પ્ર: શું ગાંજો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો માર્ગ છે? કારણ કે, શિવ સુદ્ધાં તેનું સેવન કરતા હતા.

સદગુરુઃ જો તમે નજીકથી મારી આંખોમાં જોશો, તો તમને માલૂમ પડશે કે હું હંમેશા નશામાં હોઉં છું. ઘણી વખત એવું બન્યું છે કે હિમાલયમાં તથા અન્ય સ્થળોએ સ્મોકિંગ (ધૂમ્રપાન) કરનારા લોકો મને તેમની સાથે જોડાવાનું આમંત્રણ પાઠે છે, કારણ કે તેઓ વિચારે છે કે હું સ્મોકર (ધૂમ્રપાન કરતો) હોઈશ. હું કદી નશીલા પદાર્થને સ્પર્શ્યો નથી. અને જો તમે ચોક્કસ રીતે મારી સાથે રહી શકો, તો હું તમને બંધાણી બનાવી શકું છું, કારણ કે તે દ્રવ્ય બહાર નથી, તે દ્રવ્ય અંદર છે. સવાલ એ છે કે શું તમે સેલ્ફ-સ્ટાર્ટ છો કે પુશ સ્ટાર્ટ?

આપણે આપણી સિસ્ટમ (આપણા તંત્ર)ની અંદર જે પણ દ્રવ્ય કે રસાયણો નાંખીએ, તે આપણી અંદર કેવળ અમુક પ્રકારના અનુભવને ઉદ્દીપ્ત કરે છે. જો તમે જાણતા હોવ કે તેને અંદરથી કેવી રીતે ઉદ્દીપ્ત કરવું, તો તમે અહીં પરમ આનંદમાં બેસી શકો છો, બહારથી કશું જ લેવાની જરૂર પડતી નથી.

સોમસુંદર એ શિવનાં મહત્વનાં નામો છે – હંમેશા નશામાં, પણ સંપૂર્ણપણે સચેત. તેઓ નશામાં રહેવા માટે ગાંજા જેવા ક્ષુદ્ર દ્રવ્ય પર નિર્ભર રહેતા નહોતા. તેમની ઊર્જાઓ સર્વોચ્ચ સ્તરે રહેતી.

શિવને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે. તેમાં સોમ મહત્વનાં નામોમાં સ્થાન ધરાવે છે. સોમનો અર્થ થાય છે નશો, કેફ. શિવ એટલા નબળા નહોતા કે તેમને બહારના દ્રવ્યોની જરૂર પડે. તેઓ બંધાણી હતા, તેમાં કોઈ બેમત નથી. પણ તેઓ કોઈ દ્રવ્યનો ઉપયોગ નથી કરતા, બલ્કે તે સ્વયં જ દ્રવ્ય છે.

જો તમે કેફમાં (નશામાં) નહીં હોવ, તો તમે કદી પણ અંતિમ શૂન્યમાં છલાંગ લગાવવા માટેની જરૂરી ઉન્મત્તતા નહીં મેળવી શકો, જે એકમાત્ર મુક્તિ છે. કેવળ નશાની સ્થિતિમાં જ શરીર અને દિમાગ મર્યાદાથી પર હોય છે. આથી, સોમ અથવા તો સોમસુંદર એ શિવનાં મહત્વનાં નામો છે – હંમેશા નશામાં, પણ સંપૂર્ણપણે સચેત. તેઓ નશામાં રહેવા માટે ગાંજા જેવા ક્ષુદ્ર દ્રવ્ય પર નિર્ભર રહેતા નહોતા. તેમની ઊર્જાઓ સર્વોચ્ચ સ્તરે રહેતી. તેનો અર્થ એ કે તેઓ નશા, ઉત્કટતા અને ક્ષમતાના સર્વોચ્ચ બિંદુ પર છે.

એક વાર એવું બન્યું, આદિ શંકર ચાલી રહ્યા હતા. તેમની ચાલ ચપળ અને ઝડપી રહી હોવી જોઈ કારણ કે બત્રીસ વર્ષની વય સુધીમાં તેમણે દેહનો ત્યાગ કર્યો હતો. પરંતુ, બારથી લઈને બત્રીસ વર્ષની વયનાં એ વીસ વર્ષોમાં તો તેમણે કેટલીક વાર ભારત-ભ્રમણ કરી લીધું હતું, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, કેરળથી લઈને બદ્રીનાથ, વગેરે તમામ દિશાઓ ખૂંદી વળ્યા હતા. ટૂંકા જીવનમાં આટલું બધું ચાલ્યા હોવાથી તેઓ ખરેખર જ ઘણી ઝડપ અને ચપળતાથી ચાલતા હોવા જોઈએ. વળી, આ દરમિયાન તેમણે સાહિત્યનાં હજ્જારો પાનાં પણ લખ્યાં.

તો, એક વખત આદિ શંકર ઝડપી ચાલે ચાલી રહ્યા હતા. તેમના શિષ્યો ટૂંકાં પગલાં ભરતાં ઝડપથી તેમની પાછળ દોડી રહ્યા હતા. આદિ શંકર એક ગામમાં આવી પહોંચ્યા. ગામની બહાર તેમણે કેટલાક ગણ્યા-ગાંઠ્યા લોકોને ચોખામાંથી બનાવેલો અથવા તો તોડીનો દેશી દારૂ પીતાં જોયા. તે દિવસોમાં ભારતમાં, અને આજથી આશરે પચ્ચીસ, ત્રીસ વર્ષ પહેલાં પણ દારૂનાં પીઠાં ગામની બહાર જ રહેતાં. તે કદી ગામમાં જોવા મળે નહીં. હવે તો, ગામમાં, તમારા ઘરની બાજુમાં અને તમારા બાળકની શાળાની સામે પણ આલ્કોહોલ (દારૂ) વેચાય છે. તે દિવસોમાં દારૂનું પીઠું ગામની બહાર રાખવામાં આવતું.

આદિ શંકરે આ ગણી-ગાંઠી વ્યક્તિઓને નશાની સ્થિતિમાં જોઈ. તમે જાણો છો, દારૂડિયાઓ એવા હંમેશા એવા વિચારમાં રાચતા હોય છે કે તેઓ તેમના જીવનનો શ્રેષ્ઠ સમય માણી રહ્યા છે અને તેમના સિવાયની દરેક વ્યક્તિ આ આનંદથી વંચિત છે. આથી, તેમણે આદિ શંકર પર કોઈ ટિપ્પણી કરી. આદિ શંકર એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના પીઠામાં ગયા, કૂંજો ઊઠાવ્યો, પીને આગળ ચાલવા માંડ્યા.

તેમની પાછળ તેમના અનુયાયીઓ ચાલી રહ્યા હતા, તેઓ અંદરો-અંદર ગણગણાટ કરવા લાગ્યા, જ્યારે આપણા ગુરુ (દારૂ) પી શકે છે, તો આપણે કેમ નહીં?” આદિ શંકર શિષ્યોની ગૂસપૂસથી વાકેફ હતા. જ્યારે તેઓ બીજા ગામમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં એક લુહાર કામ કરી રહ્યો હતો. આદિ શંકર અંદર ગયા, પીગળેલું લોઢું ભરેલું પાત્ર ઊઠાવ્યું, ઓગળેલું પ્રવાહી પી ગયા અને આગળ ચાલવા લાગ્યા. હવે તમે તેમનું અનુકરણ કરવાના નથી! આથી, જો તમે એમ વિચારતા હોવ કે શિવ દ્રવ્યનું સેવન કરતા હતા, તો પણ તમે તેમનું અનુકરણ કરવાનો પ્રયત્ન ન કરશો.

મારા માટે, જીવન જીવવાનો અણીશુદ્ધ માર્ગ સૌથી મોટી વાત છે. ગાંજા પર અસ્પષ્ટ થવું જીવન નથી. જ્યારે તમે બિમાર હોવ અને મોતના બિછાને હોવ, ત્યારે જીવન ધૂંધળું બની શકે છે. જ્યારે તમે જીવિત હોવ, ત્યારે સ્પષ્ટતા સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત છે. અને સ્પષ્ટતા માદક હોઈ શકે છે. તમે લોકોને પર્વતો પરથી છલાંગ લગાવતા, એરપ્લેનમાંથી કૂદતાં અને અકલ્પનીય જોખમી સ્ટન્ટ કરતાં જોયાં હશે. તે લોકો આ બધું કરે છે કારણ કે, અત્યંત સાવધ, સચેત રહેવામાં અન્ય પ્રકારની માદકતા અને જીવંતતા હોય છે.

તેઓ બાહ્ય રીતે ઘણી શારીરિક ક્રિયાઓ કરીને એડ્રિનલિનને ઉત્તેજિત કરે છે. પણ જો તમે સંપૂર્ણ જીવંત, સચેત અને બાહ્ય ઉત્તેજક વિના કેફ સાથે અહીં બેસશો, તો હું કહીશ કે શિવનું તત્વ તમને પ્રાપ્ત થયું છે. જો તમે અહીં એટલા સચેત થઈને બેસો કે તમે કેફમાં હોવ, તો કેફમાં રહેવાનો તે માર્ગ છે, નહીં કે ગાંજા-તમાકુનું સેવન કરવું. એ વનસ્પતિઓ ગાય માટે રહેવા દો. માનવી તેના કરતાં બહેતર પ્રવૃત્તિ કરી શકે છે.

દારૂ, નશીલાં દ્રવ્યો કે અન્ય કોઈ પણ પ્રકારના નશાથી તમે કોઈ રીતે તમારી માનવ ક્ષમતા ઘટાડી રહ્યા છો. જો તે (દ્રવ્યો થકી કરવામાં આવતો નશો) માનવી તરીકેની તમારી ક્ષમતા બહેતર બનાવતો હોય, તો હું દરેક વ્યક્તિને દરેક સમયે નશામાં રહેવાની સલાહ આપીશ. પણ સમસ્યા એ છે કે તે માનવી તરીકેનું તમારૂં સ્તર નીચું લાવી દે છે. ઉપલબ્ધ સંશોધન દર્શાવે છે કે જો કોઈ વ્યક્તિ સાઇઠથી નેવુ દિવસ કરતાં વધારે સમય સુધી સતત ધૂમ્રપાન (સ્મોકિંગ) કરતી રહે, તો તેનો આઇક્યૂ આઠ પોઇન્ટ ઘટી જાય છે. અને માનસિક ક્રિયામાં થયેલા આ ઘટાડામાં ફરી કદી પણ સુધારો થશે નહીં.

તમારે કોઈ સંશોધનથી દોરાવાની જરૂર નથી. જો તમે નશો કરનારાં લોકોનું નિરીક્ષણ કરશો, તો તમે જોશો કે કેફમાં (નશામાં) હોય ત્યારે તેઓ શાંત જણાય છે. પણ જો તમે બે દિવસ સુધી તેમને તેમનો નશીલો પદાર્થ ન આપો, તો તમે જોશો કે તેઓ કેવા તરંગી, વિચિત્ર બની શકે છે. જ્યારે તમે અસ્પષ્ટ હોવ, ત્યારે તમે શાંત થઈ શકો છો, પણ તે શાંતિનું કોઈ મૂલ્ય નથી. જો તમે કોઈપણ પ્રકારના બાહ્ય પદાર્થનો ઉપયોગ કરશો, તો તમારામાંનું કશુંક સંકોચાઈ જશે. પણ જો તમે અંદરથી જ કેફમાં હશો, તો તમારામાંનું કશુંક આપમેળે જ નિખરી ઊઠશે. આ મોટો તફાવત છે.

આજે, અમેરિકાનાં ઘણાં સ્ટેટ્સમાં ગાંજાને કાયદેસરતા આપવામાં આવી છે અને ઘણી મોટી કંપનીઓ વિવિધ પ્રકારનાં ગાંજાનાં ઉત્પાદનો બજારમાં ઠાલવી રહી છે. અમેરિકામાં 2018માં ગાંજાનો 10.4 બિલિયન ડોલરનો વ્યવસાય થયો હતો.

લાખો વર્ષોની ઉત્ક્રાંતિએ માનવીના દિમાગને વર્તમાન સ્તરે પહોંચાડ્યું છે. પણ આ ક્ષમતાનો વપરાશ કેવી રીતે કરવો, તેની સંભાળ શી રીતે લેવી તે તમે નથી જાણતા અને નશો કરવા ઈચ્છો છો. આ નિશ્ચિતપણે અધોગતિ તરફનું પગલું છે. તેમાં કોઈ આધ્યાત્મિકતા નથી.

આધ્યાત્મિક ગણાવા માટે વપરાતું અન્ય એક નશીલું દ્રવ્ય છે દક્ષિણ અમેરિકાનું આયાવાસ્કા. તમે તેને લો અને બધું જ ઓકવા લાગો છો! જો તમને લાગતું હોય કે આ આધ્યાત્મિક છે – તો ઓલ ધ બેસ્ટ! અમે મોટાં થઈ રહ્યાં હતાં, ત્યારે રેચક, લૂઝ મોશન માટેનું એક તેલ હતું – કુંતી કુમારી બેધી એન્નાઇ. તેમાં દિવેલને જપલમ તરીકે ઓળખાતા પદાર્થ સાથે ભેળવવામાં આવતું. જો કોઈ વ્યક્તિ કોઈપણ સમયે વિચિત્ર અને તરંગી વર્તન કરતી રહેતી, તો લોકો કહેતા, ‘તેને કુંતી કુમારી બેધી એન્નાઇ આપી દો’, કારણ કે શરીરનો નકામો કચરો તેના દિમાગમાં ભરાઈ ગયો છે. આથી, વિરેચન કરવું જરૂરી છે, જે ઘણું જ સાચું છે. તમારા દિમાગમાં કોઈ વાહિયાત વિચારો ભરાઈ ગયા છે, તમે નશાથી તે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ના, તમને કુંતી કુમારી બેધી એન્નઇની જરૂર છે! (Kunti Kumari Bedhi Ennai)!...