્બોદિત પદાર્થો) અને એવી શર્કરાથી ભરપૂર હોય છે જે સરળતાથી પચી જાય છે, જે શરીરને સીધી શક્તિ પૂરી પાડે છે. પહેલવાનો કેળાં ખૂબ પસંદ કરે છે કારણ કે તે પૅક્ટીનનો સારો સ્ત્રોત છે અને તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે કે તેનાથી આપણા શરીરમાં રહેલા કોષોની ચરબીને શોષવાની માત્રમાં ઘટાડો કરે છે. આ માટે પાકા કેળા ઉત્તમ છે કારણ કે તેમાં ઝડપથી પચી શકે તેવી કુદરતી શર્કરા વધુ પ્રમાણમાં હોય છે.

ખૂબ કસરત કર્યા પછી થાકી ગયા છો? આ સ્વાદિષ્ટ શીંગદાણા અને કેળાનો શેક કસરત કર્યા પછીની તાજગી લાવી દેશે.

#૯. હાડકાં મજબૂત કરવા માટે કેળા ખાઓ 

આપણે જ્યારે તંદુરસ્ત હાડકા વિષે વિચાર કરીએ ત્યારે, મનમાં પહેલો વિચાર કૅલ્શિયમનો આવે. એક મધ્યમ કદના કેળામાં શરીરની રોજની જરૂરિયાતનું માત્ર ૧% કેલ્શિયમ હોય છે. એમ છતાં એ શરીરને કેલ્શિયમ સારી રીતે ગ્રહણ કરવામાં મદદ કરે છે. એક મહત્વના વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે, કેળામાં રહેલા   કેટલાક પ્રીબાયોટિક રસાયણો આંતરડામાં રહે છે, જે શરીરની કૅલ્શિયમનું શોષણ થવાની પ્રક્રિયાને સુધારે  છે. કેળામાં પોટૅશિયમ વધારે હોય છે જે પણ તમારા હાડકા માટે સારું છે. અભ્યાસો નિર્ણાયક રીતે દર્શાવે છે કે જે લોકો પોટૅશિયમ બહોળા પ્રમાણમાં લે છે એમનામાં ટોટલ બોન માસ(હાડકાનુ દ્રવ્યમાન) વધુ હોય છે, જેને કારણે હાડકાં મજબૂત થાય છે અને ઓસ્ટીયોપોરોસિસ, (જેમાં હાડકા બરડ થઈ જાય છે) નું જોખમ ઘટાડે છે.

#૧૦. કેળા સરળતાથી મળી રહે છે

આ કદાચ કેળાનો સૌથી મોટો ફાયદો છે! કેળા દુનિયાના લગભગ બધા જ બજારોમાં વ્યાજબી કિંમતમાં મળી રહે છે. કેળાની જાડી છાલ તેની અંદરનાં મૃદુ અને સ્વાદિષ્ટ ગરને જંતુનાશક દવાઓ અથવા બીજા નુક્સાન કારક રસાયણોથી પ્રદૂષિત થતાં બચાવે છે, સાથે જ એને સાથે લઈ જવાનું અને પરિવહન કરવાનું પણ સરળ છે. ઉપલબ્ધતાની આ સરળતા અને ફળનાં ઘણા ગુણો એને ઉત્તમ અને સ્વસ્થ્યવર્ધક ખોરાક બનાવે છે. માત્ર ૨- ૩ મધ્યમ કદના કેળા સફરમાં એક સરળ અને સંતોષકારક ભોજનની જરૂરિયાત પૂરી પાડી શકે છે. સ્મુધી ઉપરાંત કેળા બેકિંગ માટે પણ ઉપયોગી છે જેમાં તે ઈંડાના બદલે ઉપયોગમાં લેવાય છે અને વાનગીમાં ખાંડનાં વપરાશને પણ ઘટાડે છે. કેળા જે વાનગીને રાંધ્યા વિના બનાવવાની હોય એવી વાનગીઓમાં આસાનીથી ઉમેરી શકાય છે જેમકે, આ સરળ અને ઉત્તમ ચૉકલેટ અને પીનટ નો-બેક પાઇ.

તો તમે શેની રાહ જુઓ છો? તમારા ભોજનમાં કેળાને શામેલ કરો અને બદલામાં સ્વાસ્થ્ય અને સુખાકારીના સ્વરૂપમાં ભરપૂર ફાયદાઓ મેળવો.

તંત્રીની નોંધ : ગળ્યું ખાવું ગમે છેતમારા હવે પછીના કેળાના ભોજનમાં મધ નાખી થોડી વધુ મીઠાશ ઉમેરો. સાથે મધ ખાવાના ફાયદાઓ વિષે પણ જાણો.